ભટ્ટ, જયંત (નવમી સદીનો ઉત્તરાર્ધ) : ભારતીય ન્યાયદર્શનના વિદ્વાન લેખક. અપ્રતિમ પ્રતિભાશાળી જયંત ભટ્ટ કાશ્મીરના રાજા શંકરવર્માના રાજ્યકાળ(ઈ.સ. 885–902)માં થયા. તેઓ પોતાની ‘ન્યાયમંજરી’માં શંકરવર્માને ધર્મતત્વજ્ઞ તરીકે વર્ણવે છે અને એક સ્થળે જણાવે છે કે તે રાજાએ પોતાને કેદ કર્યો હતો અને ત્યાં રહીને જ પોતે પ્રસિદ્ધ ‘ન્યાયમંજરી’ની રચના કરી હતી. શંકરવર્માએ જયંતને શા માટે કેદ કર્યા હતા તે એક કોયડો છે. જયંતે ‘ન્યાયમંજરી’માં ધ્વનિસિદ્ધાંત અને ધ્વનિકારનો નિર્દેશ કર્યો છે. વળી, જયંતના પુત્ર અને ‘કાદમ્બરી’ કથાસારેના કર્તા અભિનન્દના કહેવા પ્રમાણે જયંતના વડદાદા રાજા લલિતાદિત્યના (ઈ.સ. 750) મંત્રી હતા. ઉપરાંત અભિનન્દ જણાવે છે કે તેમના વડવાઓએ મૂળ ગૌડદેશમાંથી આવી કાશ્મીરમાં વસવાટ કર્યો હતો. તેમનું ગોત્ર ભારદ્વાજ હતું અને જયંતના પિતાનું નામ ચંદ્ર હતું. જયંત ‘ન્યાયમંજરી’માં એક સ્થળે જણાવે છે કે તેમના પિતામહે ગામ મેળવવાની કામનાથી સાંગ્રહિણી ઇષ્ટિ કરી હતી અને ઇષ્ટિસમાપ્તિ પછી તુરત જ તેમને ‘ગૌરમૂલક’ નામનું ગામ મળ્યું હતું. ‘ન્યાયમંજરીગ્રંથિભંગ’ના કર્તા ચક્રધર અનુસાર રાજા શંકરવર્માના હુકમથી જયંતે અનેક વર્ષ ખસદેશમાં વિતાવ્યાં હતાં.
અત્યાર સુધીમાં જયંત ભટ્ટના ત્રણ ગ્રંથો પ્રકાશિત થયા છે – ‘ન્યાયકલિકા’, ‘આગમડમ્બર’ અને ‘ન્યાયમંજરી’. આ સંસ્કૃત રચનાઓ છે. ‘ન્યાયકલિકા’ ન્યાયસૂત્રો ઉપરની સંક્ષિપ્ત ટીકા છે. જયંત પોતે કહે છે તેમ, અજાતરસનિષ્યંન્દવાળી અને અનભિવ્યક્ત-સૌરભવાળી આ તો ન્યાયની કલિકા જ માત્ર છે. ‘આગમડમ્બર’ એક વિશિષ્ટ સંસ્કૃત નાટક છે. ‘ન્યાયમંજરી’ ચૂંટેલાં ન્યાયસૂત્રો ઉપરની ટીકા છે, છતાં તેનું સ્વરૂપ એક સ્વતંત્ર ન્યાયગ્રંથનું છે. આ ઉપરાંત કેટલાક વિદ્વાનોને મતે જયંતે ‘અષ્ટાધ્યાયી’ ઉપર વૃત્તિ લખી હતી, જે ઉપલબ્ધ નથી.
‘ન્યાયમંજરી’ ભારતીય દર્શનનું એક અણમોલ રત્ન છે. તેમાં જયંત એક ધારદાર તાર્કિક ચિંતક રૂપે પ્રગટ થાય છે. ગ્રંથ બૃહત્કાય છે. તેનાં બાર આહ્નિક છે. પ્રથમ છ આહ્નિકમાં પ્રમાણવિષયક ચર્ચાઓ છે; તેમ છતાં તેમાં અન્યવિષયક ચર્ચાઓ પણ અનિવાર્યપણે આવે છે જ. બાકીનાં છ આહ્નિકો પ્રમેયવિષયક છે, છતાં તેમાં પણ અન્યવિષયક ચર્ચાઓ છે જ. જયંતે વિષયવસ્તુની ગોઠવણી જ એવી રીતે કરી છે કે એક યા બીજી રીતે અને એક યા બીજે સ્થાને તેમને પ્રમાણવિદ્યા, પ્રમેયવિદ્યા, નીતિવિદ્યા, ઈશ્વરવિદ્યા, પદવાક્યાર્થવિદ્યા આદિ દર્શનની વિવિધ શાખાઓની બધી જ અતિ મહત્વની સમસ્યાઓની ચર્ચાઓ કરવાનો પ્રસંગ પડ્યો છે. આમ તેઓ ભારતીય દર્શનની સઘળી સમસ્યાઓને આવરી લે છે અને ભારતીય દર્શનની વિવિધ વિચારપ્રણાલીઓએ ઘડેલા બધા જ મહત્વના સિદ્ધાન્તોની પરીક્ષા કરે છે. જયંતની વિષયની જાણકારી ગંભીર અને વ્યાપક છે. તેઓ બહુશ્રુત હોવા સાથે સમર્થ વિવેચક-પરીક્ષક છે. તેમનું વિષયનિરૂપણ વાચકના ચિત્તને એકાગ્ર કરી વિચારોન્મુખ કરે છે. તેમની વિષયની સમજણ એટલી તો સુવાંગ છે કે તેઓ તેની રજૂઆતને અત્યંત વિશદ કરી દે છે. આ બધાં કારણોને લઈને ‘ન્યાયમંજરી’ ભારતીય દર્શનનો એક એવો સર્વગ્રાહી ગ્રંથ બની ગયો છે કે તેની ઉપેક્ષા કરવી ભારતીય દર્શનના અધ્યેતાને જરા પણ પાલવે નહિ. ‘ન્યાયમંજરી’નું એક હૃદયંગમ લક્ષણ છે તેની કાવ્યમય ભાષા. તે ગદ્યપદ્યમય છે. તેની વાણી સ-રસા, સદલંકારરુચિરા અને પ્રસાદમધુરા છે. આને કારણે ‘ન્યાયમંજરી’ દર્શનશાસ્ત્રની શુષ્ક કૃતિ ન રહેતાં એક આકર્ષક સાહિત્યિક કૃતિ પણ બની રહી છે. ‘ન્યાયમંજરી’નાં અતિ મહત્વ ધરાવતાં પ્રથમ નવ અહ્મિકોનો ગુજરાતી અનુવાદ મૂળ સંસ્કૃત સાથે લા.દ. વિદ્યામંદિરે (અમદાવાદ) પ્રકાશિત કર્યો છે.
નગીનભાઈ જીવણલાલ શાહ