ભગવતી, હીરાલાલ (જ. 14 મે 1910, કલોલ, ઉત્તર ગુજરાત; અ. 4 માર્ચ 2004, અમદાવાદ) : અગ્રણી સામાજિક કાર્યકર અને વ્યાપાર તથા વાણિજ્ય ક્ષેત્રના પીઢ આગેવાન. પિતાનું નામ હરિલાલ અને માતાનું નામ સંતોકબા. પિતા શિક્ષક હતા. પ્રાથમિક શિક્ષણ મહેસાણા ખાતે તથા માધ્યમિક શિક્ષણ અમદાવાદની પ્રોપ્રાયટરી તથા ટ્યૂટૉરિયલ હાઇસ્કૂલમાં. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી 1930માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. કૉલેજકાળ દરમિયાન નાટ્યપ્રવૃત્તિમાં સક્રિય ભાગ લીધેલો. તેનો રસ જિંદગીભર ચાલુ રહેલો. એલિસબ્રિજ આરોગ્ય સમિતિના ઉપક્રમે ચાલતા ‘રંગમંડળ’નું સંચાલન કરવા ઉપરાંત તેમણે કેટલાંક નાટકોમાં અભિનય પણ આપેલો. 1932થી તેમણે વ્યાવસાયિક અને સાથોસાથ સામાજિક કારકિર્દીની શરૂઆત કરી (1932–2001). આ સમયગાળા દરમિયાન અમદાવાદની અગ્રણી સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં માનદ સેવાઓ આપી અને એક પ્રામાણિક અને નિષ્ઠાવાન કાર્યકર તરીકે નામના મેળવી. 1967માં ગુજરાત ચૅમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રિઝના અધ્યક્ષ તરીકે વરણી થઈ. ઉપરાંત, નવ વર્ષ સુધી મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રમુખ તરીકે સેવાઓ આપી. તેઓ અમદાવાદ પાંજરાપોળના પ્રમુખ; બહેરા-મૂંગા શાળાના સંચાલક મંડળના ઉપપ્રમુખ; ટેક્સટાઇલ ટ્રેડર્સ કો-ઑપરેટિવ બૅંકના ચૅરમૅન; સંકટ નિવારણ સોસાયટી, દુષ્કાળ રાહત સમિતિ, ગુજરાત કૅન્સર સોસાયટી અને ગુજરાત લૉ સોસાયટી જેવી અનેક જાહેર સંસ્થાઓના માનદ મંત્રી તરીકે સેવાઓ આપી હતી. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના પણ તેઓ સભ્ય ટ્રસ્ટી હતા.
તેમણે અમેરિકા, ઇંગ્લૅંડ તથા જર્મનીનો પ્રવાસ ખેડ્યો હતો.
તેમની સામાજિક સેવાઓની કદરરૂપે તેમને 1998નો વિશ્વગુર્જરી ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એકાણું વર્ષની પાકટ વયે પણ તેઓ અમદાવાદની સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જુવાનના જુસ્સાથી સક્રિય રીતે ભાગ લેતા હતા.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે