ભચાઉ : કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ અને બે મહાલો પૈકીનો એક તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકા-મથક. કચ્છના પૂર્વ ભાગમાં આવેલા વાગડ વિસ્તારનો તે એક ભાગ છે. તેની ઉત્તરે કચ્છના મોટા રણનો ભાગ તથા રાપર તાલુકો, પૂર્વમાં કચ્છનું નાનું રણ તેમજ સૌરાષ્ટ્રના માળિયા-મોરબી અને હળવદ તાલુકાઓ, દક્ષિણે કચ્છનું નાનું રણ તથા પશ્ચિમે અંજાર અને ભુજ તાલુકાઓ આવેલા છે. તાલુકાનું ક્ષેત્રફળ 1985.2 ચોકિમી. છે તથા વસ્તી 1,14,759 (1991) જેટલી છે. તાલુકામાં ભચાઉ નગર અને 69 જેટલાં ગામડાં છે. અહીંની આબોહવા પ્રમાણમાં વિષમ રહે છે; મે માસનું સરેરાશ તાપમાન 42°થી 44° સે. તથા જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 9°થી 22° સે. વચ્ચેનું રહે છે. તાલુકાનો સરેરાશ વરસાદ 332 મિમી. જેટલો છે.
ભચાઉ તાલુકાનો કેટલોક ભાગ ડુંગરાળ છે. તેના ઢોળાવો દક્ષિણ-તરફી છે. ઊંચાઈ મધ્યમસરની 200 મીટર સુધીની છે. તાલુકામાં સરસલાની ટેકરીઓમાંથી નીકળતી ચાંગ નદી 32 કિમી.ની લંબાઈ સુધી વહે છે. તેના કાંઠા પર તોરણિયા, કંથકોટ, કાકરવા, મનફરા અને ચોબારી જેવાં ગામો આવેલાં છે. નદી પર સિંચાઈ માટે એક નાનો બંધ બાંધેલો છે. આ ઉપરાંત અહીં મકાસર નામનું એક તળાવ પણ છે.
તાલુકાની કેટલીક જમીનો લાવાજન્ય છે, બાકીની જમીનો ગોરાડુ અને રેતાળ છે. અહીંના લૅટરાઇટ ખડકો 20–40% લોહદ્રવ્યવાળા છે. આ ઉપરાંત અહીં માટી અને કપચી જેવાં ખનિજદ્રવ્યો પણ મળે છે. તાલુકામાં 18,830 હેક્ટરમાં જંગલ-વિસ્તાર આવેલો છે. તેમાં મુખ્યત્વે કાંટાળાં વૃક્ષો વધુ છે. ગાંડો બાવળ, સાદો બાવળ, ખેર, બોરડી, આવળ, ગૂગળી, વડ, લીમડા, જાંબુડા, કડાયો જેવાં વૃક્ષો પણ જોવા મળે છે. અહીં ગોચરો ‘રાખાલ’ તરીકે ઓળખાય છે. જંગલી પ્રાણીઓમાં મુખ્યત્વે શિયાળ, લોંકડી અને વરુ વધુ છે. થરી અને કાંકરેજ ઓલાદની ગાયો, બળદો અને ભેંસ, હનીમા અને દેશી બકરાં, પાટણવાડિયાં અને દેશી ઘેટાં, ઊંટ, ઘોડા અને ગધેડાં અહીંનાં મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. કચ્છના નાના રણ નજીક ખર (જંગલી ગધેડા) જોવા મળે છે.
અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આશરે 1,13,068 હેક્ટરમાં વાવેતર થાય છે. બાજરી, જુવાર, મગ, મઠ, મગફળી, તલ અને એરંડા અહીંના મુખ્ય કૃષિપાકો છે.
તાલુકામાં અનુક્રમે 250 અને 232 કિમી.ના પાકા અને કાચા માર્ગો આવેલા છે. બ્રૉડગેજ – મીટરગેજ રેલમાર્ગો પર અનુક્રમે 3 અને 6 રેલમથકો આવેલાં છે તાલુકામાં 7 વાણિજ્ય અને 1 સહકારી બક આવેલી છે. અહીં 115 પ્રાથમિક શાળાઓ, 8 માધ્યમિક શાળાઓ 1 ઉચ્ચતર માધ્યમિક શાળા તથા એક ગ્રંથાલય અને 34 વાચનાલયો આવેલાં છે.
ભચાઉ (શહેર) : ભચાઉ શહેર ડુંગરી કિલ્લાની તળેટીમાં વસેલું છે. ભૌગોલિક સ્થાન : તે 23° 22´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. પર આવેલું છે. તે અંજારથી ઈશાન દિશામાં 32 કિમી દૂર રાષ્ટ્રીય ધોરી માર્ગ 8A પર વસેલું છે. તે અમદાવાદ–પાલનપુર–ભુજ બ્રૉડગેજ રેલમાર્ગ પરનું તથા વીરમગામ–ગાંધીધામ મીટરગેજ રેલમાર્ગ પરનું મહત્વનું મથક છે. તે તાલુકામાં મુખ્ય વાણિજ્ય-કેન્દ્ર, ખેતીવાડી સંશોધન-કેન્દ્ર તેમજ રૂના વેપારનું કેન્દ્ર ગણાય છે. અહીં કપાસ પીલવાનું જિન અને પ્રેસ આવેલાં છે. નગરપાલિકા 4 પાકા અને 7 કાચા માર્ગો ધરાવે છે. ભચાઉમાં ત્રણ વાણિજ્ય અને 1 સહકારી બૅંકો આવેલી છે. 1991 મુજબ ભચાઉ શહેરની વસ્તી 18,401 જેટલી છે; તે પૈકી 9,680 પુરુષો અને 8,721 સ્ત્રીઓ છે. અહીં 9,668 વ્યક્તિઓ અક્ષરજ્ઞાન ધરાવે છે. અહીં 3 પ્રાથમિક શાળાઓ, બે હાઈસ્કૂલ, એક ઓસવાળ છાત્રાલય, 1 તાલુકા પુસ્તકાલય અને 1 બાલમંદિર છે. શ્રાવણ વદ અમાસે અહીં મેળો ભરાય છે.
26, જાન્યુઆરી, 2001ના રોજ કચ્છમાં થયેલા ભીષણ ભૂકંપે કચ્છનાં અન્ય શહેરો સહિત ભચાઉને જમીનદોસ્ત કરી દીધું છે.
શિવપ્રસાદ રાજગોર