ભાણદાસ (સત્તરમી સદી) : અખાની પરંપરાના નોંધપાત્ર વેદાન્તી કવિ. મહામાયાની અનન્ય શક્તિના પ્રબળ આલેખક. ભીમના પુત્ર અને કૃષ્ણપુરીના આ શિષ્ય વિશેષ જાણીતા છે એમની ગરબીઓથી. ‘ગરબી’ સંજ્ઞા પ્રથમ વાર પ્રયોજાયેલી એમની કૃતિમાં મળે છે. ભાણદાસની સુખ્યાત ગરબી છે ‘ગગનમંડળની ગાગરડી’. એ રચના આરંભાય છે – ‘ગગનમંડળની ગાગરડી, ગુણ ગરબી રે / તેણિ રમિ ભવાનિ રાસ ગાઉં ગુણ ગરબી રે’ એ કડીથી. 33 કોટિ છિદ્રવાળી ગગનમંડળની ગાગરનું ભવ્ય ચિત્ર કવિ આ ગરબીમાં આલેખે છે. તત્વજ્ઞાન અને કવિતાનો વિરલ સંયોગ પામીને, વિશાળ ફલક પર વિસ્તરતી કલ્પના દ્વારા ભવાનીનું સબળ ચિત્ર અંકિત કરે છે. એવી જ એમની બીજી ગરબી છે ‘જોનિ જોગમાયા ગરબુ રમિ’. એમાં પણ ‘નવ દાઢા, નવ રાત’ રમતી યોગમાયાના રૂપશણગારનું કલ્પનાલક્ષી ચિત્રણ છે. કવિશક્તિના ઉન્મેષો આ ગરબીઓમાં સુપેરે પ્રગટ થયેલા અનુભવાય છે. ગરબી પ્રકારની અન્ય 71 જેટલી પદરચનાઓ તેમણે આપી છે.

અદ્વૈત વેદાન્તની તાત્વિક વિચારણા કરતી એમની કૃતિઓ પૈકી 16 કડવાંની આખ્યાનકૃતિ ‘હસ્તામલક’માં શંકરાચાર્ય અને હસ્તામલક વચ્ચેનો પ્રશ્નોત્તરીરૂપ જ્ઞાનસંવાદ, સંસ્કૃત ગ્રંથને આધારે નિરૂપાયો છે. એમાં કવિત્વના સ્પર્શ સાથે જ્ઞાનમાર્ગની ઉત્તમતા સિદ્ધ કરવાનો કવિનો સુંદર પ્રયત્ન છે. શંકરાચાર્ય અને હસ્તામલક વચ્ચેની આ જ્ઞાનગોષ્ઠિમાં, ઉપનિષદ-નિરૂપિત આત્મસ્વરૂપનો મહિમા થયો છે. એ જ રીતે કવિની બીજી 52 કડીની કૃતિ ‘અજગર-અવધૂત સંવાદ’માં પણ અદ્વૈત વેદાન્તની તત્વવિચારણાને સુગમ ર્દષ્ટાંતોથી સમજાવાઈ છે. આ ઉપરાંત ભાગવતના છઠ્ઠા સ્કંધને આધારે પ્રહલાદની કથાને નિરૂપતું 21 કડવાંનું દુહા ને ચોપાઈ બંધવાળું ‘પ્રહલાદાખ્યાન’ (1651) પણ કવિએ લખ્યું છે. એમાં પણ કવિનું વલણ જ્ઞાનવિચારની ચર્ચા કરવાનું રહ્યું છે. કવિએ કેટલીક અન્ય રચનાઓ – ‘બારમાસી’, ‘નૃસિંહજીની હમચી’, ‘હનુમાનજીની હમચી’ પણ રચેલ છે.

જ્ઞાનપરક રચનાઓમાં કવિ ર્દષ્ટાંતો દ્વારા તત્વચર્ચાને અત્યંત સરળતાથી સ્પષ્ટ કરી શક્યા છે, તો બીજી બાજુ આદ્યશક્તિનો મહિમા વૈભવભરી કલ્પનાશક્તિથી આલેખી શક્યા છે.

ચિમનલાલ ત્રિવેદી

બળદેવભાઈ કનીજિયા