ભવાની મ્યુઝિયમ ઔંધ

January, 2001

ભવાની મ્યુઝિયમ, ઔંધ (સતારા) (સ્થાપના 1938) : પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કેન્દ્રીય તથા પંદરમીથી વીસમી સદીનાં યુરોપીય ચિત્રોથી સમૃદ્ધ સંગ્રહસ્થાન. ઔંધ(સતારા)ના રાજા બાલા-સાહેબ પંત-પ્રતિનિધિએ તેની સ્થાપના કરીને વિકસાવેલું.

તેમાં જયપુર, પંજાબ અને મુઘલ શૈલીનાં રાગ-રાગિણીઓનાં ચિત્રો, રાજપૂત શૈલીનાં 12 મહિનાનાં તથા કાંગરા શૈલીનાં અષ્ટનાયક ચિત્રો, હિમાલય શૈલીનાં સપ્તશતીનાં તેમજ ગઢવાલ શૈલીનાં ‘કિરાતાર્જુનીય’ મહાકાવ્યને લગતાં ચિત્રો, રુકમિણીસ્વયંવરનાં ચિત્રો તેમજ નેપાલી શૈલીનાં મૈત્રેય-બુદ્ધ કથા અને દશાવતાર કથાનાં ચિત્રો અત્યંત ચિત્તાકર્ષક છે.

અજંતા વગેરેનાં પ્રાચીન ભિત્તિચિત્રોની પ્રતિકૃતિઓ અને અર્વાચીન કેન્દ્રીય શૈલીનાં ચિત્રો ખૂબ મનોહર છે. હાલ આ મ્યુઝિયમનો વહીવટ રાજ્ય સરકાર હસ્તક છે.

બળદેવભાઈ કનીજિયા