ભાડું : ઉત્પાદનના સાધનને તેની પુરવઠાકિંમત કરતાં જે વધારે કમાણી થાય તે. વ્યક્તિ પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ ખરીદી શકતી નથી. કેટલીક વસ્તુઓની વપરાશ થોડાક સમય માટે કરવાની હોય છે; તો કેટલીક વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે ત્યારે તે ભાડે લે છે; દા.ત., સાઇકલ, મકાન વગેરે. આવી વસ્તુ ભાડે આપનાર વ્યક્તિ દ્વારા તેના બદલામાં કરાર અનુસાર જે કિંમત લેવામાં આવે છે તેને સામાન્ય રીતે લોકો ‘ભાડું’ કહે છે. અર્થશાસ્ત્રમાં ‘ભાડું’ શબ્દ જુદા અર્થમાં વપરાય છે.
ઉત્પાદનનાં બે મૂળભૂત સાધન શ્રમ અને જમીન છે. જમીનમાં ભૂમિ, ખનિજદ્રવ્યો, જળ, વાયુ, પ્રકાશ વગેરેનો સમાવેશ થાય છે. જમીનની વિશિષ્ટતા એ છે કે તે ઉત્પાદનનું એક મૂળભૂત સાધન છે. તે કુદરતી હોઈ તેના ઉપયોગ માટે કોઈ કિંમત ચૂકવવી જરૂરી નથી; પરંતુ જમીન તેની માંગની તુલનામાં અછત ધરાવતી હોવાથી માનવીએ તેની કિંમત ચૂકવવી પડે છે. આમ અર્થશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો જમીનની પુરવઠા-કિંમત શૂન્ય હોવા છતાં તેના ઉપયોગ માટે વાસ્તવમાં જે કિંમત ચૂકવવી પડે છે તે ભાડું છે.
ઇંગ્લૅન્ડના અર્થશાસ્ત્રી રિકાર્ડોના મતે જમીનને જે ભાડું મળે છે તે જમીનની કુદરતી અને અવિનાશી ફળદ્રૂપતાનું પરિણામ છે. અર્થાત્, જમીનની ફળદ્રૂપતાની ભિન્નતાને લીધે ભાડું ઉદભવે છે. ઉત્તમ પ્રકારની જમીન મર્યાદિત છે. તેથી ખેતપેદાશો માટેની માંગ વધતાં તેનાથી ઊતરતી ગુણવત્તા ધરાવતી જમીન ખેડવાની ફરજ પડે અને પરિણામે સારી જમીનને ભાડું પ્રાપ્ત થાય છે. જમીનની ગુણવત્તામાં તફાવત હોવાથી ભાડું પ્રાપ્ત થતું હોવાથી રિકાર્ડોના વિચારને ‘તફાવતી ભાડાના સિદ્ધાંત’ તરીકે ઓળખાવવામાં આવે છે.
આધુનિક અર્થશાસ્ત્રીઓએ રિકાર્ડોના સિદ્ધાંતને થોડો સુધારીને તેને સર્વગ્રાહી બનાવ્યો છે. ઉત્તમ ફળદ્રૂપતા ધરાવતી જમીન મર્યાદિત હોવાથી તેનાથી ઓછી ફળદ્રૂપતા ધરાવતી જમીનનો ઉપયોગ ખેતી માટે કરવો પડે છે. તેનો અર્થ આધુનિક અર્થશાસ્ત્રીઓએ આ પ્રમાણે ઘટાવ્યો : ઉત્તમ ફળદ્રૂપતા ધરાવતી જમીનની અછત હોવાથી તેને ભાડું મળે છે. આમ ભાડાના રૂપમાં આવકનો ઉદભવ ફળદ્રૂપતાના તફાવતને કારણે થતો નથી, પરંતુ અછતને કારણે થાય છે. જો આ રીતે વિચારીએ તો ઉત્પાદનનાં લગભગ બધાં સાધનો વત્તાઓછા પ્રમાણમાં અછત ધરાવતાં હોય છે અને તેથી ભાડું મેળવતાં હોય છે. દા.ત., કોઈ ઇજનેર માસિક રૂ. 3,000ના વેતનથી નોકરી કરવા તૈયાર હોય અને તેને રૂ. 4,000ના વેતનવાળી નોકરી મળે તો તેને મળતા માસિક રૂ. 4,000ના વેતનમાં રૂ. 1,000 ભાડું છે એમ કહેવાય. આથી અર્થશાસ્ત્રમાં ભાડાને બિનકમાયેલી આવક પણ કહેવામાં આવે છે. ફિલ્મના કલાકારો, અન્ય કલાકારો, ખેલાડીઓ વગેરેને થતી મોટી કમાણીમાં મોટો ભાગ ભાડાનો હોય છે.
મદનમોહન વૈષ્ણવ