ભદ્રાવતી (શહેર) : કર્ણાટક રાજ્યના મધ્ય ભાગમાં આવેલા શિમોગા જિલ્લાનું ઔદ્યોગિક શહેર તથા તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 13° 48´ ઉ. અ. અને 75° 46´ પૂ. રે. તે બાબાબુદન હારમાળા નજીક ભદ્રા નદીના બંને કાંઠા પર વસેલું છે. આ વિસ્તારમાં લોહઅયસ્ક, મૅંગેનીઝ અયસ્ક, ચૂનાખડકના જથ્થા મળતા હોવાથી તેમજ ભદ્રા જળવિદ્યુત યોજના નજીક હોવાથી ભદ્રાવતીમાં લોખંડ-પોલાદનો ઉદ્યોગ વિકસેલો છે. અહીં વિશ્વશ્વરૈયા આયર્ન ઍન્ડ સ્ટીલ મિલ્સ તથા મૈસૂર પેપર મિલ્સ પણ મહત્વના ઉદ્યોગો છે. અહીં સડક અને રેલમાર્ગનો વિકાસ થયેલો હોવાથી આ શહેર એક આદર્શ ઔદ્યોગિક નગર તરીકે ઊપસી આવેલું છે. અહીંના સહાયક ઉદ્યોગોમાં ડામર-ઉદ્યોગ, સિમેન્ટ-ઉદ્યોગ તેમજ કાગળ, ઈંટો, આલ્કોહૉલ તથા સુખડના તેલના એકમોનો સમાવેશ થાય છે. અગાઉના વખતમાં આ સ્થળ બંકીપુરા નામથી ઓળખાતું હતું. 1923માં આ સ્થળે લોખંડ-પોલાદનો ઉદ્યોગ સ્થપાવાથી તેનું મહત્વ વધ્યું છે. અહીંનું હોયસળ શૈલીમાં બંધાયેલું લક્ષ્મી-નરસિંહનું મંદિર જોવાલાયક છે, તેમાંનાં શિલ્પો કારીગરોના કસબનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે. આ શહેરની નજીક નદી થોડાક અંતર સુધી પશ્ચિમ તરફ વહેતી હોવાથી તેને ‘પશ્ચિમવાહિની’ કહે છે. નદીનો એટલો ભાગ પવિત્ર મનાય છે. નજીકમાં રાણી ચેન્નામાએ ટેકરી પર બંધાવેલો ચેન્નાગિરિ દુર્ગ કાંકરાઓથી બનાવેલી બે દીવાલોવાળો અને ખાઈઓથી રક્ષિત છે. ટેકરીને મથાળે સમભંગી અંગસ્થિતિવાળા ભગવાન વિષ્ણુની મૂર્તિ ધરાવતું રંગનાથસ્વામીનું મંદિર આવેલું છે. તેમાં પાંચ મસ્તક અને આઠ હાથવાળી હનુમાનની કાષ્ઠમૂર્તિ પણ છે. અહીંનું કતીશ્વર મંદિર ચાલુક્યશૈલીનું છે. ત્યાં મળતા અભિલેખ મુજબ કોઈ પવિત્ર સન્નારીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. 1636ના અરસામાં બંધાવેલી મહોબ્બતશાહ મસ્તાન કાદરીની કબર ધરાવતી ડોડા મસ્જિદ પણ વિશેષ ઉલ્લેખનીય છે. આ શહેરથી એક જ કિમી.ને અંતરે ચાલુક્ય સમયની કલ્લુ મથા નામની પાષાણમૂર્તિ છે. તે લગભગ આખીય માટીના ઢગથી ઢંકાઈ ગયેલી છે. 1991 મુજબ આ શહેરની વસ્તી 1,49,131 જેટલી છે.
ગિરીશભાઈ પંડ્યા