ભગીરથ : પુરાણો અનુસાર સૂર્યના પુત્ર મનુના ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલો પ્રસિદ્ધ રાજા. સગર રાજાના પુત્ર સમ્રાટ દિલીપનો તે પુત્ર હતો. સગર રાજાએ 100મો અશ્વમેધ યજ્ઞ કરવા અશ્વને છૂટો મૂક્યો ત્યારે ઇન્દ્રે પોતાનું (ઇન્દ્ર) પદ બચાવવા, અશ્વને ચોરીને પાતાળમાં તપ કરી રહેલા કપિલ મુનિ પાસે જઈને ત્યાં ખબર ન પડે તેમ બાંધી દીધો. સગર રાજાના 60,000 બળવાન પુત્રો અશ્વની શોધમાં આખી પૃથ્વી પર ફરી વળ્યા. એ પછી પાતાળમાં શોધ કરતાં કપિલ મુનિ પાસે ઘોડો જોયો અને ગુસ્સે થઈને સમાધિમાં રહેલા કપિલ મુનિને અશ્વને ચોરી જનાર માનીને જગાડ્યા. કપિલ મુનિ જાગીને ગુસ્સે થયા. તેમને મારવા તૈયાર થયેલા સગરપુત્રોને ગુસ્સાથી નીકળેલા અગ્નિ વડે કપિલ મુનિએ બાળીને ભસ્મ કર્યા. આ પછી શાંત પડતાં સ્વર્ગમાં રહેલી ગંગા નદી નીચે છેક પાતાળમાં આવે અને આ ભસ્મ તેના પ્રવાહમાં ડૂબે તો જ તેમને સ્વર્ગ મળશે એમ કપિલે કહ્યું. આથી પોતાના પુત્રોના ઉદ્ધાર માટે પહેલાં સગર રાજાએ તપ કર્યું. સગરના મૃત્યુ પછી તેના પુત્ર દિલીપ રાજાએ તપ કર્યું, પરંતુ ગંગા પ્રસન્ન ન થઈ. દિલીપના મૃત્યુ પછી ભગીરથે તપ કર્યું. એ પછી ગંગા ખુશ થઈ અને પૃથ્વી પર નીચે આવવા તૈયાર થઈ; પરંતુ પોતાને કોણ ઝીલશે એ મુદ્દો તેણે ખડો કર્યો. એને માટે ભગીરથે ફરી શિવને તપથી પ્રસન્ન કરી તેમને ગંગા નદીને ધારણ કરવા તૈયાર કર્યા. બહુ અભિમાનથી ઊતરેલી ગંગાને શિવે માથામાં ગૂંચવી નાખી. ભગીરથે ફરી તપ કરી શિવને ખુશ કરી ગંગાને શિવ પાસેથી મુક્ત કરાવી. એ પછી રસ્તામાં જહનુ નામના ઋષિનો આશ્રમ ડૂબી જતાં જહનુ ગંગાને પી ગયા. ફરી તેમને તપથી ખુશ કરી જહ્નુ પાસેથી જાહ્નવી એટલે ગંગા નદીને છોડાવી. હિમાલય પર્વત પરથી વહેતી ગંગા મેદાનોમાં થઈને છેલ્લે ગંગાસાગર થઈને સમુદ્રમાં થઈને પાતાળમાં ભગીરથ રાજાની પાછળ પાછળ પહોંચી. અંતે સગરપુત્રોની ભસ્મ પોતાના પ્રવાહમાં ડુબાડી તેમનો ઉદ્ધાર કર્યો. આમ ભગીરથ રાજાએ સતત પાછળ પડીને પોતાનું ધ્યેય સિદ્ધ કર્યું. દારુણ તપ, મજબૂત મનોબળ, ર્દઢ સંકલ્પશક્તિ તથા અદમ્ય ઉત્સાહથી તેમણે ગંગાનું અવતરણ શક્ય બનાવ્યું. આ ગંગાવતરણના પ્રસંગમાં ઠેકઠેકાણે અટવાયેલી ગંગા નદીને આગળ વહેતી કરવામાં આધુનિક વિદ્વાનો પ્રાચીન ભારતની ઇજનેરી વિદ્યાના જાણકાર તરીકે ભગીરથને ઓળખાવે છે. બળરામ પણ આવા જ ઇજનેરી વિદ્યાના જાણકાર હતા, કારણ કે તેમણે યમુના નદીને હળથી ખેંચીને ધારી જગ્યાએ વહેવડાવી હતી એવો ઉલ્લેખ પુરાણોમાં મળે છે. ભગીરથને કારણે થયેલા ગંગાવતરણનું વિગતવાર વર્ણન રામાયણ, મહાભારત અને ભાગવત પુરાણોમાં મળે છે.
ભગીરથ દાનેશ્વરી રાજા હતો. ભગીરથે કૌત્સ નામના ઋષિને પોતાની હંસી નામની કન્યા આપેલી. નાભાગ અને શ્રુત નામના બે પુત્રો ભગીરથને હતા એવો ઉલ્લેખ હરિવંશમાં મળે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી