ભટ્ટ, નાનાભાઈ (નૃસિંહપ્રસાદ) કાલિદાસ (જ. 11 નવેમ્બર 1882, બરવાળા; અ. 31 ડિસેમ્બર 1961, સણોસરા) : પ્રયોગશીલ સમર્થ કેળવણીકાર અને સાહિત્યકાર. ભાવનગરમાંથી 1903માં મુંબઈ યુનિવર્સિટીના વેદાંત અને અંગ્રેજી સાથે બી.એ. અને 1907માં ઇતિહાસ-અર્થશાસ્ત્ર સાથે એમ.એ. થયા. પછી એસ. ટી. સી. થયા. થોડો સમય ઇતિહાસ-અર્થશાસ્ત્રના અધ્યાપક. પછી ભાવનગર, આંબલા અને સણોસરાની શિક્ષણ-સંસ્થાઓની સ્થાપના કરી અને તેમાં અધ્યાપનકાર્ય કર્યું. ‘છાત્રાલય’ અને ‘કોડિયું’ માસિક તથા ‘દક્ષિણામૂર્તિ’ ત્રૈમાસિકના તંત્રી. 1926માં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક તથા 1948માં સૌરાષ્ટ્ર રાજ્યના શિક્ષણપ્રધાન તથા રાજ્યસભાના નિયુક્ત સભ્ય. 1960માં ‘પદ્મશ્રી’નો ઇલકાબ મળ્યો.
નાનાભાઈની ભાષામાં શિષ્ટતા અને તળપદી વાણીના બળનો સુંદર સમન્વય હતો. તેમણે લોકકેળવણીના ખ્યાલથી લેખન કર્યું. 1920માં ‘આપણા દેશનો ઇતિહાસ’માં ચરિત્રકેન્દ્રી ઇતિહાસનો વિશિષ્ટ અભિગમ એમણે રજૂ કર્યો છે. ‘હઝરત મહમ્મદ પયગમ્બર’માં ધાર્મિક એકતાનો સંદેશો રજૂ કર્યો છે. તેમણે ‘મહાભારતનાં પાત્રો’ (13 પુસ્તિકાઓ : 1929થી ’34) અને ‘રામાયણનાં પાત્રો’(6 પુસ્તિકાઓ : 1934થી ’44)નાં 19 પુસ્તકોમાં મહાભારત-રામાયણનાં મુખ્ય પાત્રોનું અર્વાચીન જીવનમૂલ્યોના સંદર્ભમાં નૂતન અર્થઘટન કર્યું છે. કલ્પનાશીલતા, ઓજસ્વી અને લક્ષ્યવેધી શૈલી, માર્મિક સંવાદશક્તિ અને મૌલિક ચિંતનશીલતાનો તેમાં વિનિયોગ થયો છે. ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું પાત્રાલેખન પ્રથમ વાર થયું છે. એનું સરલ રૂપ તે ‘લોકભારત’ (1952) અને ‘લોકરામાયણ’ (1955). ‘હિન્દુ ધર્મની આખ્યાયિકાઓ’ ભાગ 1-2 (1928/’33) અને ‘ભાગવતકથાઓ’ (1945) સરળ-મધુરરૂપમાં લખાયેલી, કથનશૈલીના સંદર નમૂનારૂપ, પૌરાણિક આખ્યાયિકાઓ છે. ‘શ્રીમદ્ લોકભાગવત’(1945)માં ભાગવતનાં રૂપકોનું નૂતન અર્થઘટન લોકગમ્ય રીતે રજૂ થયું છે.
‘ર્દષ્ટાંતકથાઓ’ ભાગ 1-2 (1947/’53) ટૂંકી વાર્તાની નજીક જતી ચોટદાર જીવનઘટનાઓ છે. ‘ઘડતર અને ચણતર’ (1954) ગાંધીજીની આત્મકથા પછી મોખરાનું સ્થાન ધરાવતી, ધ્યેયનિષ્ઠાને વ્યક્ત કરતી, કેળવણીના પ્રયોગોનો આલેખ આપતી પારદર્શક સુઘડ ગદ્યમાં લખાયેલી આત્મકથા છે. ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસની અર્ધી સદીનું ચિત્ર પણ તેમાંથી મળે છે. ‘ગૃહપતિને’ (1934) તથા ‘કેળવણીની પગદંડી’ (1946) અનુભવમૂલક શિક્ષણચિંતનના મૂલ્યવાન ગ્રંથો છે. ‘બે ઉપનિષદો’, ‘ભારતીય સંસ્કૃતિ શું છે ?’ અને ‘પથારીમાં પડ્યાં પડ્યાં’(1961)માં ધર્મતત્વોનું તાજગીભર્યું ચિંતન છે. કેળવણી-ક્ષેત્રના પ્રયોગોમાં વ્યસ્ત નાનાભાઈનું સાહિત્યલેખન ઝાઝું નથી; પરંતુ ધર્મચિંતન તથા આત્મકથાના તેમજ કિશોરો માટેના સાહિત્યમાં તેમનું અવિચલ સ્થાન છે.
મનસુખ સલ્લા