ભટ્ટ, વિનોદ જશવંતલાલ (જ. 14 જાન્યુઆરી 1938, તા. દહેગામ, નાંદોલ; અ. 23 મે 2018, અમદાવાદ) : ગુજરાતના પ્રથમ પંક્તિના હાસ્યલેખક. 1955માં એસ.એસ.સી.; 1961માં બી.એ. 1964માં એલ.એલ.બી.; વીસેક વર્ષ વેચાણવેરાના અને પછીથી થોડો વખત આવકવેરાના સલાહકાર તરીકે કામ કર્યા બાદ 1997થી વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ સાહિત્યસર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે સમર્પિત.
પ્રથમ પુસ્તક ‘પહેલું સુખ તે મૂંગી નાર’(1962)થી સાહિત્યક્ષેત્રે પદાર્પણ. જુદા-જુદા વ્યવસાયો સાથે સંકળાયેલી પારિભાષિક શબ્દાવલિનો વિનિયોગ કરી લખાયેલ પુસ્તક ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’(1972)માં સર્જક પ્રતિભાનો પ્રથમ ઉન્મેષ પ્રગટ થયો. જાણીતી કથાઓની પેરેડીનાં પુસ્તકો ‘ઇદમ્ તૃતીયમ્’ (1973) અને ‘ઇદમ્ ચતુર્થમ્’(1975)થી એમની સર્જકતા બરાબર ખીલી. વિનોદી નજરે આલેખાયેલા સાહિત્યકારોનાં રેખાચિત્રોનું પુસ્તક ‘વિનોદની નજરે’ (1979) ગુજરાતી હાસ્યસાહિત્યનું અનન્ય પુસ્તક છે. ઐતિહાસિક પાત્રોના હળવે હૈયે થયેલા ચિત્રણનું પુસ્તક ‘અને હવે ઇતિ-હાસ’ (1981), સાહિત્યવિષયક નિબંધોનું પુસ્તક ‘ગ્રંથની ગરબડ’ (1983), અમદાવાદ વિશેની ઐતિહાસિક ભૌગોલિક હકીકતોને સહેજે ઠરજ્યામરડ્યા વગર અમદાવાદ શહેરનો વિનોદી શૈલીમાં પરિચય કરાવતું પુસ્તક ‘અમદાવાદ એટલે અમદાવાદ’ (1985) તેમજ હાસ્યનિબંધનું સ્વરૂપ લેખકને કેવું સહજસિદ્ધ છે એની પ્રતીતિ કરાવતાં પુસ્તકો ‘વગેરે…….વગેરે…….વગેરે……’ (1992) તથા ‘અથથી ઇતિ’ (1992) વગેરે દ્વારા લેખકે ગુજરાતી હાસ્યસાહિત્યને સમૃદ્ધ કર્યું છે. મૃત્યુની પૂરેપૂરી અદબ જાળવીને લખાયેલું અને છતાં હાસ્યલેખકની મુદ્રા ઉપસાવવામાં સફળ રહેલું પુસ્તક ‘પ્રભુને ગમ્યું એ ખરું’ (1997) એક વિશિષ્ટ પુસ્તક છે. ‘એવા રે અમે એવા’ (1999) લેખકની આત્મકથા છે. હળવાશ અને ગાંભીર્ય, હાસ્ય અને કરુણાના મિશ્રણવાળી લેખકના અનુભવસમૃદ્ધ જીવનની ઝાંખી કરાવતી, જીવન અને જગત પ્રત્યેના લેખકના હકારાત્મક અભિગમવાળી આ આત્મકથા ગુજરાતી આત્મકથાક્ષેત્રે એક નોંધપાત્ર અર્પણ છે.
ગુજરાતના તેમજ વિદેશના સુપ્રસિદ્ધ સાહિત્યકારોનો હળવાશમાં જે તે વ્યક્તિના વ્યક્તિત્વની મૂળ રેખાઓ રોળાઈ ન જાય એ રીતે પરિચય કરાવતી પુસ્તિકાઓ ‘શેખાદમ…… ગ્રેટાદમ’ (1985), ‘નર્મદ : એક કેરેક્ટર’ (1989), ‘સ્વપ્નદ્રષ્ટા મુનશી’ (1989), ‘હાસ્યમૂર્તિ જ્યોતીન્દ્ર દવે’ (1989), ‘કૉમેડી કિંગ ચાર્લી ચૅપ્લિન’ (1989), ‘ગ્રેટ શોમૅન જ્યૉર્જ બર્નાડ શૉ’ (1990), ‘એન્ટન ચેખવ’ (1994) જે તે સાહિત્યકારનો રસપ્રદ રીતે પરિચય કરાવવાની સાથે લેખકની ચરિત્રલેખનની શક્તિનો પણ પરિચય કરાવે છે.
સાહિત્યિક પત્રકારત્વના ક્ષેત્રે પણ વિનોદ ભટ્ટનું અર્પણ પણ ઘણું નોંધપાત્ર છે. સળંગ 32 વરસ સુધી (1966–98) ગુજરાતી દૈનિક ‘સંદેશ’ની રવિવારની પૂર્તિમાં એમની કૉલમ ‘ઇદમ્ તૃતીયમ્’ પ્રગટ થઈ હતી. આ કૉલમ ખૂબ જ લોકપ્રિય નીવડી હતી. 1998થી ગુજરાતી દૈનિક ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં એમની કૉલમ ‘મગનું નામ મરી’ પ્રગટ થઈ રહી છે. વિવિધ વિષયોને આવરી લેતી એમની કૉલમમાં રાજકારણની સાંપ્રત ઘટનાઓ વિશે પ્રગટ થયેલા એમના લેખો તટસ્થ નિરીક્ષણ અને માર્મિક વેધક હાસ્યકટાક્ષને કારણે ઘણા ધ્યાનપાત્ર બને છે. કટોકટી વખતે પણ એમણે એમની કૉલમમાં નિર્ભીકતાથી લખ્યું હતું.
સંપાદનક્ષેત્રે પણ એમનું મહત્વનું અર્પણ છે. ‘હાસ્ય મારો પ્રથમ પ્રેમ છે.’ એવું કહેતા આ હાસ્ય-લેખકે સ્વતંત્ર સર્જનો ઉપરાંત હાસ્યરસની રચનાઓનાં સંપાદનો દ્વારા ગુજરાતી હાસ્યસાહિત્યની નોંધપાત્ર સેવા કરી છે. અશ્લીલતાના આરોપસર વગોવાયેલી કેટલીક વાર્તાઓનું એમણે કરેલું સંપાદન ‘શ્ર્લીલ-અશ્ર્લીલ’ (1967) અને એમના અત્યંત નિકટના મિત્ર શેખાદમ આબુવાળાના અવસાન પછી શેખાદમની વિવિધ વર્તમાનપત્રોમાં કૉલમરૂપે પ્રસિદ્ધ થયેલી વિપુલ સામગ્રીમાંથી ચયન કરીને પ્રસિદ્ધ કરેલું પુસ્તક ‘સારાં જહાં હમારા’ (1985) – આ બે અપવાદો બાદ કરતાં એમનાં બધાં જ સંપાદનો હાસ્યસાહિત્યનાં છે. ‘ગુજરાતની હાસ્યધારા’ (1972) અને ‘હાસ્યાયન’ (1978) જુદા જદા લેખકોની હાસ્ય-રચનાઓનાં સંપાદનો છે. શ્રેષ્ઠ હાસ્યરચનાઓની શ્રેણીમાં એમણે જ્યોતીન્દ્ર દવે (1981), ચિનુભાઈ પટવા ‘ફિલસૂફ’ (1981), મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’ (1982), તારક મહેતા (1982), ધનસુખલાલ મહેતા (1982), અને વિનોદ ભટ્ટ (1983)ની હાસ્યરચનાઓ સંપાદિત કરી છે. હાસ્યમાધુરી શ્રેણીમાં બંગાળી (1985), મરાઠી (1985), ઉર્દૂ (1985), હિન્દી (1986), ગુજરાતી (1987) અને વિદેશી (1987) – એમ દેશપરદેશની વિવિધ ભાષાઓમાંથી હાસ્યરચનાઓ પસંદ કરી છે. ગુજરાતીના શિષ્ટ સામયિક ‘નવનીત-સમર્પણ’માં પ્રસિદ્ધ થયેલી હાસ્યરચનાઓમાંથી પસંદ કરેલી રચનાઓ ‘હાસ્ય-નવનીત’માં સંગૃહીત થઈ છે. આ સંપાદનોમાં એમનો હાસ્યપ્રેમ તો પ્રગટ થાય જ છે; પરંતુ એ સાથે એમનો વિવિધ ભાષાઓના હાસ્યસાહિત્યનો તેમજ એમની નરવી પરિષ્કૃત હાસ્યર્દષ્ટિનો પણ સુચારુ પરિચય મળે છે.
‘વિનોદવિમર્શ’ (1985) પૂર્વ પશ્ચિમમાં થયેલી હાસ્યવિચારણાનો ઊંડો અભ્યાસ કરીને લખાયેલું હાસ્યમીમાંસાનું પુસ્તક છે. પૂર્વપશ્ચિમની હાસ્યવિચારણાને લેખકે પૂરેપૂરી આત્મસાત્ કરી છે એ તો ખરું જ, પણ આ વિચારણાને પોતાના સ્વતંત્ર અભિપ્રાય સાથે સષ્ટાંત રજૂ કરી, લેખકે પોતાની વિવેચનશક્તિનો પણ ઠીક પરિચય કરાવ્યો છે.
વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ (1995–1997) શોભાવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકદામીનાં મહત્તમ મર્યાદામાં મળવાપાત્ર પારિતોષિકો (6 પારિતોષિકો) એેમને મળ્યાં છે. ‘ઇદમ્ ચતુર્થમ્’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’ (1974), ‘વિનોદની નજરે’ માટે કુમારચંદ્રક (1976) તથા હાસ્યસાહિત્યક્ષેત્રે વિશિષ્ટ અર્પણ માટે ગુજરાતી ભાષાસાહિત્યના સર્વોચ્ચ સન્માનરૂપ રણજિતરામ સુવર્ણચંદ્રક એમને એનાયત થયેલ છે.
એમનાં 6 પુસ્તકો હિન્દીમાં અને 2 પુસ્તકો સિંધીમાં અનૂદિત થયાં છે.
રતિલાલ બોરીસાગર