ભટ્ટ (ભટ્ટાચાર્ય), ગદાધર (જ. આશરે સત્તરમી સદી, લક્ષ્મીપુરા, જિ. બોગ્રા, પૂર્વ બંગાળ; અ. ? ) : નવ્યન્યાયશાસ્ત્રની બંગાળની નદિયા (= નવદ્વીપ) શાખાના એક મહાન નૈયાયિક. તેમના પિતાનું નામ જીવાચાર્ય. હરિરામ તર્કવાગીશની પાસે તેમણે નવ્યન્યાયનું અધ્યયન કર્યું હતું. ગુરુના અવસાન બાદ તેઓ પાઠશાળાના આચાર્ય બન્યા; પરંતુ વિદ્યાર્થીઓએ તેમને આચાર્ય તરીકે સ્વીકાર્યા નહિ. આનું એક કારણ એ હતું કે તેઓ પૂર્વ બંગાળમાં જન્મ્યા હતા. બીજું, તેઓ ન્યાયપરંપરાના પંડિતના પુત્ર ન હતા. તદુપરાંત, તેમને ‘શિરોમણિ’ની પદવી મળી ન હતી. તેથી તેમણે એ પાઠશાળા છોડી દીધી અને ગંગાકિનારે પોતાની સ્વતંત્ર પાઠશાળા શરૂ કરી. તે પાઠશાળાની આસપાસ તેમણે એક ઉદ્યાન બનાવ્યો. તેમાં એમની એક યુક્તિ હતી. વિદ્યાર્થીઓ જ્યારે તે ઉદ્યાનમાં પુષ્પો ચૂંટવા આવતા ત્યારે ગદાધર વૃક્ષને સંબોધીને નવ્યન્યાયના અઘરા કોયડાના સરલ ઉકેલ કહેવા લાગતા. આનાથી આકર્ષાઈને વિદ્યાર્થીઓ તેમની પાઠશાળામાં આવવા લાગ્યા.
ગંગેશ ઉપાધ્યાયના નવ્યન્યાયના મૂળભૂત ગ્રંથ ‘તત્વચિન્તામણિ’ પરની રઘુનાથ શિરોમણિની ‘દીધિતિ’ ટીકા ઉપર ગદાધરે ‘પ્રકાશિકા’ ટીકા રચી. આ ટીકાને કારણે તેમની કીર્તિ ખૂબ પ્રસરી અને તેમના સમયમાં તેઓ એક મહાન નૈયાયિક તરીકે ઓળખાવા લાગ્યા. ગદાધરે લખેલી ટીકાઓ ‘ગદાધરી’ નામે પ્રચલિત થઈ. આ ટીકાઓ આખા ભારતમાં, ખાસ કરીને દક્ષિણ ભારતમાં, સર્વત્ર પ્રસરી ગઈ. તેમણે રચેલી ટીકાઓ આ પ્રમાણે છે : (1) ‘તત્વચિન્તામણિ’ ઉપર વ્યાખ્યા (2) ‘તત્વચિન્તામણિ’ ઉપરની જયદેવની ‘આલોક’ ટીકા ઉપર ટીકા વગેરે. તદુપરાંત, તેમણે કેટલાક વાદગ્રંથો રચ્યા હતા. (1) આખ્યાનવાદ, (2) કારકવાદ, (3) નઞ્વાદ, (4) બુદ્ધિવાદ, (5) મુક્તિવાદ, (6) વિધિવાદ, (7) વિષયતાવાદ, (8) વ્યાપ્તિવાદ, (9) શક્તિવાદ, (10) સ્મૃતિસંસ્કારવાદ, (11) શબ્દપ્રામાણ્યવાદ-રહસ્ય અને (12) વ્યુત્પત્તિવાદ. આ ઉપરાંત તેમણે હેત્વાભાસ ઉપર ‘સામાન્યનિરુક્તિ-ટીકા’ નામનો ગ્રંથ રચેલો છે. પાણિનિપરંપરાના પ્રસિદ્ધ વૈયાકરણોએ પણ ગદાધરના ‘વ્યુત્પત્તિવાદ’ ગ્રંથનો આદર કરેલો છે. વળી ‘સામાન્યનિરુક્તિટીકા’ નામનો હેત્વાભાસ ઉપરનો ગ્રંથ આપણને પ્રતીતિ કરાવે છે કે તેમનામાં ગ્રંથવિષયને ભેદીને પ્રવેશવાની સૂઝ અને નિરીક્ષણની અદભુત શક્તિ હતી.
ગદાધર સંપૂર્ણ તાર્કિક હતા. કહેવાય છે કે મૃત્યુશય્યા ઉપર તેઓ હતા ત્યારે પણ તેમણે ઈશ્વરને યાદ કરવાને બદલે पीलव: पीलव: એમ બોલીને સૃષ્ટિના કારણરૂપ તત્વ પરમાણુઓને યાદ કર્યા હતા.
ગદાધરે નવ્યન્યાયના ક્ષેત્રે પર્યાપ્તિ-સંબંધની વિચારસરણીને ખૂબ વિકસિત કરી હતી. ન્યાયની પરિભાષામાં સંખ્યાવાચક ગુણ એક સાથે, એક કરતાં વધારે આશ્રયોમાં જે સંબંધથી રહે તેને પર્યાપ્તિ-સંબંધ કહે છે. રઘુનાથની કૃતિઓ ઉપરની ટીકાઓમાં ગદાધર સૌથી વધુ મૌલિક હતા. તેમનાં સમયમાં નવ્યન્યાયની કીર્તિ તેની ચરમ સીમાએ પહોંચી હતી. આખા ભારતમાંથી વિદ્યાર્થીઓ નવ્યન્યાય શીખવા બંગાળમાં નવદ્વીપમાં આવતા. ગદાધરના પછી નવદ્વીપમાં નવ્યન્યાયનો વિકાસ પ્રાય: અટકી ગયો.
લક્ષ્મેશ વ. જોશી