ભટ્ટિ (આશરે 600થી 650) : સંસ્કૃત ભાષાના મહાકાવ્ય ‘રાવણવધ’ કે ‘ભટ્ટિકાવ્ય’ના રચયિતા મહાકવિ. તેઓ તેમના  મહાકાવ્યના અંતિમ શ્લોકમાં જણાવે છે કે પોતે સૌરાષ્ટ્રના ભાવનગરની પાસે આવેલી વલભી નામની નગરીમાં મૈત્રક વંશના રાજા શ્રીધરસેનના રાજ્યઅમલ દરમિયાન આ મહાકાવ્ય રચ્યું હતું. આથી તેઓ પ્રાચીન ગુજરાતના મહાકવિ હતા. મૈત્રક વંશના રાજા શ્રીધરસેન બીજાના એક શિલાલેખમાં ભટ્ટિ નામના વિદ્વાનને ભૂમિદાન કર્યાનો ઉલ્લેખ છે. આ શિલાલેખ 610માં લખાયેલો છે, તેથી મહાકવિ ભટ્ટિનો જીવનકાળ 600થી 650ની આસપાસનો ગણી શકાય. મહાકવિ ભટ્ટિ શ્રીધરસેન બીજાના રાજદરબારમાં કવિ અને વિદ્વાન તરીકે બેસતા હતા. સંસ્કૃત સાહિત્યમાં સર્વપ્રથમ શાસ્ત્રકાવ્ય લખવાનું શ્રેય આ ગુજરાતી મહાકવિ ભટ્ટિને ફાળે જાય છે.

મહાકવિ ભટ્ટિએ રચેલું ‘રાવણવધ’ કે ‘ભટ્ટિકાવ્ય’ સંસ્કૃત ભાષામાં લખાયેલું અને પાણિનીય વ્યાકરણશાસ્ત્રના નિયમોનાં ઉદાહરણરૂપ શબ્દપ્રયોગોને આવરી લેતું મહાકાવ્ય છે. આ મહાકાવ્યમાં રામાયણની જાણીતી રામકથાને બાવીસ સર્ગોમાં વર્ણવવામાં આવી છે. આ મહાકાવ્યમાં 1,624 જેટલા શ્લોકો છે. સમગ્ર મહાકાવ્ય (1) પ્રકીર્ણ, (2) અધિકાર, (3) પ્રસન્ન અને (4) તિઙન્ત – એમ ચાર કાંડોમાં વહેંચવામાં આવ્યું છે. પ્રથમ પ્રકીર્ણકાંડમાં 1થી 5 સર્ગોમાં રામજન્મથી રામવનગમન સુધીની વાર્તા પાણિનીય અષ્ટાધ્યાયીના સામાન્ય નિયમોના ઉદાહરણરૂપ શબ્દપ્રયોગો દ્વારા વર્ણવવામાં આવી છે. બીજા અધિકારકાંડમાં 6થી 9 સર્ગોમાં રામના વનવાસ દરમિયાનના પ્રસંગો પાણિનીય અષ્ટાધ્યાયીના મુખ્ય નિયમો અને અધિકારસૂત્રોના નિયમોના ઉદાહરણરૂપ શબ્દપ્રયોગો વડે વર્ણવવામાં આવ્યા છે. ત્રીજા પ્રસન્નકાંડમાં 10થી 13 સર્ગોમાં વ્યાકરણને બદલે અલંકારશાસ્ત્રનાં ઉદાહરણો રજૂ થયાં છે. તેમાં 10મા સર્ગમાં શબ્દ અને અર્થના અલંકારોનાં ઉદાહરણો, 11મામાં માધુર્ય વગેરે કાવ્યગુણોનાં ઉદાહરણો, 12મા સર્ગમાં ભાવિક અલંકારનાં ઉદાહરણો અને 13મા સર્ગમાં ભાષાસમ એટલે એકનો એક જ શ્લોક સંસ્કૃત અને પ્રાકૃત બંને ભાષાઓમાં વાંચી શકાય તેવાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે. ચોથા તિઙન્તકાંડમાં 14થી 22 સર્ગોમાં પાણિનીય અષ્ટાધ્યાયીના 9 કાળોનાં ઉદાહરણરૂપ ક્રિયાપદનાં રૂપો આપવામાં આવ્યાં છે. 14મામાં लिङ्, 15મામાં लुङ्, 16મામાં लृट्, 17મામાં लङ्, 18મામાં लट्, 19મામાં लिङ्, 20મામાં लोट्, 21મામાં लृट् અને 22મા સર્ગમાં लुट् – એ કાળનાં ઉદાહરણો રજૂ થયાં છે. વ્યાકરણના જાણકાર અને બુદ્ધિશાળી માણસો જ સમજી શકે તેવું આ મહાકાવ્ય ઉત્તમ કાવ્યતત્ત્વ અને શ્રેષ્ઠ સંવાદકળાથી ભરપૂર છે. વ્યાકરણશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રનું પાંડિત્ય આ મહાકાવ્યને અદ્વિતીય બનાવે છે. ગુજરાતના પ્રસિદ્ધ આચાર્ય હેમચંદ્રનું ‘દ્વયાશ્રય’ મહાકાવ્ય અને ભટ્ટભીમનું ‘રાવણાર્જુનીય’ ‘ભટ્ટિકાવ્ય’ જેવી જ રચનાઓ છે.

પ્ર. ઉ. શાસ્ત્રી