ભાઈ પરમાનંદ (જ. 1874, કાર્યાલા, જિ. જેલમ, પંજાબ; અ. 18 ડિસેમ્બર 1947, જાલંધર) : હિંદુ મહાસભાના નામાંકિત નેતા, સમાજસુધારક અને પત્રકાર. તેમણે બ્રિટિશ ઇન્ડિયન કૅવેલરી રેજિમેન્ટમાં સૈનિક તરીકે નોકરી કરી હતી. ભાઈ પરમાનંદ ચકવાલમાં અભ્યાસ કરી, મૅટ્રિક પાસ થયા બાદ લાહોરમાં દયાનંદ ઍંગ્લોવેદિક કૉલેજમાં જોડાયા. ત્યાંથી બી.એ. પાસ કરીને કોલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં ઇતિહાસના અનુસ્નાતક વર્ગમાં જોડાયા. લાહોર પાછા આવી 1902માં પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા. લાહોરની ડી. એ. વી. કૉલેજમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકે તેમણે ઘણાં વર્ષો સેવા આપી. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આર્યસમાજ અને તેના આગેવાનો મહાત્મા હંસરાજ તથા લાલા લજપતરાયના પ્રભાવ હેઠળ આવ્યા હતા. અધ્યાપક તરીકેની પોતાની કામગીરી ઉપરાંત તેઓ આર્યસમાજના પ્રચારમાં વ્યસ્ત રહેતા હતા. દક્ષિણ આફ્રિકામાં વસતા ભારતીયોમાં આર્યસમાજનો પ્રચાર કરવા 1905માં તેઓ ત્યાં ગયા. હિંદુ ધર્મ વિશેનાં તેમનાં પ્રવચનોથી ત્યાંના ભારતીયો ઘણા પ્રભાવિત થયા. તેમણે ત્યાં આર્યસમાજની શાખા સ્થાપી અને મર્તિઝબર્ગમાં ‘હિંદુ યંગમૅન્સ ઍસોસિયેશન’ની રચના કરી. ત્યાંથી લંડન જઈને ભાઈ પરમાનંદ લંડન યુનિવર્સિટીની કિંગ્ઝ કૉલેજમાં ઇતિહાસના વિશેષ અભ્યાસ માટે જોડાયા. 1908માં લાહોર પાછા ફરીને તેઓ ડી. એ. વી. કૉલેજમાં પુન: જોડાયા. 1908ના ઉનાળામાં તેઓ મ્યાનમાર (બર્મા) અને ત્યારબાદ 1909માં ફરીથી દક્ષિણ આફ્રિકા આર્યસમાજના પ્રચારક તરીકે ગયા હતા. બીજે વરસે તેમણે ઉર્દૂ ભાષામાં ‘તવારીખે હિંદ’ નામથી ભારતના ઇતિહાસનું પુસ્તક પ્રગટ કર્યું. તેના ઉપર તત્કાલીન પંજાબની સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હતો. સરકાર વિરુદ્ધની પ્રવૃત્તિમાં જોડાયેલ હોવાના વહેમથી 1909માં તેમના રહેઠાણની તપાસ કરીને વાંધાજનક દસ્તાવેજો શોધી કાઢ્યાનો પોલીસે દાવો કર્યો હતો. તેમના ઉપર કેસ ચલાવીને ત્રણ વર્ષ માટે સારી ચાલચલગત માટેનો બાંયધરી-પત્ર લખી આપવા જણાવવામાં આવ્યું. તે પછી ડી. એ. વી. કૉલેજ તેમણે છોડવી પડી.
પંજાબ પોલીસ તેમની પાછળ પડી હોવાથી 1910માં ભારત છોડીને તેઓ બ્રિટિશ ગિયાના અને પછી ત્રિનિદાદ ગયા. ત્યાંથી કૅલિફૉર્નિયા જઈને તેમણે માનસશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓ 1913માં ભારત પાછા ફર્યા ત્યારે ભાઈ પરમાનંદને ગદર પક્ષના નેતા માની લઈને પ્રથમ લાહોર કાવતરા કેસમાં સંડોવવામાં આવ્યા. 1915માં તેમને મૃત્યુદંડની સજા થઈ. પરંતુ વાઇસરૉય લૉર્ડ હાર્ડિજે તેને ઘટાડીને આજીવન કેદની સજા કરી. તેમને સજા ભોગવવા આંદામાન મોકલવામાં આવ્યા. જ્યાં તેમણે અનેક દુ:ખો સહન કર્યાં. સી. એફ. એન્ડ્રૂઝને ભાઈ પરમાનંદ નિર્દોષ હોવાની ખાતરી હોવાથી તેમણે દરમિયાનગીરી કરીને 1920માં પંજાબની સરકાર મારફત તેમને મુક્ત કરાવ્યા. લાહોર પાછા ફરીને તેઓ અસહકારની ચળવળમાં જોડાયા અને રાષ્ટ્રીય શિક્ષણમાં મહત્વનું પ્રદાન કર્યું. લાહોરની કોમી વિદ્યાપીઠ(રાષ્ટ્રીય શિક્ષણ સંસ્થા)ના તેઓ કુલપતિ બન્યા અને તે દરમિયાન વિદ્યાર્થીઓ સમક્ષ ઇતિહાસ વિષયનાં વ્યાખ્યાનો પણ આપ્યાં. કોમી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય જાગૃતિ પેદા કરવામાં તેમણે નોંધપાત્ર સફળતા મેળવી હતી. તેઓ તપસ્વી જેવું સાદું જીવન જીવતા હોવાથી લોકોમાં ‘ત્યાગમૂર્તિ’ તરીકે ઓળખાતા હતા. અસહકારની ચળવળ પાછી ખેંચાયા બાદ થયેલાં કોમી રમખાણોને લીધે તેમના દૃષ્ટિબિંદુમાં આમૂલ પરિવર્તન થયું. કૉંગ્રેસની નીતિ મુસ્લિમ-તરફી હોવાની તેમની માન્યતાને લીધે તેઓ કૉંગ્રેસના કડક ટીકાકાર બન્યા. મુસ્લિમોના અલગતાવાદને કારણે હિંદુ-મુસ્લિમ એકતા શક્ય નથી એવો તેમનો અભિપ્રાય હતો. તેથી તેમણે હિંદુઓને હિંદુ મહાસભામાં જોડાવાની સલાહ આપી. તેઓ હિંદુ રાષ્ટ્રવાદના ચુસ્ત અનુયાયી હતા. મુસ્લિમ કોમની માગણીઓ સ્વીકારવાના તેઓ વિરોધી હતા. 1928ના નહેરુ હેવાલમાં મુસ્લિમો માટે સૂચવેલ છૂટછાટોને કારણે ભાઈ પરમાનંદે તેનો વિરોધ કર્યો હતો. 1932ના કોમી ચુકાદાનો પણ તેમણે વિરોધ કર્યો હતો.
પંજાબમાં તેમણે હિંદુ મહાસભાને ઘણી ક્રિયાશીલ બનાવી. તેઓ 1933માં હિંદુ મહાસભાના અજમેરમાં મળેલા અધિવેશનના પ્રમુખપદે ચૂંટાયા હતા. તે પછીનું જીવન હિંદુ કોમના ઉત્કર્ષ માટે તેમણે સમર્પિત કર્યું હતું. 1931માં અને ફરી વાર 1934માં તેઓ કેન્દ્રની ધારાસભામાં નૅશનાલિસ્ટ પાર્ટી તરફથી સભ્યપદે ચૂંટાયા હતા. તેઓ જ્ઞાતિપ્રથાના સખત વિરોધી હતા અને 1922માં તેમણે હિંદુઓમાંના જ્ઞાતિઓના પ્રતિબંધો તોડવા ‘જાત પાત તોડક મંડળ’ સ્થાપ્યું હતું. તેઓ તેના પ્રથમ પ્રમુખ બન્યા હતા. તેઓ વિધવાપુનર્લગ્નના પણ હિમાયતી તથા અસ્પૃશ્યતાના વિરોધી હતા. તેઓ રાષ્ટ્રીય શિક્ષણના પુરસ્કર્તા હતા તથા પાશ્ચાત્ય શિક્ષણ હિંદુ પરંપરાઓનું વિરોધી છે એમ માનતા હતા. શિક્ષણના માધ્યમ તરીકે હિંદી ભાષાની તેઓ તરફેણ કરતા હતા.
હિંદુઓની રાષ્ટ્રીય જાગૃતિ માટે ભાઈ પરમાનંદે હિંદી તથા ઉર્દૂ ભાષામાં ઘણાં પુસ્તકો લખ્યાં છે.
પત્રકારત્વના ક્ષેત્રમાં પણ તેમનું પ્રદાન નોંધપાત્ર છે. તેઓ ઇંગ્લૅન્ડમાં હતા ત્યારે, ‘પંજાબી’, ‘હિતકારી’, ‘હિંદુસ્તાન’, ‘આઝાદ’, ‘ઇન્ડિયા’ અને ‘ઇન્કિલાબ’ અખબારો/સામયિકો માટે લેખો લખતા હતા. લાહોરમાં તેમણે હિંદી સાપ્તાહિક ‘આકાશવાણી’ અને ઉર્દૂમાં ‘હિંદુ’ શરૂ કર્યાં હતાં. ન્યૂ દિલ્હીથી તેઓ અંગ્રેજી સાપ્તાહિક ‘હિંદુ આઉટલુક’ અને હિંદીમાં ‘હિંદુ’ પ્રગટ કરતા હતા. આ સામયિકો દ્વારા તેઓ લોકોમાં પોતાના સામાજિક તથા રાજકીય વિચારોનો વ્યાપક પ્રચાર કરતા હતા.
ભાઈ પરમાનંદને હિંદુ મહાસભાના નામાંકિત આગેવાન તરીકે યાદ કરવામાં આવે છે. વિદેશી ધૂંસરીમાંથી દેશને સંપૂર્ણતયા મુક્ત કરવાના તેઓ આજીવન પ્રબળ હિમાયતી રહ્યા હતા.
જયકુમાર ર. શુક્લ