ભટ્ટ (પં.), ભોલાનાથ (જ. 1894, દરભંગા; અ. 16 મે 1970, અલાહાબાદ) : હિંદુસ્તાની સંગીતના જાણીતા ગાયક કલાકાર. પિતાનું નામ મુનશીલાલ પોતે એક સારા ગાયક હતા. તેમના દાદા સાધો ભટ્ટ દરભંગાના મહારાજાના દરબારી ગાયક હતા.
ભોલાનાથની સંગીતની પ્રાથમિક તાલીમ પિતા પાસે થઈ. તેઓ 19 વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ત્યારબાદ શામસુંદર ભટ્ટ નામના એમના એક દૂરના મામા પાસે આદમગઢમાં તેમનું સંગીતશિક્ષણ થયું. ત્યારબાદ મિઠ્ઠુખાં નામના કૉલકાતામાં રહેતા એક નિષ્ણાત ગાયક પાસેથી તથા રામપુરના પ્રસિદ્ધ ખાંસાહેબ વજીરખાં પાસેથી તેમણે બંદિશોની સઘન તાલીમ લીધી. ખૂબ મહેનત, કેળવાયેલું ગળું અને ઉત્તમ બંદિશોની રજૂઆતને લીધે તેમણે ગવૈયા તરીકે ખૂબ નામના મેળવી.
શરૂઆતમાં ધ્રુપદ અને ટપ્પાની તાલીમ અને ત્યારબાદ ખયાલગાયનની અને એથી આગળ વધીને ઠૂમરી-ગાયનની તાલીમ મેળવી તેમાં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી હતી. તેમની પાસેનો ઠૂમરીની બંદિશોનો સંગ્રહ ખૂબ વિશાળ હતો. અલાહાબાદમાં રહેતી કેટલીક ગાયિકાઓ પણ તેમની પાસે શીખવા આવતી. 1935થી તેઓ અલાહાબાદમાં જ સ્થાયી થયા. ‘નંગેબાબા’ના નામથી જાણીતા સ્વામી અવધ-બિહારીદાસને ભોલાનાથજીએ પોતાના ધર્મગુરુ માન્યા હતા અને તેમના અંતકાળ સુધી તેઓ તેમની સાથે રહ્યા હતા. ભોલાનાથજીનું સંગીત તેમના ગુરુને ખૂબ જ ગમતું હતું અને તેથી ગુરુએ સમાધિ લેતી વખતે પોતાની પાસેની બધી મિલકત ભોલાનાથજીને આપી હતી. આને કારણે તેમને જીવનનિર્વાહનો પ્રશ્ન ન રહ્યો. તેમણે અનેક વિદ્યાર્થીઓને સંગીત શીખવ્યું. પ્રયાગ સંગીત સમિતિમાં પણ ઉચ્ચ ગાયકી શીખવવા માટે તેમની નિમણૂક થઈ હતી. અલાહાબાદ તથા આજુબાજુના વિસ્તારમાં તેમને ઘણું માન મળ્યું હતું.
નીના ઠાકોર