ભટાર્ક (ઈ.સ.ની પાંચમી સદી) : સૌરાષ્ટ્રમાં મૈત્રક વંશની રાજસત્તાનો સ્થાપક. સ્કન્દગુપ્તના મૃત્યુ (ઈ.સ. 467) બાદ ગુપ્ત સામ્રાજ્યની પડતી થઈ ને સૌરાષ્ટ્ર જેવા દૂરના પ્રાંતમાં સ્થાનિક રાજસત્તા સ્થપાઈ. આ સત્તા સ્થાપનાર ભટાર્ક સેનાપતિ હતો. એણે ગિરિનગરમાં રહેલા ગુપ્ત સામ્રાજ્યના ગોપ્તાની સત્તાનું ઉન્મૂલન કરી વલભીમાં પોતાની સ્વતંત્ર સત્તા પ્રવર્તાવી. ‘એણે પ્રતાપથી વશ થયેલા અને દાન, માન અને આર્જવથી અનુરાગ પામેલા મૌલ, ભૃત, મિત્ર અને શ્રેણીના અનુરક્ત સૈન્ય વડે રાજ્યશ્રી પ્રાપ્ત કરેલી’. મૌલ એટલે વારસાગત અને ભૃત એટલે ભાડૂતી. ભટાર્ક મૈત્રક કુલનો હતો ને પરમ માહેશ્વર અર્થાત્ મહેશ્વર(મહાદેવ)નો પરમ ભક્ત હતો. એનું મૂળ નામ ‘ભટક્ક’ હતું, જે રાજમુદ્રામાં તેમજ આરંભિક દાનશાસનોમાં પ્રયોજાયું છે. પછીનાં દાનશાસનોમાં આ પ્રાકૃત નામનું સંસ્કૃત રૂપાંતર ‘ભટાર્ક’ પ્રયોજાયું. ‘ભટાર્ક’ એટલે ભટો(સૈનિકો)નો અર્ક (સૂર્ય). ‘ભટાર્ક’ અને ‘ભટ્ટારક’ તદ્દન ભિન્ન શબ્દ છે. ‘ભટ્ટારક’ સામાન્ય નામ છે. એમાંનો મુખ્ય શબ્દ ‘ભટ્ટ’ (ભર્તા-સ્વામી) છે. જ્યારે ‘ભટાર્ક’ વિશેષ નામ છે ને એમાંનો મુખ્ય શબ્દ ‘ભટ’ (ભૃત – ભાડૂતી સેવક કે સૈનિક) છે. ભટાર્કના કુલનું નામ ‘મૈત્રક’ ‘મિત્ર’ શબ્દ પરથી વ્યુત્પન્ન થયું છે. આ સંદર્ભમાં મિત્ર પાશુપત સંપ્રદાયના સુપ્રસિદ્ધ ભગવાન લકુલીશના ચાર પટ્ટશિષ્યોમાંના મિત્ર હોવાનું સંભવે છે.
સેનાપતિ ભટાર્કે 468–470ના અરસામાં વલભીમાં પોતાની રાજસત્તા સ્થાપી. વલભી સૌરાષ્ટ્રના પૂર્વ સમુદ્રતટ પાસે આવેલી પ્રાચીન નગરી હતી, જે હાલ ભાવનગર જિલ્લામાં વલભીપુર નામે તાલુકાનું વડું મથક છે. મૈત્રક વંશના સ્થાપક ભટાર્કે ત્યાં પોતાની રાજસત્તા સ્થાપી, પરંતુ પોતે ‘રાજબિરુદ’ (‘મહારાજ’ જેવું) ધારણ ન કરતાં છેવટ સુધી પોતાનું અસલ ‘સેનાપતિ’ પદ જ ચાલુ રાખેલું. એનું પોતાનું કોઈ રાજશાસન મળ્યું નથી, પરંતુ મૈત્રક વંશની રાજમુદ્રામાં મહેશ્વરના વાહન નંદિનું લાંછન અને ‘શ્રીભટક્ક’ કે ‘શ્રીભટાર્ક’ નામ પ્રયોજાતું. ભટાર્કે તથા એના વંશજોએ શર્વ ભટ્ટારકના પ્રચલિત સિક્કા ચલણમાં ચાલુ રાખેલા. ત્રિશૂળના ચિહ્નવાળા એ સિક્કા પડાવનાર શર્વ ભટ્ટારક એ મૈત્રક રાજાઓનો દૂરનો પૂર્વજ હોવાનું લાગે છે. સેનાપતિ ભટાર્ક પછી એનો જ્યેષ્ઠ પુત્ર સેનાપતિ ધરસેન પહેલો સત્તારૂઢ થયો. એના ઉત્તરાધિકારી દ્રોણસિંહે ‘મહારાજ’ બિરુદ ધારણ કર્યું (લગભગ ઈ.સ. 500). સેનાપતિ ભટાર્કે સ્થાપેલા મૈત્રક વંશની સત્તા સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત કચ્છ, ઉત્તર ગુજરાત અને પશ્ચિમ માળવા સુધી પ્રસરી ને ઈ.સ. 788 સુધી અર્થાત્ ત્રણસોથી વધુ વર્ષ જેટલા લાંબા સમય સુધી પ્રવર્તી.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી