ભટ્ટ, નાયક (નવમી સદી) : કાશ્મીરના આલંકારિક આચાર્ય. તેઓ ઉદભટ, લોલ્લટ અને શંકુક પછી ભરતનાટ્યશાસ્ત્રના ચોથા મહાન વ્યાખ્યાકાર છે. અભિનવગુપ્ત દ્વારા જ આપણને તેમનો પરિચય પ્રાપ્ત થાય છે. ભરતના નાટ્યશાસ્ત્ર પરની ટીકા ‘અભિનવભારતી’માં 6થી વધુ વાર અભિનવગુપ્તે તેમનો ઉલ્લેખ કર્યો છે. તેમના જીવન વિશે ખાસ કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. કદાચ તેઓ આનંદવર્ધનના સમકાલીન હતા અને કાશ્મીરનરેશ અવન્તિવર્મા(ઈ.સ. 855–884)ના રાજકવિ હતા.
અભિનવગુપ્ત ઉપરાંત મહિમ ભટ્ટ, રુય્યક, મમ્મટ, હેમચંદ્ર, માણિક્યચંદ્ર અને જયરથે તેમનો ઉલ્લેખ કર્યો છે. રસસૂત્રની વ્યાખ્યાના સંદર્ભમાં હેમચન્દ્રથી માંડીને લગભગ બધા જ આલંકારિકો તેમનો નાયક કે ‘ભટ્ટ નાયક’ રૂપે નિર્દેશ કરે છે. ભટ્ટ નાયક ધ્વનિવિરોધી આચાર્ય હતા. ‘લોચન’ અનુસાર તેમણે આ અંગે (= ધ્વનિધ્વંસ માટે) ‘હૃદયદર્પણ’ નામનો ગ્રંથ રચ્યો હતો. પરંતુ આજે તે અનુપલબ્ધ છે. મહિમ ભટ્ટે ‘વ્યક્તિવિવેક’માં ‘હૃદયદર્પણ’નો ઉલ્લેખ કર્યો છે. પરંતુ તેમાં ‘તેમની બુદ્ધિ સહસા યશ મેળવવા માટે ‘દર્પણ’ જોયા વગર જ અભિસાર કરવા ગઈ’ એવું જણાવ્યું હોવાથી તેમણે આ ગ્રંથ જોયો ન હતો, એમ ફલિત થાય છે.
કાવ્યશાસ્ત્રમાં રસસિદ્ધાન્તના સંદર્ભમાં ભટ્ટનાયકનો મત ‘ભુક્તિવાદ’ તરીકે ઓળખાય છે. ‘સાધારણીકરણ’નો સિદ્ધાંત એ તેમનું મોટું પ્રદાન છે. અભિનવગુપ્તે પણ થોડાંઘણાં સંશોધનો સાથે ભટ્ટનાયકનો એ સિદ્ધાંત સ્વીકાર્યો છે. જોકે ભટ્ટનાયકે વ્યંજનાવૃત્તિનો સ્વીકાર કર્યો ન હતો અને એને સ્થાને ભાવકત્વ અને ભોજકત્વ નામના બે નવા વ્યાપારોનું સ્થાપન કર્યું હતું. કાવ્યમાં પણ તેઓ આ વ્યાપારોને વિશેષ મહત્વ આપતા હતા.
ભરતના રસસૂત્રની ભટ્ટનાયક અનુસાર જે સમજૂતી છે તે અભિનવગુપ્ત તેમની ‘અભિનવભારતી’માં નીચે મુજબ મૂકે છે :
રસ આત્મગત, તટસ્થ કે અભિવ્યક્ત થતો નથી, પરંતુ કાવ્ય-નાટ્યમાં ગુણના ઉપાદાન અને દોષના હાનરૂપ અને ચતુર્વિધ અભિનયરૂપ ભાવકત્વવ્યાપાર પ્રસ્ફુરિત થાય છે અને કાવ્યના વાંચન કે શ્રવણ અને નાટકના દર્શન સમયે મોહરૂપી સંકટનું નિવારણ થતાં વિભાવાદિનું સાધારણીકરણ સિદ્ધ થાય છે. આમ ભાવકત્વ વ્યાપાર વડે ભાવ્યમાન થતો રસ, અનુભવ, સ્મૃતિ વગેરેથી ભિન્ન રજોગુણ અને તમોગુણના અનુવેધના સૌન્દર્યબળથી ચિત્તના યુતિ, વિસ્તાર અને વિકાસરૂપ સત્વનો ઉદ્રેક થાય છે. આથી ભાવકને પ્રકાશ અને આનંદમય એવી પોતાની સંવિત્(ચેતના)ની વિશ્રાંતિરૂપ પરબ્રહ્માસ્વાદ-સહોદરરૂપ ભોગ નામના વ્યાપારથી આસ્વાદાય છે.
પરંતુ અભિનવગુપ્ત ભોગને પણ પ્રતીતિવિશેષ ગણે છે અને ‘આ બે વ્યાપારો સ્વીકારીને ભટ્ટ નાયકે ગૌરવ(લંબાણ)દોષ વહોર્યો છે’, એવી દલીલો આપી ભટ્ટ નાયકનું ખંડન કરે છે.
આમ છતાં, ભટ્ટ નાયકે શબ્દપ્રધાન વેદ, અર્થપ્રધાન સ્મૃતિ વગેરે શાસ્ત્રથી રસપ્રધાન એવા ‘કાવ્ય’ને જુદું તારવી કાવ્યનું યથોચિત ગૌરવ કર્યું છે. ટીકાકાર શ્રીધરના એક ઉલ્લેખ પરથી તો એમ કહી શકાય કે કાવ્યને ‘કાન્તાસંમિત’ કહેવા માટે મમ્મટે ભટ્ટ નાયક પાસેથી પ્રેરણા મેળવી છે.
પારુલ માંકડ