ભવભૂતિ (જ. આશરે 675; અ. 760) : સંસ્કૃત સાહિત્યના જાણીતા નાટ્યકાર. પોતાનાં ત્રણ નાટકોની પ્રસ્તાવનામાં નાટકકાર ભવભૂતિએ પોતાના જીવન વિશે આપેલી માહિતી મુજબ તેમના પૂર્વજો સોમરસનું પાન કરનારા, પંચાગ્નિ વચ્ચે રહેવાનું વ્રત કરનારા, અગ્નિહોત્રમાં નિત્ય હોમ કરનારા, ભોજન કરનારાઓની પંગતને પવિત્ર કરનારા, બ્રહ્મના જ્ઞાની, કાશ્યપ ગોત્રમાં જન્મેલા, વાજપેય જેવા અનેક શ્રૌતયજ્ઞો કરનારા, ઉદુંબર નામના બ્રાહ્મણ કુળના હતા. ભવભૂતિ કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય શાખાના બ્રાહ્મણ હતા. તેમના એક પૂર્વજ મહાકવિ હતા. તેમના દાદાનું નામ ભટ્ટગોપાલ, પિતાનું નામ નીલકંઠ અને માતાનું નામ જતુકર્ણી હતું. કેટલાક વિદ્વાનો તેમનું મૂળ નામ શ્રીકંઠ હતું અને ‘ભવભૂતિ’ તે રાજાએ તેમની કવિતાથી ખુશ થઈને આપેલું ઉપનામ હોવાનું માને છે. બીજા કેટલાક વિદ્વાનો ભવભૂતિ તેમનું નામ હતું અને ‘શ્રીકંઠ’ તેમનું ઉપનામ હોવાનું માને છે. ભવભૂતિએ જ્ઞાનનિધિ નામના ગુરુ પાસેથી ન્યાયશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર અને મીમાંસાશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. વેદ, ઉપનિષદ, સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર, રામાયણ અને મહાભારત વગેરે કાવ્યસાહિત્યના, નાટ્યશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રના પણ તેઓ જ્ઞાતા હોવાનું અનુમાન તેમનાં નાટકો પરથી થયું છે. તેઓ પદ્મપુરના રહેવાસી હતા. તેમનાં નાટકો કાલપ્રિયાનાથની યાત્રાના ઉત્સવમાં ભજવવામાં આવ્યાં હતાં. કેટલાક વિદ્વાનો કાલપ્રિયાનાથ એટલે ઉજ્જૈન મહાકાલ એમ માને છે.
રાજશેખર (ઈ. સ. 900) પોતાને ‘ભવભૂતિના અવતાર’ કહે છે તેથી તેમનો સમય ઈ. સ. 800 પહેલાંનો છે. વામન (ઈ. સ. 850) ભવભૂતિના શ્લોકોને ઉદ્ધૃત કરે છે, તેથી તેમનો સમય ઈ. સ. 750 પહેલાંનો છે; પરંતુ બાણ(ઈ. સ. 650)માં ભવભૂતિ વિશે મૌન હોવાથી ભવભૂતિનો સમય 675 પછીનો હોવાનું લાગે છે. આમ ઈ. સ. 675–760નો ગાળો ભવભૂતિનો જીવનકાળ મનાયો છે.
ભવભૂતિ અને વાક્પતિરાજ કનોજના રાજા યશોવર્માના આશ્રિત કવિઓ હતા. ઈ. સ. 693માં ગાદીએ બેઠેલા કાશ્મીરના રાજા લલિતાદિત્યે કનોજના રાજા યશોવર્માને ઈ. સ. 724 કે ઈ. સ. 731માં હરાવેલો એમ ‘રાજતરંગિણી’માં કલ્હણે કરેલા વર્ણનને આધારે વિદ્વાનો માને છે. વાક્પતિરાજે પોતાના મહાકાવ્ય ‘ગઉડવહો’માં વર્ણવેલું સૂર્યગ્રહણ ઈ. સ. 733માં દેખાયું હતું એમ ખગોળશાસ્ત્રીઓ સ્વીકારે છે. તેથી આઠમી સદીના પૂર્વાર્ધમાં ભવભૂતિ જીવતા હતા એ સિદ્ધ થાય છે.
ભવભૂતિએ રામકથા પર આધારિત ‘મહાવીરચરિત’ અને ‘ઉત્તરરામચરિત’ – એ બે નાટકો લખ્યાં છે; જ્યારે ‘માલતીમાધવ’ નામનું પ્રકરણ પ્રકારનું રૂપક એ ભવભૂતિની રચેલી ત્રીજી નાટ્યકૃતિ છે. એમનું ‘ઉત્તરરામચરિત’ કાલિદાસના ‘અભિજ્ઞાનશાકુંતલ’ની હરોળમાં મૂકી શકાય તેવું શ્રેષ્ઠ નાટક છે.
પ્ર. ઉ. શાસ્ત્રી