ભાણવડ : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. સ્થાન-સીમા-વિસ્તાર : તે આશરે 21° 50´ થી 22° 70´ ઉ. અ. અને 69° 30´ થી 69° 50´ પૂ. રે. વચ્ચેનો 731.9 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લાલપુર, પૂર્વ તરફ જામજોધપુર તાલુકા, દક્ષિણે પોરબંદર જિલ્લો, તથા પશ્ચિમે કલ્યાણપુર તાલુકો આવેલા છે.
ભૂપૃષ્ઠ : આ તાલુકાનું ભૂપૃષ્ઠ જ્વાળામુખી ખડકોથી બનેલું છે. અહીંની જમીનો કાળી છે. તે બૅસાલ્ટ ખડકોના ખવાણમાંથી ઉદભવેલી છે. તેની દક્ષિણ-નૈર્ઋત્ય દિશાની સરહદે બરડાના અને આલેચના ડુંગરો આવેલા છે. તેમની સરેરાશ ઊંચાઈ 400 મીટર છે, જ્યારે બાકીના ભૂમિભાગની ઊંચાઈ 250 મીટર જેટલી છે. અહીંની વેણુ ટેકરી સૌથી વધુ ઊંચાઈ (624 મીટર) ધરાવે છે, જ્યારે અભિપુરા અને ગોપની ટેકરીઓની ઊંચાઈ અનુક્રમે 588 અને 361 મીટર છે. આલેચ અને દલસા ડુંગરની ઊંચાઈ 304 મીટર અને 300 મીટર છે. બરડા ક્ષેત્રની ટેકરીઓ ઉત્તર-દક્ષિણ આશરે 16 કિમી. અને પૂર્વ-પશ્ચિમ 11 કિમી.ના વિસ્તારમાં પથરાયેલી છે. તેનો કુલ વિસ્તાર 181 ચોકિમી. જેટલો છે. જ્વાળામુખીજન્ય આ ટેકરીઓમાંથી ક્વાર્ટ્ઝ, ફેલ્સ્પાર, કૅલ્સાઇટ અને અકીક મેળવાય છે. અહીંની જમીનો કાળી, કાંકરાવાળી, ભેજસંગ્રહક્ષમતાવાળી હોવાથી કપાસના વાવેતર માટે અનુકૂળ છે.
વન્ય સંપત્તિ : આ ક્ષેત્રમાં આવેલાં જંગલો વિવિધ પ્રકારની વનસ્પતિ ધરાવે છે. આ જંગલો સૂકાં, પર્ણપાતી પ્રકારનાં હોવાથી અહીં મોટેભાગે બાવળ, આવળ, લીમડો, આમળાં, બહેડાં, ટીમરુ, ખાખરો, ગોરડ અને કેરડાં જેવાં વૃક્ષો વધુ જોવા મળે છે. જંગલ-વિસ્તારમાં દીપડા, જરખ, શિયાળ, લોંકડી, જંગલી બિલાડા, છીંકારાં, ભૂંડ અને નોળિયા તેમજ સાપ જેવાં પ્રાણીઓ જોવા મળે છે. 1860 સુધી અહીં સિંહની વસ્તી હતી. પરંતુ રાજવીઓના શિકારી શોખને કારણે તેમનો નાશ થયેલો છે. અહીં સ્થાનિક તેમજ કેટલાંક વિદેશી પક્ષીઓ પણ જોવા મળે છે. વન્ય પેદાશોમાં ખાસ કરીને લાખ, ગુંદર, ઔષધિઓ અને જલાઉ લાકડાં મુખ્ય છે. છઠ્ઠી સદીનાં કેટલાંક પ્રાચીન મંદિરો આ ક્ષેત્રમાં જોવા મળે છે.
જળપરિવાહ : ઈશાનથી નૈર્ઋત્ય તરફ વહેતી વર્તુ નદી અહીંની મુખ્ય નદી છે, તેની સહાયક નદી વેરડી ભાણવડની ઉત્તરે વર્તુને મળે છે. ભાણવડની ઉત્તરે આશરે 10 કિમી.ને અંતરે એક મોટું તળાવ પણ છે.
આબોહવા : અહીં મે-જૂન માસમાં 40° સે. જેટલું મહત્તમ તાપમાન અને ડિસેમ્બર-જાન્યુઆરી દરમિયાન 11° સે. જેટલું લઘુતમ તાપમાન રહે છે. ચોમાસામાં વાયવ્ય અને પશ્ચિમ તરફથી ભારે તોફાની પવનો ફૂંકાય છે. સરેરાશ 466 મિમી. જેટલો વરસાદ પડે છે. આ તાલુકો વારંવાર દુષ્કાળ અને અછતની પરિસ્થિતિનો ભોગ બને છે 1995 –96માં પડેલા દુષ્કાળથી અહીંનાં 53 ગામોને અસર પહોંચી હતી.
ખેતી : અહીંની જમીનો મધ્યમ કાળી છે, કેટલીક જમીનો લૅટરાઇટજન્ય પણ છે, વળી મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ હોવાથી જમીનો ઓછી દળદાર જોવા મળે છે. તેથી ખેતીનું પ્રમાણ ઓછું છે, તેમ છતાં અમુક પ્રમાણમાં અહીં કપાસ, જુવાર, બાજરી અને મગફળીનું વાવેતર કરવામાં આવે છે.
પરિવહન : આ તાલુકામાં થઈને રાજ્ય ધોરી માર્ગો તથા જિલ્લા માર્ગો પસાર થાય છે. તે પૈકી જામનગર–પોરબંદર રાજ્ય ધોરી માર્ગ 94 અને રાજકોટ–પોરબંદર રાજ્ય ધોરી માર્ગ 95 મુખ્ય છે. તાલુકાનાં 47 ગામોને રાજ્યપરિવહનની બસસેવાનો લાભ મળે છે.
વસ્તી : તાલુકાની કુલ વસ્તી 99,150 (1991) જેટલી છે. દર ચોકિમી. દીઠ વસ્તીની ગીચતાનું પ્રમાણ 136 વ્યક્તિઓનું છે. અહીં અક્ષરજ્ઞાનનું પ્રમાણ 53.51 % જેટલું છે. મહેસૂલ વિભાગની ર્દષ્ટિએ આ તાલુકો ખંભાળિયા વિભાગમાં સમાવેલો છે. આ તાલુકામાં એક નગર અને 81 (2 વસ્તીવિહીન) ગામો આવેલાં છે. વીજળીની સુવિધા બધાં જ ગામોને મળે છે. તાલુકામાં ત્રીસ જેટલી વિભાગીય ટપાલ-કચેરીઓ આવેલી છે.
જોવાલાયક સ્થળો : બ્રિટિશ કાળમાં આ તાલુકો હાલાર વિભાગમાં હતો, આજે તે જામનગર જિલ્લાનો એક તાલુકો બનેલો છે. અહીં બરડા ડુંગરોની ટેકરીઓ પર છઠ્ઠી સદીનાં પ્રાચીન મંદિરો આવેલાં છે. અહીં આવેલું ગોપનું મંદિર ગુજરાતનું સૌથી જૂનું મંદિર મનાય છે. ઘૂમલી નજીક જૂની સ્થાપત્યશૈલીવાળું નવલખા મંદિર આવેલું છે.
ભાણવડ (નગર) : આ નગર ઉત્તર તરફ આવેલી વેરડી નદી અને દક્ષિણ તરફ આવેલી વર્તુ નદીની વચ્ચે વસેલું છે. આ નગરમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હૉસ્પિટલ, ઔષધાલય, અતિથિગૃહ, તાર-ટપાલ કચેરી અને પોલીસસ્ટેશનની સુવિધા છે.
આ નગરને પીવાનું પાણી મળી રહે તે માટે તેની ઉત્તરે 10 કિમી. દૂર એક કૃત્રિમ જળાશય બાંધવામાં આવેલું છે. 1991 મુજબ આ નગરની કુલ વસ્તી 16,715 જેટલી છે. તે જિલ્લાની કુલ વસ્તીના 2.65 % જેટલી થાય છે.
નીતિન કોઠારી