ભટ્ટ, ગોકુળભાઈ (જ. ફેબ્રુઆરી 1898, હાથલ, જિ. સિરોહી, રાજસ્થાન; અ. ) : સ્વાતંત્ર્યસેનાની, રાજસ્થાન લોકપરિષદના નેતા, સિરોહી રાજવાડાના મુખ્યમંત્રી. તેમના પિતા દોલતરામ વેપારી અને ખેડૂત હતા. પછી તેઓ મુંબઈ જઈને રહેવા લાગ્યા. ગોકુળભાઈ 1920માં સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ઇન્ટરમીડિયૅટમાં ભણતા હતા ત્યારે અસહકારની ચળવળ શરૂ થતાં તેમણે અભ્યાસ છોડી દીધો. તેઓ મહાત્મા ગાંધી અને વિઠ્ઠલભાઈ પટેલથી પ્રભાવિત થયા હતા. તેઓ બી. જી. ખેર, વૈકુંઠભાઈ મહેતા, જયસુખલાલ મહેતા વગેરે આગેવાનોના સંપર્કમાં આવ્યા. રવીન્દ્રનાથ ટાગોર, તૉલ્સ્તૉય અને શેખ સાદીની રચનાઓએ તેમના જીવનનું ઘડતર કર્યું.
આશરે બે દાયકા પર્યંત મુંબઈમાં વિલેપાર્લેમાં રાષ્ટ્રવાદી કાર્યકરોમાં તેઓ લોકપ્રિય હતા. 1936માં તેમનું ધ્યાન, પોતાના વતન સિરોહી દેશી રાજ્યની સમસ્યાઓ પ્રત્યે દોરાયું અને ત્યાંના આપખુદ શાસન વિરુદ્ધ લોકોને જાગ્રત કરવાની તેમને ઇચ્છા થઈ. તે અગાઉ 1934માં મુંબઈમાં તેમણે સિરોહી માટે પ્રજામંડળ સભા સ્થાપી હતી. હરિપુરામાં 1938માં મળેલા કૉંગ્રેસના અધિવેશને દેશી રાજ્યોમાં સ્વતંત્રતાની ચળવળ ચલાવવાની પરવાનગી આપવાથી, 1939માં તેઓ સિરોહી ગયા. ત્યાં તેમણે સિરોહી પ્રજામંડળની સ્થાપના કરી અને 1947 સુધી તેનું પ્રમુખપદ સંભાળ્યું. તેમણે ‘લાગત’ વેરો ન ભરવાની ચળવળ ચલાવવાથી રાજાએ પ્રજામંડળને ગેરકાયદે સંસ્થા જાહેર કરીને ભટ્ટ સહિત અનેક કાર્યકરોને જેલમાં પૂર્યા. ગોકુળભાઈએ લોકોને સંગઠિત કરીને રાજ્યનાં જુલમ, ગરીબી, નાગરિક સ્વાતંત્ર્ય અને મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન સામે લડતો ચલાવી. રાજસ્થાનનાં જુદાં-જુદાં પ્રજામંડળોની પ્રવૃત્તિઓનું સંયોજન કરવા રાજસ્થાન વર્કર્સ યુનિયન સ્થાપ્યું. ઉદયપુરમાં 1946માં ઑલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ્સ કૉન્ફરન્સની બેઠક મળી ત્યારે રાજસ્થાન વર્કર્સ યુનિયનનું નામ બદલીને રાજસ્થાન લોક પરિષદ રાખ્યું. તેઓ તેના પ્રમુખ બન્યા.
સિરોહી રાજ્યમાં લોકોની સરકાર 1947માં રચવામાં આવી ત્યારે ભટ્ટ તેના મુખ્યમંત્રી બન્યા અને 1949 સુધી તે હોદ્દો સંભાળ્યો. 1948માં રાજસ્થાન લોક પરિષદને રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસ સમિતિ નામ આપવામાં આવ્યું. ગોકુળભાઈ તેના પ્રથમ પ્રમુખ બન્યા અને 1950 સુધી તે હોદ્દા પર રહી સેવા કરી. આ દરમિયાન તેઓ કૉંગ્રેસની કાર્યવાહક સમિતિના તથા બંધારણીય સમિતિના સભ્ય હતા. કૉંગ્રેસનું અધિવેશન 1948માં જયપુરમાં મળ્યું ત્યારે તેઓ સ્વાગતસમિતિના અધ્યક્ષ હતા. રાજસ્થાનનાં દેશી રાજ્યોના વિલીનીકરણની વાટાઘાટો દરમિયાન સરદાર પટેલ તેમને સાથે રાખતા હતા. પચાસના દાયકામાં સક્રિય રાજકારણ છોડીને તેમણે પોતાનાં સમય અને શક્તિનો ઉપયોગ ભૂદાન અને સર્વોદય માટે કર્યો. સ્વાતંત્ર્યસેનાની હોવા ઉપરાંત તેઓ પત્રકાર, કવિ, ભાષાવિદ, વક્તા, કેળવણીકાર અને સમાજસુધારક હતા. રાજસ્થાની અને હિન્દી જેટલી જ ગુજરાતી અને મરાઠી તથા બંગાળી, સિંધી અને પંજાબી ભાષાઓ તેઓ જાણતા હતા. હિંદી, અંગ્રેજી અને બંગાળી ભાષાના ગ્રંથોનાં તેમણે ગુજરાતી અને મરાઠીમાં અનુવાદો કર્યા છે. તેમાં તુલસીકૃત રામાયણ, ભગવદગીતા, કુરાન, પંડિત સુંદરલાલનું ‘ભારતમાં અંગ્રેજી રાજ્ય’ અને ટાગોરનાં કાવ્યોનો સમાવેશ થાય છે. હરિજનો અને આદિવાસીઓનો આર્થિક ઉત્કર્ષ, સ્ત્રીઓની સમાનતા અને વિધવા-પુનર્લગ્ન માટે તેમણે નોંધપાત્ર સેવાકાર્યો કર્યાં છે. સમાજની સારી પરંપરાઓ જાળવીને આધુનિક સમયને અનુરૂપ પરિવર્તનના તેઓ હિમાયતી હતા. ગાંધીજીના અનુયાયી હોવાથી તેઓ શિક્ષણમાં બુનિયાદી પદ્ધતિના સમર્થક બન્યા. વીસી દરમિયાન ગાંધીજી સાથે તેઓ ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળના સભ્ય હતા. દેશની આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે ગાંધીજીના આર્થિક વિચારો ઉપયોગી છે, એમ તેઓ માનતા હતા. ગૃહ અને ગ્રામોદ્યોગોના વિકાસમાં અને લોકશાહીના વિકેન્દ્રીકરણમાં તેઓ માનતા હતા. તેમની નિ:સ્વાર્થ સેવા, શુદ્ધ આચાર, દેશભક્તિ અને વફાદારીને કારણે તેઓ રાજસ્થાનના અગ્રણી બન્યા હતા. રાજસ્થાનનાં જુદાં-જુદાં દેશી રાજ્યોનાં પ્રજામંડળોની પ્રવૃત્તિઓનું તેમણે સંયોજન કર્યું હતું. હાલના રાજસ્થાનની રચનામાં તેનું પ્રદાન મહત્વનું હતું.
તેમણે 1969માં સમગ્ર દેશમાં નશાબંધીનું આંદોલન શરૂ કર્યું. આશરે 15 વર્ષ સુધી તેમણે નશાબંધીનો સઘન પ્રચાર કર્યો. 1975માં લોકનાયક જયપ્રકાશ નારાયણની હાકલથી તેમના આંદોલનમાં જોડાઈ 19 મહિના સુધી જેલની યાતનાઓ સહન કરી. રાજસ્થાન ખાદી અને ગ્રામોદ્યોગ બોર્ડ તથા અખિલ ભારતીય નશાબંધી પરિષદના તેઓ અધ્યક્ષ હતા. રચનાત્મક કાર્યોમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ 1982માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
જયકુમાર ર. શુક્લ