ભાગવત, દુર્ગા (જ. 10 ફેબ્રુઆરી 1910, ઇંદોર) : મરાઠીનાં નામાંકિત લેખિકા તથા લોકસાહિત્યનાં વિદુષી. પ્રાથમિક શિક્ષણ મુંબઈમાં, માધ્યમિક શાળાનું શિક્ષણ નાસિક, અહમદનગર તથા પુણેમાં અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. 1932માં સંસ્કૃત અને અંગ્રેજી વિષયો સાથે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ‘અર્લી બુદ્ધિસ્ટ જ્યુરિસ્પ્રૂડન્સ’ નામના શોધનિબંધ માટે તેમને 1935માં પીએચ.ડી.ની ડિગ્રી એનાયત થઈ; 1939માં મહાનિબંધ પ્રગટ થયો. તેમણે સ્વાતંત્ર્ય-લડતમાં ભાગ લીધો અને 1929માં કેટલોક સમય પોતાનો અભ્યાસ છોડી દીધો.
1940માં મુંબઈ યુનિવર્સિટી છોડી તેઓ એશિયાટિક સોસાયટીમાં જોડાયાં અને સ્વતંત્ર રીતે કામ કરવાનું સ્વીકાર્યું. સમાજવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર તથા ભારતીય પ્રાચ્યવિદ્યા અને લોકવિદ્યા જેવા વિષયોનાં એક અગ્રણી સંશોધક-વિદ્વાન તરીકે તેમને વ્યાપક નામના મળી.
1976માં કરાડ ખાતે યોજાયેલા અખિલ ભારતીય મરાઠી સાહિત્ય સંમેલનનાં તેઓ અધ્યક્ષ વરાયાં હતાં. 1971માં તેમના પુસ્તક ‘પૈસ’ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. તેમનાં લખાણોમાં સર્જનાત્મક કલ્પનાશીલતાના તેજસ્વી ચમકારા જોવા મળે છે. તેમનાં શરૂઆતનાં લખાણોમાં અંગ્રેજીમાં લખાયેલા પાંડિત્યપૂર્ણ શોધનિબંધોનો સમાવેશ થાય છે. [દા.ત., ‘એ ડાઇજેસ્ટ ઑવ્ કમ્પૅરેટિવ ફિલૉલૉજી (1940), ‘રોમાન્સ ઇન સૅક્રેડ લૉર’ (1948)]. તેમની સર્જનશક્તિનો ઉત્તમ ઉન્મેષ જોવા મળે છે ‘ઋતુચક્ર’ (1956), ‘ભાવમુદ્રા’ (1960), ‘વ્યાસપર્વ’ (1962), ‘રૂપરંગ’ (1967) તથા ‘પૈસ’-(1970)માં. લોકવિદ્યાને લગતા ‘લોકસાહિત્યાચી રૂપરેખા’(1956) – જેવા ગ્રંથમાં તેમણે પ્રશિષ્ટતાની કક્ષા સિદ્ધ કરી છે. તેમની સૂક્ષ્મ અને વિચક્ષણ વિવેચન-શક્તિનું ઉત્તમ ઉદાહારણ છે ‘કેતકરી કાદંબરી’ (1967). ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ – એ 1978માં પુણે યુનિવર્સિટીમાં ટાગોર સ્મારક વ્યાખ્યાનમાળામાં તેમણે આપેલાં સાહિત્યિક તત્વજ્ઞાનવિષયક વ્યાખ્યાનો છે. વિદ્વાન અને મૌલિક ચિંતક તેમના દાદા રાજારામ શાસ્ત્રી ભાગવતનું જીવનચરિત્ર પણ તેમણે લખ્યું છે (1947). તેમણે જુદા જુદા પ્રકાર તથા પ્રદેશોની લોકકથાઓ અત્યંત સરળ-સુગમ શૈલીમાં પ્રસ્તુત કરી છે.
તેઓ અચ્છાં નિબંધકાર છે. તેમની શૈલી સ્વાભાવિકતાવાળી તથા તાજગીપૂર્ણ છે. તેમનાં લખાણમાં પુષ્કળ વિષયવૈવિધ્ય છે. તેમના ગદ્યમાં ઊર્મિસભરતા સાથે પરિપક્વ શાણપણ તથા માનવમનની ઇચ્છા-આકાંક્ષા વિશેની ઊંડી સૂઝ ભળી છે. એ રીતે ‘ઋતુચક્ર’ મરાઠીમાં અજોડ લેખાય છે. ‘ધર્મ આણિ લોકસાહિત્ય’(1975)માં તેમનાં પૃથક્કરણાત્મક ર્દષ્ટિ તથા અભિગમનો સબળ આવિષ્કાર છે.
ટીકા-ટિપ્પણ સહિતનાં અનેક સંપાદનો ઉપરાંત તેમણે સંસ્કૃત, અંગ્રેજી તથા અમેરિકન કૃતિઓનાં કેટલાંક સરસ ભાષાંતર પણ પ્રગટ કર્યાં છે. વળી તેમની કેટલીક મહત્વની કૃતિઓનું ઘણી ભારતીય ભાષાઓમાં ભાષાંતર થયું છે.
મહેશ ચોકસી