ભટ્ટ, ધ્રુવ (જ. 8 મે 1947, નિંગાળા, જિ. ભાવનગર) : નવલકથાકાર, કવિ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ભાવનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લાઓનાં અલગ અલગ ગામોમાં. એસ. વાય. બી. કોમ. સુધી અભ્યાસ (1972). પિતા પ્રબોધરાય કવિ. આથી ગળથૂથીમાંથી સાહિત્ય-સંસ્કાર. ઇજનેરી કારખાનામાંથી મૅનેજર તરીકે નિવૃત્ત. હાલ નચિકેતા ટ્રસ્ટ વતી વલસાડ જિલ્લાના ધરમપુર પાસેની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભ્યાસક્રમના વિષયો સમજવામાં મદદ કરવાનું અને અભ્યાસક્રમમાં ન હોય તેવા વિષયોમાં રસ જગાડવાનું કાર્ય. નિરુદ્દેશે રખડવાનો શોખ. લોકોને, વિદ્યાર્થીઓને મળવું, અજાણ્યાં કુટુંબો સાથે રહેવું, બાળકોને નદી-દરિયાકાંઠે, ટાપુઓ પર, જંગલોમાં ફરવા લઈ જવાં, વાર્તાઓ કહેવી, વિદ્યાર્થીઓ માટે સ્વ-અધ્યયનની તકો ઊભી કરવી, ફોટા પાડવા, લખવું વગેરે શોખ.

લેખનની શરૂઆત ‘ખોવાયેલું નગર’ (1982) નામે કિશોરકથાથી કરી. દ્રૌપદીના પાત્રને કેન્દ્રમાં રાખીને ‘અગ્નિકન્યા’ (1988) નવલકથા લખી. ‘સમુદ્રાન્તિકે’(1993)થી તેઓ પ્રતિષ્ઠિત થયા. ‘સમુદ્રાન્તિકે’ને દરિયાકાંઠાની ભ્રમણકથા તરીકે ઓળખાવી શકાય. ‘સમુદ્રાન્તિકે’ને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગ્રામીણ નવલકથા માટે તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રવાસ/નિબંધ માટે પારિતોષિક પ્રાપ્ત થયાં હતાં. લેખકને સાદી, સુઘડ, સરળ શૈલીમાં, શબ્દાડંબર વિના, ભ્રમણકથા લખવાની ફાવટ છે. ભ્રમણકથામાં તળનાં પાત્રો-ચરિત્રો ઉમેરાતાં જાય ને કથાનું વહેણ આગળ વધતું જાય. લેખકને પ્રવાસનો, લોકોને મળવાનો, અજાણ્યા પરિવારો સાથે રહેવાનો શોખ હોઈ કથામાં અનુભવોની સચ્ચાઈ ઉમેરાય છે; જે ભાવકને સ્પર્શી જાય છે. લેખક પોતાની કૃતિઓને ‘લખાણ’ તરીકે ઓળખાવે છે. કોઈ સ્વરૂપનું લેબલ લગાવતા નથી. ‘તત્ત્વમસિ’(1998)માં આદિવાસી પાત્રોચરિત્રોકથાઓને તથા ભારતીય સંસ્કૃતિના તત્ત્વને લેખકે નર્મદાકાંઠાના ભ્રમણના દોરમાં ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. નર્મદાકાંઠાના ભ્રમણના તથા આદિવાસીઓ વચ્ચે રહેવાના અનુભવોની સચ્ચાઈ સ્પર્શી જાય છે. ભાષા દ્વારા સંવેદનોને, સૌંદર્યને વ્યક્ત કરવાના પડકારો ઝીલી શકાયા હોત; જે લેખકે ટાળ્યું છે. ‘તત્ત્વમસિ’ કૃતિ સાહિત્ય અકાદમી, દિલ્હી; ગુજરાત સાહિત્ય અકાદમી તથા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુરસ્કૃત થઈ છે. ‘અતરાપી’(2001)માં સારમેય તથા કૌલેયક જેવાં ગલૂડિયાંમાંથી વિકાસ પામતા કૂતરાનાં પાત્રો છે; જે માણસની જેમ બોલે-વર્તે છે. કૌલેયકનું વિશ્વ આશ્રમના પરિસર પૂરતું મર્યાદિત છે. સારમેય નદી-નાળાં, સમુદ્રકાંઠો, વગડો, નવાં સ્થળો, નવા લોકો વચ્ચે રઝળપાટ કરતો રહે છે અને એ થકી એની ઊર્ધ્વગામી સફર ચાલતી રહે છે. આ કથામાં સ્વ-ની શોધ દ્વારા ઊર્ધ્વગતિ પામવાની મથામણ છે. ‘અતરાપી’ને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. ‘ગાય તેનાં ગીત’ (2003) તેમનો ગીતસંગ્રહ છે.

યોગેશ જોશી