ભાગલપુર : બિહાર રાજ્યના ભાગલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 15´ ઉ. અ. અને 87° 00´ પૂ. રે. આજુબાજુનાં 2,568.8 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માધેપુરા, પૂર્ણિયા અને કતિહાર જિલ્લા, પૂર્વમાં સાહિબગંજ અને ગોડ્ડા જિલ્લા, દક્ષિણમાં ગોડ્ડા અને બાંકા જિલ્લા તથા પશ્ચિમમાં મુંગેર અને ખગારિયા જિલ્લા આવેલા છે. જિલ્લામથક જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનાં પ્રાકૃતિક લક્ષણો રાજ્યના સમગ્ર ભૂપૃષ્ઠ સાથે સામ્ય ધરાવે છે. મુંગેર જિલ્લામાંથી આવતી ગંગા નદી જિલ્લાના મધ્યભાગમાંથી પસાર થાય છે અને જિલ્લાને ઉત્તર અને દક્ષિણ વિભાગોમાં વહેંચી નાખે છે. દક્ષિણ વિભાગ ઉત્તર વિભાગ કરતાં પ્રમાણમાં મોટો છે. પૂર્વમાં પથ્થરઘાટા નજીક કોસી નદી ગંગાને મળે છે. ગંગાના કાંપથી બનેલો બંને વિભાગોનો મેદાની વિસ્તાર ફળદ્રૂપ બની રહેલો છે. ગંગા નદી બારે માસ જળ-વ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે.
ખેતી-પશુપાલન : ડાંગર, ઘઉં, મકાઈ, શેરડી અને તેલીબિયાં અહીંના મુખ્ય કૃષિપાકો છે. ઉત્તરમાં આવેલો નૌગાછિયા વિસ્તાર મકાઈના પાક માટે ખૂબ જાણીતો છે. અહીંના ગરીબ લોકોનું તે મુખ્ય અનાજ છે. આ ઉપરાંત જિલ્લામાં ફળો તથા શાકભાજીનું પણ વાવેતર કરવામાં આવે છે. ખેતી મુખ્યત્વે વરસાદ તેમજ સિંચાઈ પર આધારિત છે.
અહીંના પશુધનમાં ગાયો, બળદ, આખલા, ભેંસો, ઘેટાં-બકરાં અને ડુક્કરનો સમાવેશ થાય છે; પરંતુ મોટાભાગનાં પશુઓની ઓલાદ પ્રમાણમાં ઊતરતી કક્ષાની છે, તેથી તેમને માટે પશુસુધારણા માટેનાં સંવર્ધન-કેન્દ્રો વિકસાવવામાં આવેલાં છે. જિલ્લાના સમાજવિકાસ-ઘટકોમાં પશુચિકિત્સાલયો તેમજ કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યાં છે. પશુસંવર્ધન માટે વખતોવખત પશુનિદર્શન મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોમાં મરઘાંઉછેરની પ્રવૃત્તિ પણ ચાલે છે. ગંગા નદીમાં તથા જળસંચયસ્થાનોમાં મત્સ્યઉદ્યોગ વિકસ્યો છે. વેપારીઓ માછલીઓની આયાત-નિકાસ કરે છે.
ઉદ્યોગ-વેપાર : રાજ્યમાં આ જિલ્લો ઉદ્યોગક્ષેત્રે આગળ પડતું સ્થાન ધરાવે છે. રેશમી ટસર, કાપડ-વણાટ, કાચનો માલસામાન, રંગો, ગળી વગેરે જેવા ઉદ્યોગો અહીં વિકસેલા છે. આ ઉપરાંત હાથસાળના, ડેરીની પેદાશોના ઉદ્યોગો પર તેમજ માટીનાં વાસણો, વાંસ, નેતર વગેરે જેવા ઘણા નાના પાયા પરના કુટિર-ઉદ્યોગો પર આ જિલ્લાનું અર્થતંત્ર નભે છે. ભાગલપુર ખાતે રેશમના દોરા, કોલગૉંગ અને સુલતાનંગજ ખાતે સરસિયું અને રાઈના તેલની પેદાશોનું ઉત્પાદન લેવાય છે અને તેની નિકાસ પણ થાય છે. જિલ્લાના ઉત્તર વિભાગમાં આવેલું નૌગાછિયા ઉત્પાદન અને નિકાસ માટેનું મુખ્ય વેપારી મથક બની રહ્યું છે. વેપારી ચીજોની હેરફેર માટે ગંગા નદીનો લાભ મળી રહે છે. આ ઉપરાંત માલસામાનની હેરફેર માટે રેલ-સડકમાર્ગોની પણ પૂરતી સગવડ છે. ઉત્તર વિભાગમાં વિપુલ પ્રમાણમાં થતી મકાઈની નિકાસ થાય છે. જિલ્લાનો મોટાભાગનો વેપાર પૂર્ણિયા જિલ્લા મારફતે નેપાળ સુધી થાય છે. જિલ્લામાંથી શણ, તેલીબિયાં, ખાદ્યાન્ન, ખાંડ, ખાંડસરી, હળદર, ટસર-રેશમ, ચામડાં, હાડકાં, લોહ-ભંગાર, હાથસાળ-પેદાશો, કામળા, શેતરંજીઓ, પેટીઓ વગેરેની નિકાસ થાય છે; જ્યારે કોલસો, લોખંડ-પોલાદ, અનાજ, કઠોળ, મીઠું, પેટ્રોલ, કેરોસીન વગેરેની આયાત થાય છે. જિલ્લામાં કાપડ, અનાજ અને હળદરનો જથ્થાબંધ વેપાર થાય છે. ભાગલપુર રેલમથક તથા સડકો અને જળવ્યવહારનું મુખ્ય કેન્દ્ર હોવાથી તે વેપારી મથક બની રહેલું છે.
પરિવહન-પ્રવાસન : જિલ્લો રેલમાર્ગો, સડકમાર્ગો અને જળમાર્ગથી સંકળાયેલો હોવાથી અવરજવર તેમજ માલસામાનની હેરફેર માટેની પૂરતી સગવડો ધરાવે છે. અંતિચાક, કૌરીપાડ, પથ્થરઘાટા ટેકરી, પીર-પૈન્તી, શાહકુંડ, ભાગલપુર, સુલતાનગંજ આ જિલ્લાનાં મુખ્ય પ્રવાસમથકો ગણાય છે. વર્ષ દરમિયાન જિલ્લાનાં જુદાં જુદાં મથકોએ કાર્તિકી પૂર્ણિમા, વસંતપંચમી, શિવરાત્રિ, માઘપૂર્ણિમા, રામનવમી, દશેરા, ભાદરવી પૂર્ણિમા તેમજ દિવાળીના મેળા ભરાય છે.
વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 21,59,797 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 80 % અને 20 % જેટલું છે. અહીં હિન્દુ અને મુસ્લિમ લોકોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈન વસ્તીનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં શિક્ષિતોનું પ્રમાણ આશરે 46 % જેટલું છે. અહીંનાં લગભગ બધાં જ નગરોમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓની વ્યવસ્થા છે. 1996 મુજબ અહીં 29 જેટલી કૉલેજો તથા ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ છે. ભાગલપુર, કોલગૉંગ, નૌગાછિયા અને સુલતાનગંજ ખાતે તબીબી સેવાની સગવડો ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે અહીં જિલ્લાના ત્રણ ઉપવિભાગો પાડેલા છે તથા 11 સમાજવિકાસ-ઘટકો છે. જિલ્લામાં પાંચ નગરો છે. જિલ્લામથક ભાગલપુરની વસ્તી 2,61,855 (1991) જેટલી છે.
ઇતિહાસ : પ્રાચીન સમયમાં આ પ્રદેશમાં અંગ નામનું રાજ્ય આવેલું હતું. ઈ. પૂ. પાંચમી સદીમાં મગધના રાજા બિંબિસારે (શ્રેણિકે) અંગનું રાજ્ય જીતી લીધું હતું. ઈ.સ.ની આઠમી સદીમાં બંગાળના પાલ વંશના રાજા ધર્મપાલે હાલના ભાગલપુર જિલ્લાના પથ્થરઘાટા પર્વત પાસે પ્રખ્યાત વિક્રમશીલા વિદ્યાપીઠ સ્થાપી હતી. અગિયારમી સદીમાં મહીપાલ પ્રથમને હરાવી કલચુરીના ગાંગેયદેવે તે પ્રદેશ જીતી લીધો. મુઘલ શહેનશાહ હુમાયૂં ગુજરાતમાં હતો ત્યારે ઈ. સ. 1535માં શેરશાહે અને ત્યારબાદ 1574માં અકબરના સેનાપતિ મુનીમખાને ભાગલપુરનો પ્રદેશ કબજે કર્યો હતો. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 1765માં બિહાર, બંગાળ અને ઓરિસાની દીવાની મળી ત્યારે આ પ્રદેશ તેની સત્તા હેઠળ આવ્યો. ત્યારબાદ 1858થી બ્રિટિશ તાજની અને 1947થી (ભારતની સરકાર હેઠળ) બિહાર રાજ્યની સરકાર દ્વારા તેનો વહીવટ કરવામાં આવે છે.
ભાગલપુર (શહેર) : બિહારના ભાગલપુર જિલ્લાનું શહેર અને જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 25° 16´ ઉ. અ. અને 86° 59´ પૂ. રે. તે ગંગા નદીને દક્ષિણ કાંઠે આવેલું છે. અગાઉના સમયમાં તે સુજાનગંજ નામથી ઓળખાતું હતું. તે આજુબાજુના પ્રદેશમાં થતી ખેતપેદાશોનું તેમજ કાપડના વેપારનું મથક છે. અહીં ખાંડનાં કારખાનાં અને ડાંગર છડવાની મિલો આવેલી છે. તે ઉપરાંત ઊનના તથા રેશમના વણાટના એકમો વિકસેલા છે. અહીં કૃષિસંશોધન-મથક અને રેશમના કીડાઉછેરનું મથક સ્થાપવામાં આવેલાં છે. આ શહેર ભાગલપુર યુનિવર્સિટીનું મુખ્ય મથક છે. 1864થી અહીં નગરપાલિકાની રચના થયેલી છે. 1991ની વસ્તીગણતરી મુજબ આ શહેરની વસ્તી 2,61,855 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા
જયકુમાર ર. શુક્લ