ભરતકામ : ગુજરાતની એક તળપદી હસ્તકલા. ભાતીગળ લોકભરત અને મનોહર મોતીગૂંથણ એ સૌરાષ્ટ્ર અને કચ્છના ગ્રામપ્રદેશોનો આગવો કલાસંસ્કાર છે. લોકનારીની કળારસિકતા અને સૌંદર્યભાવનાનાં મૂળ આવી કલાઓમાં જોવા મળે છે. રૂપાળા રંગોથી ઓપતું ર્દશ્ય–પરંપરાનું ભરત એ લોકનારીના દેહ, ઘરખોરડાં અને પશુઓનો આગવો શણગાર છે. દરબાદરગઢમાં, ખેડવાયા વરણનાં દૂબળાં-પાતળાં ખોરડાંઓમાં કે માલધારીઓના નેસડામાં વસતી લોકનારીઓએ નવરાશની વેળાએ ભરતકામની આ કામણગારી કલાને ખીલવી છે. કણબી, કોળી, મેર, આયર, પંચોળી, કારડિયા રાજપૂત, ખરક, સતવારા, પલેવાળ બ્રાહ્મણ, ખાંટ, ભરવાડ, રબારી, ચારણ, કાઠી, ગરાસિયા, મોચીઓ તથા જત નારીઓએ ગુજરાત ગૌરવ લઈ શકે એવા આ કલાવારસાને જીવની જેમ જતન કરીને જાળવી રાખ્યો છે અને એમાં અપાર વૈવિધ્ય પણ ઉમેર્યું છે.
પ્રાકૃતમાં ‘ભરીમ’ એટલે કે ભરીને બનાવેલું શબ્દ મળે છે. સંસ્કૃતમાં ‘ભૃત’ શબ્દ છે. તે ઉપરથી ‘ભરત’ શબ્દ આવ્યો હોવાનું નોંધાયું છે. લોકભરતની પ્રાચીન પરંપરાનું પગેરું હડપ્પાની સંસ્કૃતિના સમય સુધી પહોંચે છે. મોહેં-જો-દડોના ઉત્ખનન દરમિયાન મળી આવેલ ધર્મગુરુ કે રાજાની મૂર્તિને પહેરાવેલ કપડા પર 3 પાંખડીઓ ઉપસાવેલા ફૂલનું ભરત છે. તેના પરથી અનુમાન કરી શકાય કે નદીકાંઠાની સંસ્કૃતિના કાળે સિંધ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્ત્રીપુરુષોનાં વસ્ત્રો પર ભરતકામ થતું હશે. સૌરાષ્ટ્રના લોકભરતમાં આવી ત્રિપાંખડીની ભાત તીતીડા ભાતના નામે આજે પણ ભરવામાં આવે છે. આજના ભરતકામની વિવિધ શ્રેણીઓ કચ્છ, સૌરાષ્ટ્રની તળપદ અનાર્ય પ્રજા અને બહારથી આવીને વસેલી અનેક જાતિઓના કલા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનમાંથી ઉદભવી હોવાને કારણે સૌરાષ્ટ્રના લોકભરતમાં વિપુલ વૈવિધ્ય અને શોભન તેમજ ભાતરચનાની અપાર સમૃદ્ધિ સાંપડે છે.
લોકભરતમાં જાતિગત અને પ્રાદેશિક કલાવૈવિધ્યને કારણે અનેક શ્રેણીઓ – પદ્ધતિઓ પ્રચલિત થઈ છે. આવી શ્રેણીઓમાં કાઠી-ભરત; મોચી-ભરત; આયર-ભરત; રબારી અને ભરવાડી ભરત; ગોહિલવાડી ભરત; ખસિયા અને ખાંટનું ભરત; મોલે સલામ ગરાસિયાનું ભરત; જત-ભરત; સતવારા અને સોરઠિયા આયરોનું ભરત; અબોટી, સગર અને વાઘેરોનું ભરત; ચારણી ભરત; કણબી-ભરત; કોળી અને સરાણિયાનું ભરત; રાવળ, ભોપા, બોરિયા ખાંટ, કડિયા અને કુંભારોનું ભરત; મહાજનિયા ભરત જેવી અનેક શ્રેણીઓમાં એને વિભાજિત કરી શકાય. આ બધી ભરતશ્રેણીઓમાં કચ્છનું બન્ની ભરત સર્વશ્રેષ્ઠ ગણાયું છે. કચ્છી ભરતના રંગોનું આયોજન, સુઘડતા અને ઝીણવટભર્યા ટાંકા ઊડીને આંખે વળગે છે.
ભરતકામને એના વિવિધ ઉપયોગોની ર્દષ્ટિએ 4 વિભાગમાં વહેંચી શકાય : (1) સ્ત્રી-પુરુષો અને બાળકોના પંડ-શણગારનું ભરત, (2) ઘર-શણગારનું ભરત, (3) પશુ-શણગારનું ભરત અને (4) સામાન્ય ચીજ-જણસો માટેનું સટરપટર ભરત.
પહેરવેશનાં વસ્ત્રોને ભરતકામ વડે શણગારવાનો સંસ્કાર તો સૌરાષ્ટ્ર, કચ્છની કન્યાઓને ગળથૂથીમાંથી જ મળે છે. ઘરમાં દીકરીબાનાં પગલાં થાય ત્યારથી જ માતા એને આણાપરિયાણામાં આપવાના ભરતકામની ચિંતા કરતી થઈ જાય છે. દીકરી સમજણી થાય ત્યારથી તો ઘરમાં સૂરીલાં ગીતોના સથવારે ભરતકામ શરૂ થઈ જાય છે. જૂના કાળે કાઠિયાવાડમાં ખેડુ કન્યા પસંદ કરવાની હોય ત્યારે એને ગાણું, રોણું ને વલોણું આવડે છે કે નહિ તે તથા એની રાંધવાચીંધવાની અને ભરત ભરવાની તથા અન્ય કામોની કુશળતા ખાસ જોવામાં આવતી.
લોકનારીના પહેરવેશમાં ભરત ભરેલાં વસ્ત્રોનું વિશિષ્ટ મહત્વ હોવાથી વસ્ત્રોનું ભરત રચના, સૌંદર્ય અને શોભન – ભાતોની ર્દષ્ટિએ અતિ સુંદર-નયનરમ્ય બની રહે છે. ખેતી કરતી જાતિઓમાં કણબી, કારડિયા રાજપૂત, પલેવાળ બ્રાહ્મણ, ખરક, સથવારા અને કોળી સ્ત્રીઓ ભરતકામના ઘાઘરા (ચણિયા) પહેરે છે. કણબી કોમની સ્ત્રીઓ ચણિયા માટે આંગળાસિકલ, ચોપાટડી, કરતાળું, અર્ધા વાટકા, ભજ-બુટ્ટી અને દાડમની ભાતો વિશેષ ભરે છે. જ્યારે ખરક કોમની નારીના ચણિયા પર બાવળિયા, લાડવા, અદગલ પોટલિયા જેવી નાકાભરતની ભાતો વધારે જોવામાં આવે છે. પલેવાળ બ્રાહ્મણમાં અડદિયા અને કેવડાની ભાતો વધારે પસંદ કરવામાં આવે છે. રજપૂત કોમની સ્ત્રીઓ બાવળિયા, સિકલ અને આંગળાપોપટની ભાતો ભરવાનો ખાસ આગ્રહ રાખે છે.
ચણિયાની ભાતો પણ ગ્રામપ્રદેશમાં થતાં વેલ, ઝાડ, થોર અને ફૂલો પરથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવે છે. મીઠી લીંબડી, લીંબડો, બથરા-કેવડા, ફૂલ – થંભા, કારેલીની વેલ, ઢોંકવેલ, ઘીંહરાવેલ વગેરે ભાતો ચણિયા પર ખીલી ઊઠે છે. લોકનારીઓ બાળકો માટે મજાનાં વસ્ત્રો ભરતી રહી છે. દીકરા માટે મોળિયાં મૂકેલા કેડિયામાં ડોડવાની ભાત, બાકીની જગામાં સિકલ અને ખાંપો ભરે છે; ઓખાચલ્લી અને કેવડાભાત ભરી સતારા અને મોતી મઢીને ટોપી ભરે છે. ચોરણીમાં નીચે મોળિયાં મૂકી ચંદાવેલ, ઘીંહરાવેલ, બુટ્ટી, મોર, પોપટ, સિકલ અને ખાંપો ભરે છે. છોકરાનાં કેડિયાં અને ચોરણી પર ખીચોખીચ ભરત ભરવાનો ચાલ કચ્છમાં આજે પણ છે. સૌરાષ્ટ્રમાં છોકરાઓ કે પુરુષોનાં કેડિયાં પર ભરત ભરવાનો રિવાજ જૂના કાળે હતો; આજે એના અવશેષરૂપે દરજી પાસે સફેદ કેડિયા પર લાલ, લીલા, વાદળી દોરાથી મોર, પોપટ વગેરે ભાતો ભરાવવાનો રિવાજ રહી ગયો જણાય છે.
ઘરશણગારના ભરતમાં તોરણ, ચાકળા, ચંદરવા, પાનકોથળિયાં, ટરપરિયાં, ચીતરિયાં, સાખતોરણ, પછીતપાટી, કાંધી, ટોડલિયા, ગોળ તકિયા, ધ્રાણિયા, ઉલેચ, ગણેશસ્થાપન, સૂરજસ્થાપન, બેસણ વગેરે મુખ્ય છે. એની શોભન ભાતો અને એમાં ભરાતાં પ્રતીકો અભ્યાસનો આગવો વિષય બની રહે છે. અભણ લોકનારીઓએ પોતાની હૈયા-ઉકલત અને આંતરસૂઝથી ભરતકામને ચિત્રપ્રતીકો વડે જે સૌંદર્ય બક્ષ્યું છે તે જોઈને કલાવિવેચકો, દેશી અને વિદેશી કલાપ્રેમીઓ તેમની પ્રશંસા કરતાં થાકતા નથી. એમાં માતૃત્વ અને કુળવેલ ચલાવી લીલી વાડી વધારનાર ઘોડિયું, સુખસમૃદ્ધિનું પ્રતીક વલોણું, પુત્રનું પ્રતીક પોપટડો, નરનારીની સુંદરતાનાં પ્રતીક મોર અને ઢેલ, ઐશ્વર્ય અને શૌર્યનાં પ્રતીક હાથી, ઘોડો, વડીલના પ્રતીકરૂપ આંબો વગેરે દ્વારા આકર્ષક શોભન ભાતો રચાય છે. સૂરજ, ચંદ્ર અજરામર સત્યનાં પ્રતીકો છે. વીંછીને જાતીય વૃત્તિનું પ્રતીક ગણવામાં આવ્યું છે.
કાઠી કોમમાં મળી આવતું ગૃહસુશોભનનું ભરત નોંધપાત્ર ગણાય છે. એમ કહેવાય છે કે કાઠી દરબારોની ડેલીએ આવતા મોચી – કારીગરો દ્વારા આ સફાઈદાર અને આકૃતિપ્રધાન ભરતકામ તૈયાર કરવામાં આવતું. આ ભરતકામ કાઠીઓના સુંદરતા વિશેના ખ્યાલ અને શોખને પોષવાની તથા કારીગરોની વ્યવસાયી નિપુણતાને નિભાવવાની ઉદાર મનોવૃત્તિ અને તેમની આર્થિક સમૃદ્ધિનું દર્શન કરાવે છે.
કાઠીબેસણ એ ગૃહસજાવટના કાઠીભરતનો આગવો નમૂનો ગણાય છે. બેસણની પછીતપાટીના આડા લાંબા ફલકમાં કૃષ્ણલીલા, રુક્મિણી-વિવાહ, નાગદમણ, દાણલીલા, વસ્ત્રાહરણ, શિશુપાલની જાન, વેણુવાદન, કપટી મૃગનો વધ તથા રામવિવાહ જેવા પ્રસંગો ભરેલા જોવા મળે છે. તેમાં ભીંતચિત્રોની શૈલીનું અનુકરણ સ્પષ્ટ રૂપે વરતાય છે. ઘરધણી કાઠીની સ્ત્રીઓ કપડા પર આળેખો કરીને જાતે ભરત ભરે છે. કાઠિયાણીએ ભરેલી આવી પછીતપાટીમાં પ્રાકૃતિક અલંકરણો અને કથાઘટકરૂપો(motifs)માં ગણેશ, વલોણું, લગ્નમંડપ, ઉપરાંત હાથી, ઘોડો, ગાય, ફૂલઝાડ, પંખીઓ વગેરે હોય છે.
ઘરશણગારના ભરતમાં ધ્રાણિયાનું પણ વિશિષ્ટ સ્થાન છે. ગામડામાં ડામચિયા ઉપર ગાદલાંગોદડાં મૂકીને તેના પર ભરત ભરેલો ધ્રાણિયો ઢાંકવામાં આવે છે. 4 કે 6 ચોરસ ખાનાંમાં વહેંચવામાં આવેલા ધ્રાણિયામાં ભૌમિતિક આકારો સાથે અન્ય સ્વરૂપોનું ભરત જોવા મળે છે. એમાં હાથી, ઘોડા, મોર, પોપટ, ચકલી, હાથી પર બેઠેલ રાજા, ઘોડેસવાર, વલોણું વલોવતી ગોપીઓ, ફૂલવાડી, મોરલી, કૃષ્ણજીવનના પ્રસંગો, સીતાહરણ, માયાવી મૃગ અને રામલક્ષ્મણનાં પ્રતીકોનું નિરૂપણ સહજસુંદર ગોઠવણીમાં જોવા મળે છે. ભરતકામ શીખનાર છોકરીઓ પહેલાં ધ્રાણિયો ભરવાથી શરૂઆત કરે છે. એમાં ભરત-ચિત્રણની શુદ્ધ લોકકલાના નમૂના જોવા મળે છે. વળી તેમાં ભરત ભરનારી છોકરીઓ બાજઠ, કલ્પવૃક્ષ, મોર, ઢેલ, પોપટ, હાથી, ઘોડા, કામધેનુ, હરણ, બેમુખો મૃગલો, પનિહારી, વલોણું, પારણું તેમજ દેવદેવીના કથાઘટકો ભરે છે. લગ્નના દિવસોમાં આ ગોદડાંઢાંકણિયો લોકભરતનું જાણે કે ભીંતચિત્ર બની રહે છે.
ખેડુ વરણની નારીઓએ પંડ અને ઘરખોરડાંની સાથે પોતાનાં પશુઓને પણ ભલી ભાતે શણગાર્યાં છે. કારડિયા, ખરક જેવી જ્ઞાતિઓમાં સ્ત્રીઓ બળદોની ઝૂલમાં વચ્ચે મોટા ખંધેલા પાડી તેમાં હાથી, ઘોડા, સિંહ, વ્યાલ, ગાય વગેરે પ્રાણીઓની પરંપરિત આકૃતિઓ ભરે છે. કણબી, કારડિયા, આયર અને કોળીમાં ગોટી અને પશુ જેવી ભાતો વિશેષ રૂપે ભરાય છે. આયર અને સતવારા સ્ત્રીઓ પોપટ, ઝાડવી, કેવડા અને ગોટી વધુ ભરે છે. ગરાસિયા કાઠી અને ક્ષત્રિય જાતિમાં અશ્વશણગારની ઝૂલનું ભરત ભરવામાં આવે છે. તેના પર ઘોડા, હાથી, મોર, પૂતળી, ઝાડવી અને ફૂલગોટાની ભાતો ભરાય છે. કાંટિયાવરણની સ્ત્રીઓ ઘોડાની ઝૂલ અર્થાત્ ઘૂઘીમાં અરધી ફૂલવાડી, આંગળા – સિકલ, કેવડા – સિકલ, અર્ધા વાટકા, સાચી ઘરાબંધી અને બટમોગરાની ભાતો પ્રયોજે છે.
મોલેસલામ ગરાસિયાના ભરતકામમાં દુલદુલ, સ્ત્રીપુરુષનું મોઢું, પશુનું શરીર, સિંહ, વ્યાલ વગેરે જોવા મળે છે. કણબીના ભરતમાં મોર, પોપટ, ફૂલ, કેવડા, આંબાડાળ, વેલીઓ; કચ્છના જત અને મતવા લોકોના ભરતમાં ભૌમિતિક શોભન ભાતો; ખેડૂતોના ભરતમાં પોયણાવેલ, વીજળીવેલ, દેવદેવલાં, પૂતળી અને પરી; સૂરત, ખંભાત અને ભરૂચ તરફ થતા મહાજનિયા ભરતમાં કોલીફૂલ, ઓકઆંગઠાં, અંબાડીવાળો હાથી, બેલડું, વલોણું, ગણેશ, કનકમૃગ અને પિતૃભક્ત શ્રવણનાં આલેખનો મળે છે.
સૌરાષ્ટ્રની ખેડૂત-સ્ત્રીઓના ભરતકામમાં છેલ્લા 5 દાયકામાં પ્યાલા પોપટ, સરકેલ બાવળિયો, ઢેલ વાટકા, કંકાવટી, દાડમગોટા પડી-પૈપડી, ઘડિયાળ, બીંગલવાજાં, લોટકા, ઊડતાં બલૂન, રૉકેટ, માછલી જેવાં નવાં પ્રતીકો પણ દાખલ થયાં છે. આજે ગામડામાં સુધારાનો વા’ વાતાં પંડનાં ભરેલાં વસ્ત્રો ગયાં; પાકાં મકાનો થતાં ઘરશણગારનું ભરત ગયું; ટ્રૅક્ટરો અને મોટરસાઇકલો આવતાં બળદ, ગાડાં અને અશ્વોનો યુગ આથમી ગયો. આથી તો કોઈ લોકકવિએ નિસાસો નાખતાં કહ્યું છે કે –
‘ગયા ઘોડા, ગઈ હાવળ્યો, ગયા સોનેરી તાજ;
મોટરખટારા માંડવે કરતાં ભૂં ભૂં અવાજ.’
જોરાવરસિંહ જાદવ