ભાઉ દાજી (ડૉ.) (જ. 1822, માંજરે, ગોવા; અ. 31 મે 1874, મુંબઈ) : ડૉક્ટર, સમાજસુધારક અને પ્રાચ્યવિદ્યાના પ્રકાંડ વિદ્વાન. પૂરું નામ રામકૃષ્ણ વિઠ્ઠલ લાડ. પિતા દાજીને નામે અને પોતે બચપણમાં ભાઉના નામે ઓળખાતા હોઈ તેઓ ભાઉ દાજી તરીકે પ્રસિદ્ધ થયા. સારસ્વત બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા ભાઉના પિતા શરૂઆતમાં ગોવામાં ખેતી કરતા. પાછળથી મુંબઈમાં સ્થાનાંતર કર્યું. ત્યાં તેઓ માટીનાં શિલ્પો વેચી કુટુંબનું ભરણપોષણ કરતા.
ભાઉ દાજીનું પ્રાથમિક શિક્ષણ નારાયણ શાસ્ત્રીની મરાઠી શાળામાં થયું. ગોવિંદ નારાયણ મડગાંવકરના ખાનગી સંસ્કૃતના વર્ગો પણ તેમણે ભરેલા. ત્યારપછી તેઓ એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. 1843–45 દરમિયાન તેમણે ‘દીકરીને દૂધપીતી કરવાના રિવાજ’ પર નિબંધ લખીને રૂ. 600નું ઇનામ પ્રાપ્ત કર્યું. નવેમ્બર, 1845માં તેઓ ગ્રાન્ટ મેડિકલ કૉલેજમાં દાખલ થયા અને ત્યાંથી 1851માં ગ્રૅજ્યુએટ થતાં ડૉક્ટર તરીકેનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. બાર વર્ષ સુધી તેમણે ખાનગી દવાખાનું ચલાવ્યું. સર ફીરોઝશાહ મહેતા અને કવીશ્વર દલપતરામ જેવા મહાનુભાવોની સારવાર પણ ભાઉ દાજીએ કરેલી. તેઓ ગરીબોની મફત સારવાર કરતા. તેથી તેમની ભારે નામના થઈ હતી. સટ્ટામાં ખોટ જતાં ખાનગી દવાખાનું બંધ કરી તેઓ સાર્વજનિક દવાખાનામાં માનાર્હ સેવાઓ આપવા લાગ્યા. તેઓ મુંબઈના ‘શેરિફ’ તરીકે બે વાર નિયુક્ત થયા હતા.
જાહેર જીવનમાં એ જમાનાના જગન્નાથ શંકરશેઠ, નવરોજી ફર્દુનજી, દાદાભાઈ નવરોજી અને કે. ટી. તેલંગ સાથે તેમને અંગત સંબંધો હતા. મુંબઈના ગવર્નર અર્લ ઑવ્ ક્લેર અને બાર્ટલ ફ્રેર તેમજ સુપ્રીમ કૉર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સર અર્સ્કિન પેરી સાથે પણ તેમને ઘનિષ્ઠ સંબંધો હતા. સામાજિક અને શૈક્ષણિક સુધારાને ક્ષેત્રે મહત્વનાં કામ કરવાની ધગશ તેમને હતી. વિધવા-લગ્નોની તેમણે હિમાયત કરવા ઉપરાંત વિદેશયાત્રા-નિષેધ સામે અવાજ ઉઠાવ્યો, કન્યાકેળવણીને ટેકો આપ્યો. તેઓ મુંબઈની સ્ટૂડન્ટ્સ લિટરરી ઍન્ડ સાયન્ટિફિક સોસાયટીના પ્રમુખ હતા અને એ સંસ્થા દ્વારા કન્યાશાળા ચલાવાતી હતી. 1852–56 દરમિયાન તેઓ બૉર્ડ ઑવ્ એજ્યુકેશનના સભ્યપદે હતા. મુંબઈ યુનિવર્સિટીના પ્રથમ જૂથના ફેલો હતા. રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાની વહીવટી સમિતિના સભ્ય અને 1865થી 1873 દરમિયાન સોસાયટીના ઉપપ્રમુખપદે પણ રહ્યા હતા. તેમણે જિયૉગ્રાફિકલ સોસાયટી અને વિક્ટૉરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમના સેક્રેટરીપદે પણ પોતાની સેવાઓ આપી હતી.
જગન્નાથ શંકરશેઠના સૂચનથી મુંબઈના કેટલાક આગેવાનો એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં 26–8–1852ના રોજ મળ્યા અને ‘બૉમ્બે ઍસોસિયેશન’ની સ્થાપના કરી. તેનું પ્રયોજન ભારતવાસીઓની આકાંક્ષાઓને વ્યક્ત કરવી અને તેમના કલ્યાણ માટે નક્કર પગલાં ભરવાં તેમજ ભારત અને ઇંગ્લૅન્ડમાં સંબદ્ધ સત્તાધીશો સમક્ષ તેમનું પ્રતિનિધિત્વ કરવાનું હતું. ભાઉ દાજી તેના સેક્રેટરી તરીકે ચૂંટાયા. તેમણે ઍસોસિયેશન વતી તૈયાર કરેલી અરજી બ્રિટિશ સંસદમાં દાખલ કરાવવામાં આવી (1852), જેમાં ભારતમાં વહીવટી સુધારા કરવા, દેશના વહીવટમાં કેન્દ્રીયોની સામેલગીરી વધારવા, વધારે પડતા ખર્ચાઓને ઘટાડવા તેમજ મુંબઈમાં યુનિવર્સિટી સ્થાપવાની માગણી કરવામાં આવી (1852). તેને જૉન બ્રાઇટ, સર એડ્વર્ડ સ્યાન અને અર્સ્કિન પેરીએ ટેકો આપ્યો. પાછળથી તેમણે સેક્રેટરીપદેથી રાજીનામું આપ્યું, પરંતુ 1867માં વી. એન. મંડલિકે એ સંસ્થાને પુનર્જીવિત કરતાં તેઓ પુન: તેની કામગીરી સાથે સંકળાયા. દરમિયાન દાદાભાઈ નવરોજીએ સ્થાપેલી ‘ઈસ્ટ ઇન્ડિયા ઍસોસિયેશન’ નામની રાજકીય સંસ્થાના તેઓ સભ્ય થયા. 1871માં મુંબઈની પ્રજાના પ્રતિનિધિ તરીકે તેમણે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર આર્થર ક્રૉફર્ડના ખર્ચાળ અને અવિચારી વહીવટ સામે ભારે અવાજ ઉઠાવ્યો. મુંબઈમાં ચાલેલા પ્રસિદ્ધ ‘મહારાજ લાયબલ કેસ’માં ભાઉ દાજીની જુબાનીથી કરસનદાસ મૂળજીને કેસ જીતવામાં મોટી સહાય પ્રાપ્ત થઈ હતી.
ભાઉ દાજીની ખરી કીર્તિ તેમણે કેન્દ્રીય પ્રાચ્ય વિદ્યાના ક્ષેત્રે કરેલાં મહત્વનાં સંશોધનોને આભારી છે. તેઓ પોતે સંસ્કૃત, પાલિ, પ્રાકૃત અને અરબીના વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત, પાલિ, પ્રાકૃત અને અરબી હસ્તપ્રતોનો મોટો સંગ્રહ એકત્ર કર્યો. પ્રાચીન લિપિઓને ઉકેલવામાં તેમને પોતાના શિષ્ય ભગવાનલાલ ઇન્દ્રજીનો નિપુણ સાથ સાંપડ્યો. તેમણે પ્રથમ કેન્દ્રીય ઔષધવિદ્યા અને આયુર્વેદ પર સંશોધન આરંભ્યું. તેનાથી તેઓ કેન્દ્રીય વિદ્યાનાં અન્ય ક્ષેત્રોમાં સંશોધન કરવા પ્રેરાયા. દેશના ખૂણે ખૂણે પ્રવાસ કર્યો અને મળ્યાં તે તામ્રપત્રો, હસ્તપ્રતો અને સ્થાનાંતરિત થઈ શકે તેવા શિલાલેખો એકત્ર કરવા માંડ્યા. પ્રાચીન શિલાલેખોની શોધખોળના સંદર્ભમાં તેમણે ગુફાઓ, મંદિરો અને કિલ્લાઓની મુલાકાતો લીધી. તેમણે ઉપલબ્ધ સામગ્રીનો વ્યાપક અને ઊંડો અભ્યાસ કર્યો અને તેના સંશોધનલેખો ‘જર્નલ ઑવ્ ધ બૉમ્બે બ્રાન્ચ ઑવ્ રૉયલ એશિયાટિક સોસાયટી’ના અંકોમાં પ્રગટ કરવા લાગ્યા. તેમાં સંસ્કૃત સંખ્યાલેખનપદ્ધતિ, જૈન પટ્ટાવલીઓ, ગુપ્તોની વંશાવળી અને સાલવારી તેમજ ગૌણ રાજવંશોના ઇતિહાસનું નિરૂપણ કરતા લેખોનો સમાવેશ થાય છે. પ્રાચ્ય વિદ્યાના સંશોધનક્ષેત્રે જ્યારે યુરોપીય વિદ્વાનોનો એકાધિકાર પ્રવર્તતો હતો ત્યારે ભાઉ દાજી આ ક્ષેત્રમાં પ્રવેશ્યા. વસ્તુત: કેન્દ્રીય પ્રાચ્યવિદ્યાને લગતા કોઈ પણ લખાણ માટે આધાર લેવો પડે એવું નક્કર સંશોધન તેમના લેખોમાં પ્રાપ્ત થયું છે.
ભાઉ દાજીને નાટ્યકલા પ્રત્યે પણ પ્રીતિ હતી. તેમણે મરાઠી નાટક-કંપનીને સક્રિય ટેકો આપેલો અને ‘રાજા ગોપીચંદ’નો હિંદી અનુવાદ પણ કરી આપેલો. તેમણે કાલિદાસ ઍલ્ફિન્સ્ટન સોસાયટીની સ્થાપના કરી તેના ઉપક્રમે કાલિદાસના ‘શાકુંતલ’ના અંગ્રેજી રૂપાંતરનો નાટ્ય-પ્રયોગ પણ કરેલો.
આ બહુમુખી પ્રતિભા ધરાવતા મહાનુભાવનું સ્મરણ કાયમ રાખવા માટે એક ભંડોળ ઊભું કરી તેને મુંબઈ યુનિવર્સિટીને સોંપવામાં આવ્યું. તેમાંથી યુનિવર્સિટી તરફથી બી.એ.ની પરીક્ષામાં સંસ્કૃત વિષયમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને ‘ભાઉ દાજી પારિતોષિક’ આપવાનું આયોજન થયું. આ પારિતોષિક વિદ્યાક્ષેત્રે ઘણું સંમાન્ય ગણાતું. કોશકાર વામન શિવરામ આપ્ટે, શ્રીધર રામકૃષ્ણ ભાંડારકર, નરસિંહરાવ દિવેટિયા, વાલજી ગોવિંદજી દેસાઈ જેવા વિદ્વાનો આ પુરસ્કાર દ્વારા સંમાન પામ્યા હતા. નર્મદે પોતાનું ‘નર્મગદ્ય’ ભાઉ દાજીને અર્પણ કરીને પોતાનો એમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો.
પ્રવીણચંદ્ર પરીખ