ભટ્ટ, ગોપાલ (જ. આશરે 5મી સદી પહેલાં) : સંસ્કૃત અલંકારશાસ્ત્રના મૂર્ધન્ય ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમને ‘લૌહિત્ય ભટ્ટ ગોપાલ સૂરિ’ એવા નામે ઓળખવામાં આવે છે. ‘કાવ્યપ્રકાશ’ પર તેમણે લખેલી ટીકાનું નામ ‘સાહિત્યચૂડામણિ’ છે. ‘ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રંથમાળા’માં આ ટીકા છપાઈ છે. તેના બે ભાગો અનુક્રમે 1926 અને 1930માં આર. હરિહર શાસ્ત્રી અને કે. સામ્બશિવ શાસ્ત્રીએ પ્રગટ કર્યા છે. એમાં ‘કાવ્યપ્રકાશ’ની મૂળ કારિકાઓ અને વૃત્તિ સાથે ‘સાહિત્યચૂડામણિ’ નામની ટીકા સાથે શ્રીવિદ્યાચક્રવર્તિની ‘સંપ્રદાયપ્રકાશિની’ નામની બીજી ટીકા પણ પ્રગટ થઈ છે.

વિદ્યાનાથના ‘પ્રતાપરુદ્રીય’ નામના અલંકારશાસ્ત્રના ગ્રંથ ઉપર ‘રત્નાપણ’ નામની ટીકામાં કુમારસ્વામીએ લેખક ભટ્ટ ગોપાલનો ઉલ્લેખ કર્યો છે. તે જો આ જ ભટ્ટ ગોપાલ હોય તો તેઓ પંદરમી સદી પહેલાં થઈ ગયા એમ કહી શકાય.

જાણીતા ગુજરાતી વિદ્વાન કમળાશંકર ત્રિવેદી ભટ્ટ ગોપાલ ‘સાહિત્યચૂડામણિ’ ઉપરાંત રુદ્રની ‘શૃંગારતિલક’ અને ભાનુદત્તની ‘રસમંજરી’ એ બંને કૃતિઓ પરની ટીકાઓના લેખક અને હરિવંશ ભટ્ટ દ્રાવિડના પુત્ર છે એમ માને છે; પરંતુ અન્ય વિદ્વાનો તેમને ફક્ત ‘સાહિત્યચૂડામણિ’ ટીકાના જ લેખક માને છે.

વામને રચેલા ‘કાવ્યાલંકારસૂત્રવૃત્તિ’ નામના ગ્રંથ પર લખાયેલી ‘કામધેનુ’ નામની ટીકામાં ભટ્ટ ગોપાલની ‘સાહિત્યચૂડામણિ’ ટીકામાંથી અનેક ઉદ્ધરણો આપવામાં આવ્યાં છે. પ્રસ્તુત ટીકા મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને સરળ અને સ્પષ્ટ રીતે સમજાવવામાં સફળ નીવડેલી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી