ભટ્ટ, હરિશ્ચંદ્ર ભગવતીશંકર

January, 2001

ભટ્ટ, હરિશ્ચંદ્ર ભગવતીશંકર (જ. 6 ડિસેમ્બર 1906 ઓલપાડ, સૂરત; અ. 18 મે 1950) : ગુજરાતી કવિ. વિશ્વવિદ્યાલયમાં વિધિપૂર્વક અભ્યાસ કરવાની તક નહોતી મળી તે છતાં આ સદીના પૂર્વાર્ધમાં અંગ્રેજી સાહિત્યથી આગળ વધીને યુરોપીય સાહિત્યનો એમણે પોતાના પુરુષાર્થ અને પરિશ્રમ દ્વારા મેળવેલો પરિચય એક વિરલ ઘટના છે.

હરિશ્ચંદ્ર ભગવતીશંકર ભટ્ટ

પિતા જે પેઢીમાં કામ કરતા હતા તે પેઢીમાં વર્ષો સુધી કામ કર્યા પછી પૉલિશ કૉન્સ્યુલેટમાં એમણે મેળવેલી કામગીરી એમના પોલૅન્ડ પરત્વેના વિશેષ પ્રેમને અને યુરોપીય ચેતના પરત્વેના એમના આકર્ષણને પોષણ આપે છે. હોલ્ડરલિન, કોન્સ્ટાસ, પાલામાસ, રિલ્કે, બૉદલેર, વાલેરી, પ્રૂસ્ત, ઊનામુનો જેવા યુરોપીય લેખકોએ એમની ભાવનાસૃષ્ટિને ઘડેલી. તત્કાલીન વૈશ્વિક પ્રવાહો અને આર્થિક સામાજિક તેમજ રાજકીય પશ્ચાદભૂથી તેઓ ખાસ્સા વાકેફ હતા. પુસ્તકપ્રકાશન એમનાં સાંસ્કૃતિક સ્વપ્નોમાંનું એક સ્વપ્ન હતું. ‘નાલંદા પબ્લિકેશન્સ’ નામે પ્રકાશન સંસ્થા સ્થાપવા ઉપરાંત એમણે પરમાનંદ કાપડિયાના તંત્રીપદે પ્રસિદ્ધ થતા ‘યુગધર્મ’માં પણ કામગીરી બજાવેલી. એચ.  ઇન્દ્રર ઍન્ડ કંપનીને નામે એમણે પરદેશથી પુસ્તકો મંગાવવાની પ્રવૃત્તિ પણ કરેલી; આમ છતાં અત્યંત સંવેદનશીલ હોવાથી ઘણાં વર્ષો એમનાં અનુતાપ અને રૂંધામણમાં વીત્યાં અને અંતે એમણે આપઘાતનો માર્ગ લીધો.

સ્વદેશી ચળવળ વચ્ચે અને બ્રિટિશ શાસન દરમિયાન માત્ર અંગ્રેજી સાહિત્યથી છવાઈ ગયેલા વાતાવરણમાં અંગ્રેજી સિવાયના યુરોપીય સાહિત્યની આબોહવાનો લાભ લેનાર આ કવિ ગાંધીયુગની એક વિશિષ્ટ અને વિરલ પ્રતિભા છે. કેટલેક અંશે એમના યુગથી એમની ચેતના આગળ હોવાનો અણસાર એમની ભાવનાસૃષ્ટિ અને કવિતાસૃષ્ટિમાંથી મળી રહે છે. ‘સફરનું સંખ્ય’ (મુરલી ઠાકુર સાથે, 1940) એમનો પહેલો કાવ્યસંગ્રહ છે અને ‘કેસૂડો અને સોનેરું તથા કોજાગ્રિ’ (1941) એમનો બીજો કાવ્યસંગ્રહ છે; જ્યારે ‘સ્વપ્નપ્રયાણ’ (1959) એમની સઘળી રચનાઓને સમાવતો ઉમાશંકર જોશી સંપાદિત મરણોત્તર કાવ્યસંગ્રહ છે.

વિવિધ સાહિત્યોના વ્યાપક સંદર્ભો અને ઉલ્લેખોથી ઇન્દ્રિયસંવેદ્ય પંક્તિઓ દ્વારા કાવ્યશિલ્પ દર્શાવતા આ કવિની બહુશ્રુતતા સાથે ભળેલી સ્વકીય અનુભૂતિ આસ્વાદ્ય છે. પશ્ચિમના સાહિત્યમાં મનુષ્યનું પતન અને મનુષ્યનો અપરાધભાવ ઘૂંટાતાં ઊઠેલા એના પ્રતિધ્વનિ તો અહીં છે જ, વિશેષમાં ભારતીય સંસ્કૃતિના વેદથી માંડી પૌરાણિક અને બૌદ્ધ ઇતિહાસના સંકેતો પણ એમાં ભળેલા છે. આ કવિમાં એકબાજુ પ્રેરણાનો વેગ છે, તો બીજી બાજુ કવિકર્મનો પરિશ્રમ પણ  છે અને એટલે એમનો લયકેફ એમની પ્રણયઝંખનાની કે ધર્મઝંખનાની અભિવ્યક્તિમાં ઊતર્યા વગર રહ્યો નથી. બહેન પરની ‘નિર્દોષ ને નિર્મળ આંખ તારી’ રચનામાં કે ‘રાઇનર મારિયા રિલ્કેને’ જેવી રચનામાં કવિની પાસાદાર સૌંદર્યમંડિત આવિષ્કૃતિ જોઈ શકાય છે.

ચન્દ્રકાન્ત ટોપીવાળા