ભરતી મેળો : સલામતી સેવાઓમાં લાયક ઉમેદવારો નિમણૂક મેળવી શકે, લાયક ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતા જળવાઈ રહે તેવા હેતુ માટે યોજાતા મેળાઓ.
આવા મેળા માટે ઓછામાં ઓછી ત્રણ ભાષાઓનાં વર્તમાનપત્રોમાં અને ખાસ તો મોટાભાગનાં સ્થાનિક અને રાષ્ટ્રીય વર્તમાનપત્રોમાં મેળાની તારીખથી પંદરથી ત્રીસ દિવસ પહેલાં જાહેરાતો અપાય છે. તેમાં ઘણી વખત અરજીપત્રકનો નમૂનો પણ છપાયેલો મળી આવે છે, જેની ઝેરૉક્સ-નકલ કઢાવી ઉમેદવારો અરજી સાથે જ નિયત દિવસે નિયત સ્થળે પહોંચી યોગ્ય અધિકારીને અરજી આપી પોતાની રૂબરૂ મુલાકાતનો સમય મેળવી લે છે.
આવા ભરતી મેળામાં ઉમેદવારી કરવા માટે ન્યૂનતમ શારીરિક અને શૈક્ષણિક લાયકાતો નિર્ધારિત કરવામાં આવતી હોય છે; દા.ત., ઉમેદવારની ઊંચાઈ, વજન, રક્તચાપ, ર્દષ્ટિ વગેરે. સલામતી સેવાઓમાં ભરતી કરવાની હોઈ ઉપરની ન્યૂનતમ લાયકાત ધરાવતા ઉમેદવારોની મેદાન ઉપર જ શારીરિક કસોટી લેવાય છે.
જેમની શારીરિક લાયકાત સિદ્ધ થાય તેમની બૌદ્ધિક ચકાસણી માટે લેખિત પરીક્ષાઓ પણ લેવાય છે. ઉમેદવારના હસ્તાક્ષર, લખાણની લઢણ, અક્ષરજ્ઞાન અને લેખનની સુવાચ્યતા પણ જોવાય છે.
આ બંને કસોટીમાં પાર ઊતરે તેવા ઉમેદવારોની મૌખિક કસોટી (viva) લેવામાં આવે છે અને ત્યારબાદ લાયક ઉમેદવારને નિમણૂક અપાય છે.
પુષ્કર ગોકાણી