ભનોત નીરજા (જ. 7 સપ્ટેમ્બર, 1963, ચંડીગઢ; અ. 5 સપ્ટેમ્બર, 1986, કરાંચી) : ફરજ બજાવતાં બહાદુરીપૂર્વક મૃત્યુને ભેટનાર, અશોકચક્રથી સન્માનિત ભારતની પ્રથમ મહિલા અને વિમાન પરિચારિકા.
‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ના સંવાદદાતા હરીશ ભનોત તથા રમા ભનોતને બે પુત્ર બાદ ત્રીજી પુત્રી અવતરી. તેનો ઉછેર મુંબઈમાં થયો અને સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી તે સ્નાતક થઈ. ત્યારબાદ તરત જ મૉડલિંગના કામ માટે તેની પસંદગી થઈ ગઈ.
સાલ 1985માં તે પાન-અમેરિકન ઍર-લાઇન્સમાં પરિચારિકા તરીકે પસંદ થઈ, જેની તાલીમ લેવા માટે તે લોરિડા ગઈ. તે પછી તેણે પરિચારિકા અને મૉડલિંગ એમ બેવડી જવાબદારી સ્વીકારી હતી. 5 સપ્ટેમ્બર, 1986ની સાલમાં પેન.એમ. લાઇટ 73ની મુંબઈથી યુનાઇટેડ સ્ટેટ જતી વિમાનની સફરમાં જવા માટે નીરજાને તેડું આવ્યું.

નીરજા ભનોત
તે ગોઝારા દિવસે, વહેલી સવારે વિમાન સિનિયર લાઇટ પર્સર (વરિષ્ઠ વિમાન પરિચારિકા) નીરજા પોતાના કાર્યમાં રોકાયેલી હતી ત્યાં તેની નજર વિમાનમાં બેઠેલા ચાર અપહરણકારો પર પડી. તેઓ રિવૉલ્વર હાથમાં પકડીને બેઠા હતા. આ દૃશ્ય જોઈ 23 વર્ષની, ટૂંકી કારકિર્દી ધરાવતી નીરજા બધી પરિસ્થિતિ પામી ગઈ અને તેણે નીડર નિર્ણયો લેવા માંડ્યા. વિમાન હજી તો કરાંચીના વિમાનમથક પર ઊભેલું હતું. આથી સૌપ્રથમ તો તેણે કૅપ્ટન અને બીજા અધિકારીઓને ચેતવી દીધા. આથી તેઓ તો આપાતકાલીન દરવાજાથી પલાયન થઈ ગયા. નીરજાએ ધાર્યું હોત તો તે પણ આ રીતે પલાયન થઈ શકી હોત. તેને બદલે તેણે 400 જેટલા પ્રવાસીઓના જાન બચાવવાની કોશિશ કરી. તે પ્રવાસીઓને હિંમત આપતી રહી અને બાળકોને વહાલ. આતંકવાદીઓની બંદૂક વચ્ચે પણ તે નીડરતાથી પોતાની ફરજ બજાવતી રહી.
તેણે આતંકવાદીઓને માનવતા દર્શાવવાની વિનંતી કરી, પણ તેઓએ અમેરિકન મુસાફરોના પાસપૉર્ટ માંગ્યા. આતંકવાદીઓને અમેરિકન જોડે વેર હતું. આથી તેઓ તેમને જુદા તારવવા માંગતા હતા. નીરજાએ બધા મુસાફરોના પાસપૉર્ટ ભેગા કર્યા, પણ તે સીટો નીચે કે અન્ય જગાએ વિમાનમાં ક્યાંક છુપાવી દીધા. આમ 41 અમેરિકનોના જાન બચાવ્યા.
આતંકવાદીઓ સાથે કોઈ સમાધાન નહીં થવાથી હવે ગોળીઓની રમઝટ છૂટશે તેવી ખાતરી થઈ ગઈ. સમયસૂચકતા વાપરી તેમણે આપાતકાલીન દરવાજો ખોલી કાઢ્યો. નાનાં-મોટાં, બાળક-વૃદ્ધ, સ્ત્રી-પુરુષ બધાં જ આ મોતના તાંડવમાંથી છૂટવા વિમાનમાંથી છલાંગો મારવા માંડ્યાં.
તે સમયે ત્રણ નાનાં બાળકો દરવાજામાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. આથી તેમને મદદ કરવા માટે નીરજા દોડી, ત્યારે વીફરેલા ત્રાસવાદીઓની નજર પડી અને તેઓ ઉશ્કેરાયા. આડેધડ ગોળીઓ વરસાવવા માંડ્યા. નીરજાએ બાળકો પર પોતાનું શરીર-છત્ર ધરી ગોળીઓ ઝીલી લીધી. તેનું શરીર ચારણી જેવું થઈ ગયું. તે લોહીલુહાણ થઈ ગઈ ત્યાં સુધી ફરજ બજાવતી ગઈ અને છેવટે તેનો જીવ ઊડી ગયો. થોડા મુસાફરોની જાનહાનિ થઈ, થોડાક ઘાયલ થયા પણ મોટા ભાગના મુસાફરોના જાન બચાવવાનો સંતોષ લઈ તે મૃત્યુ પામી. અપહરણકર્તાઓની છેવટે ધરપકડ કરાઈ.
ભારત સરકાર તરફથી અતિગૌરવશાળી સન્માન ‘અશોકચક્ર’ 1987ની 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાકદિનની પરેડમાં નીરજાની માતાને તત્કાલીન રાષ્ટ્રપતિ ઝૈલસિંહના હાથે એનાયત થયું. નીરજા અશોકચક્ર પ્રાપ્ત કરનારાઓમાં સૌથી નાની ઉંમરની પ્રથમ મહિલા હતી. પાકિસ્તાનની એક સંસ્થાએ નીરજાને ‘માનવતાસૂચક મરણોત્તર ઍવૉર્ડ’ આપી સન્માનિત કરી. આ ઉપરાંત યુ.એસ.એ. તરફથી પણ મૃત્યુપર્યંત ઍવૉર્ડ અર્પણ થયો.
2016માં તેના જીવન પર આધારિત એક ચલચિત્ર ‘નીરજા’ ઉતાર્યું હતું. તેના મૃત્યુ બાદ તેના કુટુંબે ‘નીરજા ભનોત પેન એમ ટ્રસ્ટ’ સ્થાપ્યું. જેમાં તેના વીમાના પૈસા હતા અને તેટલું જ યોગદાન ‘પેન એમ’નું પણ હતું. આ ટ્રસ્ટ તરફથી દર વર્ષે બે ઍવૉર્ડ એનાયત થાય છે. જેમાં એક વિમાનમાં સેવા આપનાર સભ્યને અસાધારણ ફરજ બજાવવા માટે તથા ‘નીરજા ભનોત ઍવૉર્ડ’ હિંમતપૂર્વક પરિસ્થિતિનો સામનો કરનાર નારીને અર્પણ કરવામાં આવે છે.
અંજના ભગવતી