ભવસ્વામી (સાતમી સદી) : તૈત્તિરીય શાખાના કૃષ્ણ યજુર્વેદના ભાષ્યલેખક. વૈદિક ભાષ્યકારોમાં ભવસ્વામી ગણનાપાત્ર સ્થાન ધરાવે છે. એમનો સમય સાતમી સદીના ઉત્તરાર્ધનો ગણી શકાય. ભવસ્વામીએ ‘તૈત્તિરીય સંહિતા’, ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ અને ‘બૌધાયન-શ્રૌતસૂત્ર’ ઉપર ભાષ્ય રચ્યાં હતાં. તેમાંથી જુદા જુદા હસ્તપ્રતભંડારોમાં માત્ર ‘બૌધાયનસૂત્ર-વિવરણ’ના છૂટા છૂટા અંશો મળે છે. ‘નારદસ્મૃતિ’ ઉપરના એક ભાષ્યકાર પણ ભવસ્વામી છે; પરંતુ વેદભાષ્યકાર અને સ્મૃતિ-ભાષ્યકાર એક જ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકતું નથી. આચાર્ય ભગવદ્દત્તને શ્રદ્ધા હતી કે ‘તૈત્તિરીય સંહિતા’ ઉપરનું ભવસ્વામીનું ભાષ્ય ઉપલબ્ધ થવું જ જોઈએ. ભટ્ટ ભાસ્કરે પોતાના ભાષ્યને પ્રારંભે જ ભવસ્વામીને યાદ કર્યા છે. એમણે તેમની વિશેષતા બતાવી છે કે એમનું ભાષ્ય વાક્યાર્થમાત્રપરાયણ છે. આ જ રીતે ‘બૌધાયનપ્રયોગસાર’ના આરંભે કેશવસ્વામી ભવસ્વામીને યાદ કરીને તેમની વિશેષતા બતાવે છે કે નારાયણાદિપ્રયોગની બાબતમાં બે પક્ષો છે, પરંતુ ભવસ્વામી ઉભયાશ્રયી છે; હું એમને અનુસરું છું. આ જ રીતે ગોપાલ પણ ભવસ્વામીની આ ઉભયાશ્રયિતાનો ઉલ્લેખ ગોપાલકારિકામાં કરે છે. ભવસ્વામીના પુત્રનું નામ શ્રીનિવાસ હતું. શ્રીનિવાસે ‘ભાવનાપુરુષોત્તમ’ નામના નાટકની રચના કરી હતી. જે રીતે ‘તૈત્તિરીય સંહિતા’ ઉપરનું તેમ ‘તૈત્તિરીય બ્રાહ્મણ’ ઉપરનું પણ ભવસ્વામીનું ભાષ્ય ઉપલબ્ધ નથી. ભવસ્વામી ‘બૌધાયનશ્રૌતસૂત્ર’ના પ્રાચીનતમ ભાષ્યકાર હોવાનો આચાર્ય બલદેવ ઉપાધ્યાયનો અભિપ્રાય યથાર્થ છે. ‘કુતૂહલવૃત્તિ’માં ભવસ્વામીની એક પંક્તિ ઉદ્ધૃત થયેલી જોવા મળી છે. ભવસ્વામી ભવદેવ સ્વામી તરીકે પણ પ્રસિદ્ધ હતા. રામાગ્નિચિત્ પણ ભવસ્વામીની જેમ ‘તૈત્તિરીય સંહિતા’ના ભાષ્યકાર હતા. તેમણે ‘આપસ્તમ્બ શ્રૌતસૂત્ર’ની વૃત્તિમાં ભવસ્વામીનો મત સબહુમાન ઉદ્ધૃત કર્યો છે. પં. ભગવદ્દત્તની શ્રદ્ધા ફળે અને આ ભાષ્યકારનું સંહિતાભાષ્ય ઉપલબ્ધ થાય તો વૈદિક અભ્યાસનું ક્ષેત્ર વધુ લાભાન્વિત બની રહે.

રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા