ભગવદગોમંડલ : ગુજરાતી ભાષાનો પ્રથમ બૃહત્ શબ્દકોશ. સાહિત્યવ્યાસંગી ગોંડળનરેશ મહારાજા ભગવતસિંહજી (1865–1944) અને તેમના વિદ્વાન કારભારી ચંદુલાલ બહેચરલાલ પટેલ(1889–1964)ના સહિયારા ખંતીલા પુરુષાર્થથી તૈયાર થયેલી કોશ-શ્રેણી. તેના કુલ 9 ખંડમાં રૉયલ 4 પેજી કદનાં અને 3 કૉલમવાળાં કુલ 9,270 પાનાંમાં સરવાળે 2,81,377 શબ્દોના 5,49,455 અર્થો અપાયા છે. પ્રસંગ પ્રમાણે શબ્દના એકથીય વધુ એટલે કે છેક 300 સુધી વિવિધ અર્થો અપાયા છે; સાથોસાથ રૂઢિપ્રયોગો, ઉચ્ચાર, વ્યુત્પત્તિ, લઢણ, વ્યાકરણ જેવી સંબંધિત માહિતી તેમજ શબ્દ-સૂચિત વ્યક્તિ, પદાર્થ, તત્વ કે ઘટનાની વિગતવાર અને જરૂર પ્રમાણે સચિત્ર માહિતી પણ આપવામાં આવી છે. પરિણામે કેટલીક રીતે એ બહુઆયામી જ્ઞાનકોશની ગરજ સારે છે.
1 ઑક્ટોબર 1928ના રોજ કોશ-કચેરીની વિધિસર સ્થાપના થઈ. 10 વર્ષે 1938માં પ્રથમ ભાગનું પ્રકાશન થયા પછી, 1944માં ભાગ 2, 1946માં (મહારાજાના અવસાન પછી) ભાગ 3, 1948માં ભાગ 4, 1949માં ભાગ 5, 1951માં ભાગ 6, 1953માં ભાગ 7 (ડિસેમ્બર) 1953માં ભાગ 8 અને 1954માં છેલ્લો ભાગ 9 – એમ લગભગ દોઢ દાયકા દરમિયાન જુદા જુદા સમયગાળે તેના ખંડો પ્રગટ થયા.
કોશકાર્યના સાતત્યપૂર્ણ સંપાદન-પ્રકાશન માટે ગોંડળ રાજ્ય પરિવાર તરફથી સતત રાજ્યાશ્રય મળતો રહેલો. આવા વિરલ કોશકાર્ય દ્વારા ગુજરાતી ભાષા તેમ સાહિત્યની ચિરંતન સેવા કરવા બદલ સંપાદક ચંદુલાલ પટેલનું ગુજરાત સાહિત્ય સભા તરફથી 1954ના રણજિતરામ સુવર્ણચંદ્રક વડે તથા સૂરતની નર્મદ સાહિત્ય સભા તરફથી 1955માં સન્માન કરાયું હતું. સંપૂર્ણ 9 ગ્રંથની પડતર કિંમત ત્યારે રૂ. 543 થવા છતાં રાજ્યાશ્રયને પરિણામે રૂ. 146 રાખવામાં આવી હતી. વ્યાપક જનસમુદાય તેનો લાભ લઈ શકે એ માટે ‘શબ્દરત્નાંજલિ’ નામે 640 પાનાંની સંક્ષિપ્ત લોકભોગ્ય આવૃત્તિ 12 આના(હાલ 75 પૈસા)ની કિંમતે વેચાણમાં મુકાઈ હતી. 7 વર્ષમાં તેની નકલો વેચાઈ જતાં દાયકાઓ સુધી આ કોશ અપ્રાપ્ય રહ્યો. છેવટે ગોંડળના વતની પ્રવીણભાઈ તથા ગોપાલભાઈ નામના પ્રકાશક બંધુઓએ 1987માં ઑફસેટ પદ્ધતિથી તેનું પુનર્મુદ્રણ કરી તેને સુલભ બનાવ્યો.
મહારાજાને શબ્દકોશનો મૂળ વિચાર 1883ના યુરોપ-પ્રવાસ તથા અભ્યાસ દરમિયાન સ્ફુર્યો. સ્વદેશ આવીને તેમણે જાતે જ શબ્દસંચયનું કામ ઉપાડ્યું. ભાષાના પ્રચલિત શબ્દો ઉપરાંત, વીસરાયેલા કે વીસરાતા, ઘરગથ્થુ, ગામઠી, તળપદા, લોકબોલીના તેમજ ભાગ્યે જ સાંભળવા મળતા અપ્રચલિત શબ્દો અનેકવિધ સાધનો-સ્રોતોમાંથી મેળવવા મહારાજા સદૈવ તત્પર-સતર્ક રહેતા અને કોઈ હાથવગું સાધન ન હોય ત્યારે અંગરખાની ચાળ, હથેળી, રદ્દી કાગળના ટુકડા, તારીખિયાં, જાહેરાતના કાગળ કે દીવાસળીનાં ખોખાં પર પણ તેઓ સાંભળેલા શબ્દોને ટપકાવી લેતા. આ રીતે જહેમતપૂર્વક એકત્રિત થયેલા 20,000 શબ્દો સાથે વિધિસર કોશ-સંપાદન શરૂ થયું. 30 જેટલા કાર્યકરોને તેમાં જોતરવામાં આવ્યા. પરિપત્ર મારફત પણ વિદ્વાનોની સેવા તથા સલાહ લેવામાં આવી. વળી બહોળા લોકસમુદાયમાંથી અરૂઢ – નવતર શબ્દો મેળવવા, નવો શબ્દ લાવનારને આના 4 (હાલના પૈસા 25) આપવાનું નવતર પગલું ભરી જાહેર વિનંતી બહાર પાડી હતી. ગ્રંથનિર્માણ માટે ‘એનસાઇક્લોપીડિયા બ્રિટાનિકા’નો આદર્શ રખાયો હતો એટલે તેનાં રચના-સ્વરૂપ જ્ઞાનકોશ જેવાં ઊપસી આવ્યાં. એ રીતે એમાં સંસારના શક્ય તમામ વિષયોનો વિશાળ શબ્દ-સંચય તથા સાથોસાથ સંદર્ભ સહિતની વિગતવાર માહિતી આપવાનો ઉપક્રમ રખાયો.
ગ્રંથનિર્માણ, સંપાદન તથા પ્રકાશન અને કોશસાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું આ અનોખું પ્રસ્થાન છે. કોઈ રાજવી પોતે અને તેમના અધિકારી આવા વિદ્યાકામ માટે આવાં ખંત, પરિશ્રમ, સૂઝ, ધગશ અને ભાષાપ્રેમ દાખવે એ આજે તો દંતકથા જેવું લાગે તો નવાઈ નથી.
રજનીકુમાર પંડ્યા