ભટ્ટાચાર્ય, જગદીશ તર્કપંચાનન (17મી સદી) : ભારતીય સાહિત્યશાસ્ત્રના જાણીતા ગ્રંથ મમ્મટકૃત ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાના લેખક. તેમનું નામ સૂચવે છે તે મુજબ તેઓ બંગાળના વતની હતા. વળી ‘તર્કપંચાનન’ની તેમની ઉપાધિ તેઓ તર્કશાસ્ત્રના જ્ઞાતા હશે તેમ સૂચવે છે; પરંતુ બંગાળના જાણીતા તાર્કિક જગદીશ તર્કાલંકારથી આ લેખક જુદા છે. તેઓ બંગાળના નદિયા (નવદ્વીપ) નામના ગામના રહેવાસી હતા. તેમણે લખેલી ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકાનું નામ ‘રહસ્યપ્રકાશ’ છે. અદ્યાપિ એ ટીકા હસ્તપ્રતમાં જ સચવાઈ રહેલી હોવાથી તેના વિશે વધુ કંઈ કહી શકાય તેમ નથી. આ ટીકાની હસ્તપ્રત 1657માં તેમના શિષ્ય દ્વારા લખાયેલી છે, તેથી જગદીશ ભટ્ટાચાર્યનો સમય 17મી સદીનો ગણી શકાય. તેઓ વિવિધ શાસ્ત્રોના જ્ઞાતા હશે એમ મનાય છે.
પ્ર. ઉ. શાસ્ત્રી