ભાટિયા, બલબીરસિંહ

January, 2001

ભાટિયા, બલબીરસિંહ (જ. 31 ઑગસ્ટ 1935) : ભારોત્તોલનના ભારતના સર્વશ્રેષ્ઠ સ્પર્ધક. 1958થી સતત 13 વર્ષ સુધી તેમણે રાષ્ટ્રીય વિજેતાપદ જાળવી રાખ્યું હતું. તેમણે 37 વાર પોતાનો જ વિક્રમ આંબ્યો અને તે સમયે 422.5 કિલો વજન ઊંચક્યું હતું. દિલ્હીમાં અભ્યાસ કરનાર બલબીરસિંહને નાની વયથી જ ભારોત્તોલનમાં રસ હતો. 1970માં બૅંગકૉકમાં આયોજિત એશિયાઈ રમતોત્સવમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સિવાય પણ તેમણે ઘણી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1965માં તેમને રમતગમતક્ષેત્રે ભારતનો સર્વશ્રેષ્ઠ ગણાતો ‘અર્જુન ઍવૉર્ડ’ એનાયત થયો હતો. 1966માં આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલદિલીથી રમનાર ખેલાડી તરીકે તેમને આધુનિક ઑલિમ્પિક રમતોત્સવના સ્થાપક કુબર્તિનની સ્મૃતિમાં અપાતા ફેર પ્લે ઇન્ટરનૅશનલ ઍવૉર્ડથી નવાજવામાં આવ્યા હતા.

પ્રભુદયાલ શર્મા