ભટ, રવીન્દ્ર (જ. 1930, પુણે; અ. 22 નવેમ્બર 2008, પુણે) : જાણીતા મરાઠી સાહિત્યકાર. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. સર પરશુરામ ભાઉ કૉલેજમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. સાહિત્યની જેમ અધ્યાત્મમાં પણ તેમની સક્રિય રુચિ હતી. તેમણે ચૌદ જેટલી નવલકથાઓ લખી છે; જેમાં ‘ઇન્દ્રાયણી કાઠી’, ‘સાગરા પ્રાણ તળમળલા’, ‘ભગીરથ’, ‘આભાળાચે ગાણે’, ‘દેવાચી પાઉલે’, ‘ભેદિલે સૂર્યમંડળા’ જેવી લોકપ્રિય નવલકથાઓનો સમાવેશ થાય છે. તેમના છ કાવ્યસંગ્રહોમાં ‘ઓઠાવરલી ગાણી’, ‘મોગરા ફુલલા’, ‘જાણતા અજાણતા’ – આ ત્રણ કાવ્યસંગ્રહો સમીક્ષકોનું ધ્યાન ખેંચનારા સાબિત થયા છે. તે ઉપરાંત તેમણે પાંચ નાટકો અને ‘નસતી ઉઠાઠેવ’, ‘ગોવિંદા ગોપાળા’ અને ‘તે માઝે ઘર’ જેવાં મરાઠી ચિત્રપટોનાં કથાનકો પણ લખ્યાં હતાં.
1968–80 દરમિયાન તેમણે આકાશવાણીના પુણે કેન્દ્ર પર સેવાઓ આપી હતી. તેઓ સતત ચૌદ વર્ષ સુધી મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદના કાર્યવાહકપદે રહ્યા હતા. તેવી જ રીતે તેમણે કેન્દ્ર સરકારના આઉટસાઇડ પ્રોડ્યૂસર્સ પૅનલ પર નિર્માતા તરીકે દસ વર્ષ સુધી કામ કર્યું હતું.
રાષ્ટ્રપતિ પુરસ્કાર ઉપરાંત તેમને એનાયત થયેલા અન્ય પુરસ્કારોમાં મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ પુરસ્કાર, ચેતના ટ્રસ્ટ દ્વારા એનાયત થતો ‘દર્પણ’ પુરસ્કાર, પુણે વિદ્યાપીઠ દ્વારા અપાતો પુરસ્કાર તથા ‘નારાયણ હરિ આપટે સ્મૃતિ પુરસ્કાર’નો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે