ભટ્ટ, હરિહર પ્રાણશંકર (જ. 1 મે 1895, વેકરિયા, સૌરાષ્ટ્ર; અ. 10 માર્ચ 1978, અમદાવાદ) : ખગોળવિદ, સત્યાગ્રહી અને ગુજરાતી કવિ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સાવરકુંડલામાં અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર તથા મુંબઈમાં. બી.એ. થયા પછી અકોલા(મહારાષ્ટ્ર)ની સરકારી હાઈસ્કૂલમાં શિક્ષક.
1919–30 દરમિયાન સાબરમતી આશ્રમમાં સેવાકાર્ય કર્યું. વિરમગામ ટુકડી સાથે ધરાસણા મીઠા સત્યાગ્રહમાં જોડાયા. પોલીસે અગરમાં ડુબાડ્યા, જીવ માંડ માંડ બચ્યો (1930). અસહકારની ચળવળમાં સત્યાગ્રહી તરીકે પકડાતાં 18 માસનો કારાવાસ ભોગવ્યો. ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં ખગોળશાસ્ત્રના અધ્યાપક તથા પીએચ.ડી.ના માર્ગદર્શક રહ્યા. તેમણે ‘સંદેશ’ના ‘પ્રત્યક્ષ પંચાંગ’ 1982માં શરૂ કરી તેના મુખ્ય સંપાદક તરીકે મૃત્યુ પર્યંત કામ કર્યું. અમદાવાદની વેધશાળાના પુરસ્કર્તા અને અધ્યક્ષ તરીકે ફરજ બજાવી. ‘એક જ દે ચિનગારી, મહાનલ!’ કાવ્યથી સુવિદિત થયેલા આ કવિએ પ્રભુશ્રદ્ધા, જીવન-આશા તથા રાષ્ટ્રભાવ ને ગાંધીચીંધી દલિતપ્રીતિ જેવા વિષયોને 21 ગેય લઘુ–ઊર્મિકાવ્યોમાં નિરૂપતો સંગ્રહ ‘હૃદયરંગ’ (1934) આપ્યો. તેમાં ગાંધીગુણસંચયને પુરસ્કારતી ‘ભવ્ય ડોસા !’, રાષ્ટ્રભક્તિનો ઉન્મેષ ધરાવતી ‘હમારો દેશ’ અને અંધશ્રદ્ધા પરત્વેનો ઉપહાસ આલેખતી ‘ગામઠી ગીતા’ જેવી ધ્યાનાકર્ષક રચનાઓ છે.
ખગોળને ક્ષેત્રે ‘ખગોળ ગણિત’ ભાગ 1 થી 5, ‘પ્રત્યક્ષ કુંડલી ગણિત’, ‘સૂર્ય-સારણી’, ‘મંગલ-સારણી’ તેમજ ગ્રહણસારણીઓ વગેરે તેમના પ્રસિદ્ધ ગ્રંથો છે.
ભારતી જાની
બળદેવભાઈ કનીજિયા