ભટ્ટ, બ્રહ્મકુમાર (જ. 8 ઑક્ટોબર 1921, અમદાવાદ; અ. 6 જાન્યુઆરી 2009, અમદાવાદ) : મહાગુજરાત આંદોલનના અગ્રણી નેતા, ગુજરાતના અગ્રણી રાજકારણી અને સાંસદ. પિતા રણછોડલાલ; માતા ધનલક્ષ્મી. મધ્યમવર્ગીય પરિવારમાં જન્મેલા આ સાંસદે તેમનું પ્રાથમિક શિક્ષણ ઇન્દુલાલ યાજ્ઞિક સ્થાપિત નવી ગુજરાતી શાળામાં મેળવ્યું. આ શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ – બંને માટે ખાદીનો પહેરવેશ ફરજિયાત હતો. 1930માં ગાંધીજી આ શાળાની મુલાકાતે આવ્યાનું બ્રહ્મકુમારભાઈને પાકું સ્મરણ છે. શાળામાં રાષ્ટ્રીયતાભર્યું વાતાવરણ અને અભિગમ પ્રચલિત હોવાથી બાળપણથી જ તેમને રાષ્ટ્રીય ભાવનાનું ભાથું સાંપડ્યું. વધુમાં તેમની માતા પણ તેમને આ ક્ષેત્રે પ્રોત્સાહન આપતાં. તેથી જાહેર જીવનમાં જોડાવાની મહેચ્છા તેમના બાલમાનસ પર છવાયેલી રહેતી. શાલેય અભ્યાસ અમદાવાદની સિટી હાઈસ્કૂલમાં કર્યો. જ્યાંથી મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતા.
ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમદાવાદની ગુજરાત કૉલેજમાં જોડાયા અને ઇતિહાસ તથા અર્થશાસ્ત્રના વિષયો સાથે સ્નાતક થયા. ત્યારબાદ સર એલ. એ. શાહ લૉ કૉલેજમાંથી કાયદાના સ્નાતકની પદવી મેળવી. આ વર્ષો દરમિયાન આ શિક્ષણ-સંસ્થાઓ મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી હતી. તેઓ 1941માં વીરબાળાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. આ જ અરસામાં તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો અને 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો. લડતમાં સક્રિય ભાગ લેવા બદલ તેમની ધરપકડ થયેલી અને 1943માં જેલવાસ ભોગવ્યો હતો.
પ્રારંભે પત્રકારત્વનું ક્ષેત્ર પસંદ કરીને તેઓ ‘ગુજરાત સમાચાર’માં 1945માં ઉપતંત્રી તરીકે જોડાયા (1945–49). જોકે અહીં તેમને દૈનિક સમાચારની કામગીરી દરમિયાન અનુભવભાથું સારું મળ્યું.
વિદ્યાર્થીઓ સાથેના સતત સંપર્કને કારણે તેમણે વિદ્યાર્થી નેતૃત્વની દિશામાં પગરણ માંડ્યાં અને ગુજરાતમાં વિદ્યાર્થી લડતનાં મંડાણ કર્યાં. ત્યારબાદ સક્રિય રાજકીય જીવનમાં પ્રવેશીને સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે અમદાવાદ નગરની મ્યુનિસિપલ ચૂંટણીમાં ઉમેદવારી કરી અન્ય વૉર્ડોના ઉમેદવારોની સરખામણીમાં સૌથી વધુ મત પ્રાપ્ત કરી વિજયી બન્યા. 1952થી ’56 અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય બની રહ્યા. 1955માં ભાષાવાર પુનર્રચના કાયદા હેઠળ 1956માં દ્વિભાષી મુંબઈ રાજ્યની રચના થતાં તેનો વિરોધ કર્યો અને 1956માં મહાગુજરાત આંદોલનની દિશામાં સંગઠન ઊભું કરવા પ્રયાસો કર્યાં. 1957માં મુંબઈ વિધાનસભામાં ચૂંટાયા અને ગુજરાતનું સ્વતંત્ર રાજ્ય સ્થપાય એ હેતુ માટે ‘મહાગુજરાત જનતા પરિષદ’ની રચના થઈ ત્યારે તેમાં જોડાયા અને આ સંસ્થાના પ્રથમ મહામંત્રી બન્યા અને મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભાગ લીધો.
1960માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થતાં તેઓ થોડોક સમય કંઈક નિષ્ક્રિય બન્યા. 1977થી ’81 સુધી તેઓ ઇફકો(IFFCO)માં તથા ઑગસ્ટ 1990થી એપ્રિલ ’95 સુધી ગુજરાત વિદ્યુત બોર્ડના ચૅરમૅન રહ્યા. 1996માં ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા. ‘ઇફકો’ના ચૅરમૅન-પદે હતા ત્યારે તેમને વિવિધ દેશોનો પ્રવાસ કરવાની તક સાંપડી. 1979માં સોવિયેત રૂસનો અને 1980માં અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની અને સ્વિટ્ઝર્લૅન્ડનો પ્રવાસ ખેડ્યો. આ જ વર્ષે પછીથી તેમણે ઝામ્બિયા, કેન્યા અને રહોડેશિયા જેવા આફ્રિકાના દેશોનો પ્રવાસ પણ ખેડ્યો.
આ બધી કામગીરી કરવા ઉપરાંત તેમણે પોતાના આર્થિક સ્રોતો જનસેવાના કામમાં પ્રયોજ્યા અને 51 લાખ રૂપિયાના દાનથી ‘સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ’ શરૂ કર્યું અને તેના નેજા નીચે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની જૂની અને જાણીતી વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલમાં ‘સ્કૂલ ઑવ્ ફિઝિયૉથેરાપી’ની શરૂઆત કરી. વધુમાં બાળકોના વિભાગમાં બાળકોની દવાઓ માટે પ્રત્યેક મહિને એક લાખ રૂપિયા કાયમી ધોરણે મળી રહે તેવી જોગવાઈ તેમણે કરી છે.
‘લેકે રહેંગે મહાગુજરાત’ (1993) અને ‘રંગ જાય ના જવાન’ (1996) નામની તેમની પુસ્તિકાઓ પ્રકાશિત થઈ છે.
રક્ષા મ. વ્યાસ