ભટ્ટ, ભાસ્કર (દસમી સદી) : તૈત્તિરીય શાખાના કૃષ્ણ યજુર્વેદ પરના ભાષ્યના રચયિતા. વૈદિક ભાષ્યકારોમાં આચાર્ય સાયણ પૂર્વેના ભાષ્યકારોમાં ભટ્ટ ભાસ્કરમિશ્રનું મહત્વ સૌથી વધુ છે. ભટ્ટ ભાસ્કર કૌશિક ગોત્રના તેલુગુ બ્રાહ્મણ હતા. ઉજ્જયિનીમાં એમનો નિવાસ હતો. એમનો સમય દસમી સદી નિશ્ચિત થઈ શકે તેમ છે. સાતમી સદીના ઉત્તરાર્ધમાં થયેલા જયાદિત્ય અને વામનની ‘કાશિકા’ વૃત્તિમાંથી તેઓ અવતરણ આપે છે તો અગિયારમી સદીમાં થયેલા પ્રસિદ્ધ વૈદિક વિદ્વાન હરદત્ત પોતાના ભાષ્યમાં ભાસ્કરના ભાષ્યની વિશેષ સહાય લે છે. કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતા ઉપર ભટ્ટ ભાસ્કરનું ‘જ્ઞાનયજ્ઞ’ નામનું ભાષ્ય છે. આચાર્ય સાયણ પૂર્વેનાં આ સંહિતા ઉપરનાં ભાષ્યોમાંથી પરિપૂર્ણ સ્વરૂપમાં પ્રાપ્ત હોય તેવું આ એક જ ભાષ્ય છે. તે સુંદર રીતે સંપાદિત થઈને પ્રકાશિત થયું છે. આ ભાષ્યનું સર્વપ્રથમ પ્રકાશન તૈત્તિરીય સંહિતા સાથે 1894માં મૈસૂરથી ગવર્નમેન્ટ ઓરિયેન્ટલ લાઇબ્રેરી સીરીઝમાં થયું છે. ભાષ્ય પરથી જણાય છે કે ભટ્ટ ભાસ્કરમિશ્ર શિવના ઉપાસક હતા. તેમને વૈદિકી સ્વરપ્રક્રિયાનું સારું એવું જ્ઞાન હતું. વૈદિક સાહિત્યમાં એમનો ભાષ્યગ્રંથ અત્યન્ત મહત્વપૂર્ણ છે. તે પોતાના ભાષ્યમાં વેદમંત્રોના યજ્ઞપરક અર્થ ઉપરાંત આધ્યાત્મિક અર્થ પણ આપે છે. પાણિનીય સૂત્રોને આધારે કેટલાય શબ્દોની વ્યુત્પત્તિ તેઓ આપે છે. જેમ કે એક પ્રસિદ્ધ મંત્રમાં ‘હંસ’નો યજ્ઞપરક અર્થ ‘આદિત્ય’ આપે છે અને પછી આધ્યાત્મિક અર્થ ‘આત્મા’ આપે છે. સાયણે પોતાના ભાષ્યમાં ભટ્ટ ભાસ્કરના ‘જ્ઞાનયજ્ઞ’ ભાષ્યમાંથી ઘણાં ઉદ્ધરણો આપ્યાં છે. તેમના ભાષ્યમાં અંગો અને ઉપાંગો ધરાવતી આદર્શ ભાષ્યની વિશિષ્ટ શૈલી જોવા મળે છે. ‘નિઘણ્ટુ’ના ભાષ્યકાર દેવરાજ યજવા પણ આ બાબતમાં તેમના નિર્દેશો આપે છે. ભાસ્કરભાષ્ય ભારે વિદ્વત્તાથી પૂર્ણ છે. પોતાના સમર્થનમાં એ અનેક વૈદિક ગ્રંથોમાંથી અવતરણો આપે છે. વિલુપ્ત થયેલા વેદિક નિઘણ્ટુઓમાંથી પણ પ્રમાણો લાવી આપે છે. ભટ્ટ ભાસ્કરે આ ભાષ્ય લખ્યા પછી તૈત્તિરીય બ્રાહ્મણો અને આરણ્યક ઉપર પણ ભાષ્ય રચ્યાં હોય તેવા નિર્દેશો મળે છે. તૈત્તિરીય સંહિતા પર ક્ષુર, વેંકટેશ, બાલકૃષ્ણ, શત્રુઘ્ન વગેરેએ ભાષ્યો લખ્યાં છે, છતાં તે હાલ સંપૂર્ણ રીતે ઉપલબ્ધ નથી.
રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા