ભવનનિર્માણ : માનવીના રહેણાક કે વ્યાવસાયિક કાર્ય માટે ઊભી કરાતી ઇમારતનું નિર્માણ. ભવનનિર્માણમાં તેનો કેવી પરિસ્થિતિમાં અને કયા પ્રકારનો ઉપયોગ કરવાનો છે તે બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ભવનનિર્માણનો મુખ્ય આશય તેનો ઉપયોગ કરનારને ગરમી, ઠંડી, વરસાદ, ધૂળ-કચરો, અવાજ વગેરેથી રક્ષણ આપવું તે છે.
કોઈ પણ ભવનનિર્માણમાં નીચેની બાબતો મહત્વની ગણાય : હવાઉજાસ, દેખાવ, ગુપ્તતા, વિશાળતા, પરિભ્રમણ તેમજ બાંધકામનું ખર્ચ.
આ બધી બાબતોનું પૂરતા પ્રમાણમાં ધ્યાન રહે તે માટે આર્કિટેક્ટ, ઇજનેર, ડ્રાફ્ટ્સમૅન, બાંધકામ માટેના ઠેકેદાર, સુપરવાઇઝર અને ખરેખર કાર્ય કરતા કારીગરો/મજદૂરો વગેરેનાં કાર્યનો સમન્વય થાય તે જરૂરી છે.
ભવન(ઇમારત)ના દરેક ભાગની વ્યવસ્થા તેનો ઉપયોગ કરનાર વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહની જરૂરિયાત અને જીવનશૈલી તેમજ વાતાવરણને અનુલક્ષીને કરવી જોઈએ.
ભવનની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, બારીબારણાંની ગોઠવણી તેમજ બાંધકામમાં વપરાતા માલસામાનની યોગ્ય પસંદગી કરીને તેનો બાહ્ય દેખાવ આકર્ષક બનાવી શકાય. તદુપરાંત ભવન જરૂરિયાત ઊભી થયે અન્ય અનેક ઉપયોગોમાં આવી શકે તેવું તેનું આયોજન ઇચ્છનીય છે.
પૂરતો પ્રકાશ, હવાઉજાસ અને સ્વચ્છતા – એ સારી રીતે રહેવા અને કાર્ય કરવા માટેની મુખ્ય શરતો (જરૂરિયાતો) છે. સૂર્યપ્રકાશ એ કુદરતી સ્રોત છે. તે પ્રકાશ આપવા ઉપરાંત જીવજંતુઓનો પણ નાશ કરે છે. ભેજવાળા પ્રદેશોમાં કુલ ક્ષેત્રફળનો સાતમો ભાગ બારી-બારણાં, વગેરે દ્વારા ખુલ્લો રાખવો યોગ્ય ગણાય, જ્યારે સૂકા પ્રદેશોમાં તે પ્રમાણ દસમા ભાગ જેટલું યોગ્ય ગણાય. દીવાલ પરનો ઝાંખો/હળવો રંગ પ્રકાશનું પરાવર્તન કરી ઉજાસ વધારે છે. વિદ્યુત-ઇજનેરીનાં વિવિધ ઉપકરણો દ્વારા કૃત્રિમ પ્રકાશ પણ મેળવી શકાય. બંને પ્રકાશનું યોગ્ય પ્રમાણ જાળવીને વધુ સારું પરિણામ મળી શકે.
ધૂળ, કચરો સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે. તેનાથી જીવજંતુ તેમજ રોગનો ફેલાવો થાય છે. ભવનનું નિર્માણ એવી રીતે કરવું ઘટે કે જેથી તે સહેલાઈથી સારી રીતે સાફ થઈ શકે. ફરસ પર તેમજ સંડાસ-બાથરૂમની દીવાલો પર યોગ્ય પ્રકારની લાદી/ટાઇલ્સ વાપરી આ આશય પાર પડી શકે. આ ઉપરાંત રસોડાના તેમજ સંડાસ અને બાથરૂમના નકામા પાણીનો ગટર દ્વારા યોગ્ય રીતે નિકાલ થાય તે જોવું પણ બહુ જરૂરનું છે.
નગીન મોદી
રેના ન. શુક્લ