ભરતાચાર્ય (ભરતમુનિ) : નાટ્યશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને સંગીત તથા નૃત્ય જેવી લલિત કલાઓના પ્રાચીન આચાર્ય અને લેખક. સંસ્કૃત ‘નાટ્યશાસ્ત્ર’ના પ્રણેતા. ‘નાટ્યશાસ્ત્ર’ સંસ્કૃત નાટકને લગતા લગભગ તમામ વિષયો – અભિનયકલા, નૃત્ય, સંગીત, કાવ્યશાસ્ત્ર, રસશાસ્ત્ર, પ્રેક્ષકગૃહ, મંચસજાવટ વગેરેના સર્વસંગ્રહ જેવો ઘણો પ્રાચીન પ્રશિષ્ટ સંસ્કૃત આદ્યગ્રંથ છે અને ભારતીય પરંપરામાં પ્રમાણભૂત ગણાયો છે. તેથી એ બધાં શાસ્ત્રો પાછળથી સ્વતંત્રપણે વિકસ્યાં ત્યારે એ બધાંમાં આદિ આચાર્ય તરીકે ભરતાચાર્ય અત્યંત આદર અને સ્વીકૃતિ પામ્યા છે. એમના વિશે પ્રમાણભૂત માહિતી કશી મળતી નથી.
ભરતનો સમય વિવાદાસ્પદ છે; પરંતુ ભરત કોઈ કાલ્પનિક વ્યક્તિ નથી. કાલિદાસે પોતાના ‘વિક્રમોર્વશીયમ્’ નાટકના 2/18મા શ્લોકમાં ભરતનો ઉલ્લેખ કર્યો છે. અશ્વઘોષના ‘શારિપુત્રપ્રકરણ’ નામના નાટક પર નાટ્યશાસ્ત્રનો પ્રભાવ જોવા મળે છે. આથી ઈ. સ. પૂર્વે ભરત થઈ ગયા છે, જ્યારે ભાસનાં નાટકોમાં નાટ્યશાસ્ત્રના નિયમોનો ભંગ જોતાં ઈ. પૂ. ચોથી સદી પછી ભરત થઈ ગયા. આમ ઈ. પૂ. ચોથીથી પહેલી સદીની વચ્ચેનો ભરતનો સમય નક્કી કરી શકાય.
ભરત નૃત્ય, સંગીત, નાટ્ય, કાવ્ય વગેરે શાસ્ત્રના જ્ઞાતા હતા. સંગીત, નૃત્ય, નાટ્ય અને રસની બાબતમાં તેમનો મત પાછળના તમામ લેખકો પ્રમાણભૂત ગણીને ચાલ્યા છે. એમનું આઠ નાટ્યરસોનું નિરૂપણ પ્રૌઢ અને વ્યાવહારિક છે. ભારતીય પરંપરા વિશ્વકોશ સમા નાટ્યશાસ્ત્રના કર્તા તરીકે ભરતને જ સ્વીકારે છે અને નાટ્યશાસ્ત્રમાં એમને વિશે બે-ત્રણ કથાઓ કહે છે. દેવોએ શ્રાવ્ય અને ર્દશ્ય હોય એવું ક્રીડાસાધન માગ્યું ત્યારે બ્રહ્માએ ભરતને નાટ્યવેદ શીખવ્યો, ભરતે તે પોતાના સો પુત્રોને શીખવ્યો. પ્રથમ નાટ્યપ્રયોગ તૈયાર થયો ત્યારે બ્રહ્માએ એમાં કૈશિકી (કલાત્મક) વૃત્તિ ઉમેરવાની સલાહ આપી અને એ માટે યોગ્ય અપ્સરાઓ પણ સર્જી. પછી ભરતપુત્રોએ ઇન્દ્રધ્વજ મહોત્સવ પ્રસંગે દેવાસુરયુદ્ધનું કથાવસ્તુ લઈ પ્રથમ નાટ્યપ્રયોગ રજૂ કર્યો. (અ. 1). છેલ્લા બે અધ્યાયોમાં ભરતે ‘મહેન્દ્ર વિજયોત્સવ’, ‘ત્રિપુરદાહ’ અને ‘અમૃતમન્થન’ નાટકો રજૂ કર્યાનો નિર્દેશ છે. ભરતપુત્રોએ દેવસભામાં એક વાર ઋષિઓની મશ્કરી કરે તેવું દુરાચારી, ગ્રામ્યધર્મયુક્ત અને અપ્રસ્તુત નાટક પ્રયોજ્યું તેથી ઋષિઓએ શાપ આપ્યો કે તેમનું નાટ્યજ્ઞાન નાશ પામશે અને તેઓ શૂદ્રાચારી અને તિરસ્કૃત થશે. પછી રાજા નહુષ દેવરાજ બન્યા ત્યારે તેમણે ભરતને વિનંતી કરી કે આ નાટક અપ્સરાઓ સાથે પોતાને ઘેર ભજવાય. ભરતે પુત્રોને નહુષને ત્યાં પૃથ્વી પર મોકલ્યા. તેમણે પ્રજાનું મનોરંજન કરી શાપમુક્તિ મેળવી અને પછી માનુષી સ્ત્રીઓ સાથે લગ્નસંબંધ બાંધી પોતાનાં સંતાનોને આ કળા શીખવી તેને જીવંત રાખી.
ભરતના નાટ્યશાસ્ત્રના કર્તૃત્વનો પ્રશ્ન પણ ગૂંચવાયેલો છે. ‘ભરત’ નામ બે-ત્રણ પ્રકારે મળે છે. નાટ્યશાસ્ત્રની પુષ્પિકાઓમાં કર્તાનું નામ ‘નન્દિભરત’ એવું પણ મળે છે. ભરત વિશે નંદિકેશ્વર, તંડુ, મતંગભરત વગેરે વિવિધ નામો પ્રચલિત છે.
રાજેન્દ્ર નાણાવટી