ભટ્ટ આલિયા (જ. 15 માર્ચ 1993, લંડન –) : ફિલ્મજગતનાં જાણીતાં અભિનેત્રી.
આલિયા ભટ્ટ એ ગુજરાતી મૂળના જાણીતા ફિલ્મદિગ્દર્શક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની બીજા નંબરની પુત્રી છે. એના પિતા મહેશ ભટ્ટ એક દિગ્દર્શક તરીકે પ્રસિદ્ધ છે, જ્યારે માતા સોની રાઝદાન કાશ્મીરી પંડિત અને જર્મન વડવાની પુત્રી છે. લંડનમાં જન્મ થયો હોવાથી આલિયા બ્રિટિશ નાગરિકત્વ ધરાવે છે અને તેનો ધર્મ મુસ્લિમ છે. એની મોટી બહેનનું નામ શાહીન છે, તો પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ તેનાં સાવકાં ભાઈ-બહેન છે. ઈમરાન હાસમી અને મોહિત સૂરી તેના પિતૃ પક્ષે ભાઈઓ છે. જાણીતા નિર્માતા-દિગ્દર્શક મુકેશ ભટ્ટ તેના કાકા થાય છે. આલિયાનો અભ્યાસ મુંબઈની જમનાબાઈ નરસી સ્કૂલમાં થયો છે.
આલિયાની અભિનય કારકિર્દી એક બાળકલાકાર તરીકે તેના પિતાની જ એક ફિલ્મ ‘સંઘર્ષ’(1999)માં થઈ હતી. આલિયાએ સ્કૂલના કોયરમાં ભાગ લીધો ત્યારથી જ તેને અભિનેત્રી થવાના કોડ જાગ્યા હતા. તેથી તે સમયે જ નૃત્ય શીખવા માટે તે શીમક દાવરની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ થઈ હતી. 1912માં કરણ જોહર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ ઇયર’માં તેને મુખ્ય અભિનેત્રી તરીકે તક મળી. આ ફિલ્મમાં લગભગ 500 જેટલી છોકરીઓના ઑડિશન લેવામાં આવેલા તેમાંની આલિયા પણ એક હતી. અને ત્યાર બાદ પણ શરીરનું લગભગ 16 કિલો જેટલું વજન ઘટાડ્યા બાદ ભૂમિકા ભજવવા મળી હતી. આ ફિલ્મમાં આલિયાએ એક ષોડશી(ટીનએજ ગર્લ)ની ભૂમિકા કરી હતી. વ્યાવસાયિક રીતે આ ફિલ્મ અત્યંત સફળ રહી હતી.
ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઇયરમાં એક આકર્ષક છોકરીથી વધુ તેના અભિનયની કોઈ નોંધ નહોતી લેવાઈ. તેથી આલિયા એવી ફિલ્મ કરવા માંગતી હતી જેમાં તેને પડકારરૂપ અભિનય કરવાની તક મળે. આવી ભૂમિકા તેને ઇમ્તિયાઝ અલીની ફિલ્મ હાઈવેમાં મળે છે. ફિલ્મ હાઈવેની આલિયાની ભૂમિકાની પ્રશંસા થાય છે તેમ તેને ફિલ્મફેર ક્રિટિક્સ ઍવૉર્ડ ફોર બેસ્ટ ઍક્ટ્રેસ પણ મળે છે. આ સમયમાં જ વિકાસ બહલે સર્જેલી સ્ત્રીઓની સલામતી અંગેની એક ટૂંકી(શૉર્ટ) ફિલ્મ ગોઇંગ હોમમાં પણ અભિનય કરે છે.
2014માં આલિયાની બે ફિલ્મો આવે છે કે જે, એક ચેતન ભગતની નવલકથા ‘ટુ સ્ટેટ્સ’ અને ‘હમ્ટી શર્માકી દુલ્હનિયાં’. ફિલ્મ ટુ સ્ટેટ્સમાં બે તદ્દન જુદાં જ રાજ્યોનાં યુવક અને યુવતીની પ્રેમકથા છે તો અન્ય એ અગાઉની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેગેં’ને એક અંજલિ હતી. આલિયાએ અત્યાર સુધીમાં ત્રીસેક જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો છે. પણ તેની ખાસ ઉલ્લેખનીય ફિલ્મ ‘રાઝી’ (2018) છે. આ એક સ્પાય થ્રીલર છે જેનું દિગ્દર્શન મેઘના ગુલઝારે કર્યું છે. ફિલ્મ ‘રાઝી’ માટે આલિયાને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ મળે છે. આલિયાને આ ઉપરાંત ‘ઊડતા પંજાબ’ (2016) અને ‘ગુલી બૉય’ (Gully Boy – 2019) માટે પણ શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ મળે છે. હાલ 2022માં સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં પણ આલિયાના અભિનયની પ્રશંસા થઈ રહી છે. અત્યાર સુધીમાં આલિયાએ 26 ફિલ્મો અને ત્રણ મ્યુઝિક આલબમ કર્યાં છે. ત્રણેક ફિલ્મમાં તેણે પાર્શ્વગાન પણ કર્યું છે. આ માટે એ. આર. રહેમાનની સંગીત એકૅડેમીમાં તાલીમ પણ લીધેલી.
2013માં આલિયા ‘પેટા’(PETA – People for the Ethical Trement of Animal)ના કાર્યક્રમોમાં ભાગ લે છે. સાથે જ તે એક સંસ્થા કોએક્ઝિટ સ્થાપે છે, જે શેરીઓમાં રખડતાં પ્રાણીઓ માટે કામ કરે છે. પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા ફાઇન્ડ યોર ગ્રીન (Find Your Green) સાથે પણ સહકાર કરે છે.
ફોર્બસ એશિયા (Forbes Asia) 30 અન્ડર 30(30 Under 30)ની નામાવલીમાં 2017માં સ્થાન આપ્યું છે. તો ફોર્બસ ઇન્ડિયા – સેલિબ્રિટી 100(Forbes India – Celebrity 100)માં 2014થી સ્થાન ધરાવે છે અને 2019માં તેનું નામ આઠમા સ્થાને હતું.
અભિજિત વ્યાસ