ભટ્ટ, ઇલાબહેન રમેશભાઈ (જ. 7 સપ્ટેમ્બર 1933, અમદાવાદ; અ. 2 નવેમ્બર 2022, અમદાવાદ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સામાજિક કાર્યકર. તેમણે ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક તથા કાયદાની પદવી પ્રાપ્ત કરી હતી. ઇઝરાયલમાંથી લેબર ઍન્ડ કો-ઑપરેટિવનો ડિપ્લોમા મેળવ્યો હતો. 1955થી 1959 દરમિયાન તેમણે સામાજિક કાર્યકર તરીકે તથા 1961થી 1968 દરમિયાન સરકારી લેબર ડિપાર્ટમેન્ટમાં એમ્પ્લૉયમેન્ટ- ઑફિસર તરીકે કાર્ય કર્યું. 1972માં ‘સેલ્ફ એમ્પ્લૉઇડ વૂમન્સ એસોસિયેશન(સેવા)’ની સ્થાપના કરી. તેનાં તેઓ સચિવ બન્યાં. સેવા સંસ્થાનાં સચિવ તરીકે તેમણે 1972થી 1996 સુધી સેવાઓ આપી. સેવા સહકારી બૅંકનાં પ્રમુખ તરીકે પણ તેઓએ સેવા આપી હતી.
તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શ્રમજીવી મહિલાઓ માટે બહુ નોંધપાત્ર કાર્ય કર્યું હતું. રાષ્ટ્રીય સ્તરે રાજ્યસભાનાં નિયુક્ત સભ્ય તરીકે 1968થી 1989 સુધી અને ભારતીય આયોજન પંચનાં સભ્ય તરીકે 1989થી 1991 સુધી કાર્ય કર્યું. 1984થી તેઓ નૅશનલ ઇન્ટિગ્રેશન કાઉન્સિલનાં સભાસદ, ગાંધી શ્રમ સંસ્થાન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅનેજમેન્ટ, અમદાવાદમાં સંચાલક મંડળના સભ્યપદે હતા. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રિઝ ડેવલપમેન્ટ કાઉન્સિલના બૉર્ડ ઑવ્ ગવર્નર્સમાં સભ્ય, સ્ટેટ ફ્રી લીગલ સર્વિસ ઑથોરિટીનાં 1997થી સભ્ય હતા. આ ઉપરાંત નૅશનલ કમિશન ઑન લેબરનાં પણ 1999થી સભ્ય હતા. તેઓ નૅશનલ ડેરી ડેવેલપમેન્ટ પ્રોગ્રામ સાથે ડેરી કો-ઑપરેટિવ તથા લૅન્ડ કો-ઑપરેટિવ સાથે પણ સંકળાયેલાં હતા. 1987માં તેઓ નૅશનલ કમિશન ઑન સેલ્ફ-એમ્પ્લૉઇડ વિમેન ઍન્ડ વિમેન ઇન ધી ઇનફૉર્મલ સેક્ટરનાં પ્રમુખ હતાં.
આંતરરાષ્ટ્રીય કક્ષાએ તેમણે 1981થી 1998 સુધી મહિલા વિશ્વબૅંકનાં પ્રમુખ તરીકે કાર્ય કર્યું. એશિયા સોસાયટી, ન્યૂયૉર્કની સલાહકાર સમિતિનાં તેઓ સભ્ય, રૉકફેલર ફાઉન્ડેશન, ન્યૂયૉર્કના બૉર્ડ ઑવ્ ટ્રસ્ટી તરીકે સંકળાયેલાં હતા. ઇન્ટરનૅશનલ કોએલિશન ઑવ્ વિમેન ઍન્ડ ક્રેડિટ, ન્યૂયૉર્કનાં પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. કન્સલ્ટેટિવ ગ્રૂપ ટુ આસિસ્ટ ધ પુઅરેસ્ટ – વર્લ્ડ બૅંક, વૉશિંગ્ટનનાં 1994થી 1998 સુધી સભ્ય હતાં. વિશ્વબૅંક, વૉશિંગ્ટનનાં મુખ્ય સલાહકાર તરીકે તેમજ વર્લ્ડ કમિશન ઑન અર્બન ફ્યૂચર, બર્લિનનાં પ્રમુખ તરીકે પણ તેઓએ સેવાઓ આપી હતી. ઇન્ટરનૅશનલ એલાયન્સ ઑવ્ સ્ટ્રીટ-વેન્ડર્સનાં પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. હોમેનેટનાં પ્રમુખ હોવા ઉપરાંત ‘વિમેન ઇન ઇનફૉર્મલ એમ્પ્લૉયમેન્ટ ગ્લોબલાઇઝેશન ઑર્ગેનાઈઝિંગ’નાં પણ તેઓ પ્રમુખ હતા. એન્ટરપ્રાઇઝ વર્ક્સ વર્લ્ડવાઇડ, વૉશિંગ્ટનના બૉર્ડ ઑવ્ ટ્રસ્ટી તરીકે પણ તેઓએ કાર્ય કર્યું હતું.
શ્રમજીવી મહિલાઓ માટે અત્યંત ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માનાર્હ પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ હ્યુમેનિટિઝ (1993), ટેમ્પલ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ હ્યુમેનિટિઝ (1994), રાષ્ટ્રીય સ્તરે એસ.એન.ડી.ટી. યુનિવર્સિટી તરફથી ડૉક્ટર ઑવ્ લિટરેચર(1997), કૅનેડાની સાનફ્રાંસિસ્કો ઝેવિયર્સ યુનિવર્સિટી તરફથી ડૉક્ટર ઑવ્ હ્યુમેનિટિઝ(1999)ની પદવીઓ તેમને પ્રાપ્ત થઈ હતી.
સ્વાશ્રયી મહિલાઓ માટે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેમને વિશ્વવિખ્યાત રોમન મૅગ્સેસે ઍવૉર્ડ (1977) સામૂહિક નેતાગીરી માટે પ્રાપ્ત થયો હતો. ઉપરાંત સુસાન બી ઍન્થની એવૉર્ડ રાષ્ટ્રીય એકીકરણ, ઇન્ડિયા માટે (1982), રાઇટ લાઇવલિહુડ ઍવૉર્ડ (1984) (ધી ઑલ્ટરનેટ નોબેલ પ્રાઇઝ) ‘માનવીય પર્યાવરણને પલટવા’ માટે (1984) સ્ટૉકહોમ ખાતે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકાર તરફથી તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ (1985) તથા પદ્મભૂષણનો ખિતાબ (1986) આપવામાં આવ્યા હતા. આ સિવાય વિમેન ઇન ક્રિયેશન ઍવૉર્ડ (1990) પૅરિસ ખાતે; કેર હ્યૂમેનિટેરિયન ઍવૉર્ડ (1994) વૉશિંગ્ટન ખાતે, વિશ્વગુર્જરી એવૉર્ડ (1996), અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનનો નગરભૂષણ ઍવૉર્ડ (1998), યશવંતરાવ ચવાણ એવૉર્ડ ફૉર નૅશનલ ઇન્ટિગ્રેશન (1999), રોટરી ક્લબ, અમદાવાદનો ઑનરરી રોટેરિયન ઍવૉર્ડ (1999) આપવામાં આવ્યા છે. તેમને એશિયા સોસાયટી, ન્યૂયૉર્ક તરફથી કૉમ્યૂનિટી લીડરશિપ ઍવૉર્ડ ફૉર બિલ્ડિંગ રિલેશનશિપ બિટ્વીન અમેરિકા ઍન્ડ એશિયા (2000) આપવામાં આવ્યો હતો.
તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક પરિષદો, પરિસંવાદો તેમજ કાર્યશાળાઓમાં હાજરી આપીને અનેક લેખો અને પેપરો રજૂ કર્યાં હતા. તેમાં તેમણે મહદ્અંશે શ્રમજીવી મહિલાઓની સમસ્યાઓની રજૂઆતો કરી હતી.
તેમનાં કેટલાંક પ્રકાશનોમાં ‘ગુજરાતની નારી’ (1975); ‘પ્રોફાઇલ ઑવ્ સેલ્ફ-એમ્પ્લૉઇડ વિમેન’ (1975); ‘ગ્રાઇન્ડ ઑવ્ વર્ક’ (1992); ‘હમ સવિતા’ (1995); ‘દૂસરી આઝાદી’ (1997, 2000)નો સમાવેશ થાય છે.
હર્ષિદા દવે