ભટ્ટાચાર્ય, શ્રીવત્સલાંછન

January, 2001

ભટ્ટાચાર્ય, શ્રીવત્સલાંછન (આશરે 15મી સદી) : ભારતીય અલંકારશાસ્ત્રના જાણીતા ગ્રંથ ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમનું નામ ‘શ્રીવત્સશર્મન્’ કે ‘શ્રીવત્સવર્મન્’ કે ‘વત્સવર્મન્’ એવાં રૂપાન્તરોથી પણ લખાય છે. ‘ભટ્ટાચાર્ય’ એવું તેમનું બિરુદ અને ‘શ્રીવત્સલાંછન’ એવું નામ એમ સૂચવે છે કે તેઓ બંગાળના વતની હતા. તેમના પિતાનું નામ શ્રીવિષ્ણુ ભટ્ટાચાર્ય ચક્રવર્તિન્ હતું. શ્રીવત્સલાંછને 14મી સદીમાં થઈ ગયેલા વિદ્યાનાથનું ઉદ્ધરણ પોતાની ‘કાવ્યપ્રકાશ’ પરની ‘સારબોધિની’ ટીકામાં આપ્યું છે તેથી તેઓ 14મી સદી પછી થઈ ગયાનું માની શકાય. 16મી સદીમાં થયેલા કમલાકર અને પંડિતરાજ જગન્નાથ પોતપોતાની ‘કાવ્યપ્રકાશ’ટીકામાં શ્રીવત્સલાંછનની ‘કાવ્યપ્રકાશ’ની ટીકામાંથી ઉદ્ધરણો આપે છે. ‘કાવ્યપ્રકાશ’ના જાણીતા ટીકાકારો ભીમસેન દીક્ષિત અને રત્નકંઠ પણ શ્રીવત્સલાંછનની ‘સારબોધિની’ ટીકામાંથી ઉદ્ધરણો આપે છે. એનો અર્થ શ્રીવત્સલાંછનની ટીકા મૂલ્યવાન અને લોકપ્રિય છે એવો કરી શકાય. અલબત્ત, પરમાનંદ ચક્રવર્તિનની ‘વિસ્તારિકા’ નામની ટીકાનો સંક્ષેપ શ્રીવત્સલાંછને ‘સારબોધિની’માં આપ્યો છે.

‘સારબોધિની’ ટીકા ઉપરાંત અલંકારશાસ્ત્ર પર ‘કાવ્યપરીક્ષા’ નામનો સ્વતંત્ર ગ્રંથ શ્રીવત્સલાંછને લખ્યો છે, જે 1956માં મિથિલા ઇન્સ્ટિટ્યૂટ, દરભંગા દ્ધારા પ્રસિદ્ધ થયો છે. આ ગ્રંથ પાંચ ઉલ્લાસોનો બનેલો છે. તેમાં (1) શબ્દાર્થનિર્ણય, (2) કાવ્યભેદ, (3) દોષનિર્ણય, (4) ગુણનિરૂપણ અને (5) અલંકાર – એ નામના પાંચ ઉલ્લાસો છે. એમાં કાવ્યનાં સામાન્ય લક્ષણોનો વિચાર આચાર્ય મમ્મટને અનુસરીને આપવામાં આવ્યો છે. આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ની કારિકાઓ અને ઉદાહરણો આ ગ્રંથમાં શ્રીવત્સલાંછને આપ્યાં છે.

વળી ‘કાવ્યામૃત’ નામનો અલંકારગ્રંથ અને ‘રામોદય’ નામનું નાટક પણ તેમની રચનાઓ હોવાના ઉલ્લેખો મળે છે. વિષ્ણુધ્વજાચાર્યના પુત્ર શ્રીવત્સલાંછને રચેલો અને દ્વૈતવાદનું ખંડન કરતો ‘સિદ્ધાન્તરત્નમાલા’ નામનો ગ્રંથ ચેન્નઈની સરકારી લાઇબ્રેરીમાં હસ્તપ્રત રૂપે સચવાયેલો છે; પરંતુ તે પ્રકાશિત થયો ન હોવાથી શ્રીવત્સલાંછનની જ રચના છે કે કેમ તે વિશે ચોક્કસ નિર્ણય કરવો અઘરો છે. કદાચ આ ગ્રંથ શ્રીવત્સલાંછન ભટ્ટાચાર્યની રચના હોઈ શકે.

પ્ર. ઉ. શાસ્ત્રી