ભરણી : ગુજરાતનાં પૂર્ણવિકસિત સોલંકીકાલીન મંદિરોની પછીતની બહારની દીવાલ(મંડોવર)નો ઉપરના ભાગમાં ઉદગમ અને શિરાવટી વચ્ચે કરવામાં આવતો અલંકૃત થર. આ થર દસમી સદી અને પછીનાં મહામંદિરોમાં જોવામાં આવે છે. દસમી સદીમાં ભરણી ચોરસ અને ક્યારેક બેવડી કરવામાં આવતી. ત્યારે તેના પર તમાલપત્રનું અંકન કરવાનો ચાલ શરૂ થયો નહોતો.
પૂર્ણવિકસિત ભરણી અંગમાં નીચેથી ઉપર જતાં કર્ણ કે કણી, સ્કંધ, અશોકપલ્લવ, તમાલપત્ર, કપોતાલી અને તેના ઉપર કામરૂપ શિલા ર્દષ્ટિગોચર થાય છે. સૂણક અને મોઢેરા જેવાં મંદિરોમાં ગર્ભગૃહની દીવાલ ઉપરાંત ગૂઢમંડપની દીવાલમાં પણ આ થરની રચના જોવામાં આવે છે. કેટલાંક બે, ત્રણ કે વધુ મજલાવાળાં મંદિરોમાં ઉપલા મજલાઓની દીવાલમાં પણ કેવાલ, જંઘા અને ઉદગમની સાથે ભરણી થરનું પણ પુનરાવર્તન થાય છે. અલબત્ત, આવા કિસ્સાઓમાં મજલાની ઊંચાઈ ઘટતી હોઈ તેના પ્રમાણમાં ભરણી વગેરે અંગોની ઊંચાઈમાં પણ ઘટાડો થાય છે. આનું સહુથી સરસ ર્દષ્ટાંત દ્વારકાધીશ(દ્વારકા)નું પાંચ મજલા ધરાવતું મંદિર છે. તેના પર ઘટતા કદે પાંચેય મજલાની દીવાલ પર જંઘાથી ભરણી સુધીના બધા થરોની રચના થયેલી છે.
મંદિરોના સ્તંભોમાં પણ છેક ઉપરનો ભાગ ભરણી કહેવાય છે. એમાં પણ અનેક થરો કરેલા હોય છે, જેમાં ‘કણી’ મુખ્ય ગણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ