ભક્ષકકોષો (phagocytes) : પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આવેલા શ્વેતકણો (white blood corpuscles)નો એક પ્રકાર. અમીબા આકારના આ ભક્ષકકોષો શરીરના રક્ષણાર્થે રુધિરતંત્રમાંથી બહાર નીકળીને લસિકાસ્થાનો(lymph spaces)માં પ્રવેશે છે અને ત્યાં આવેલા શરીરને હાનિકારક પરજીવી બૅક્ટેરિયા જેવા સૂક્ષ્મજીવોને ખોટાપગ વડે ઘેરીને તેમનો નાશ કરે છે. તે જ પ્રમાણે વિષદ્રવ્યો બન્યાં હોય અથવા તો અન્ય રીતે શરીરમાં પ્રવેશ પામ્યાં હોય તો તેવાંને પણ ઘેરીને તેમનો પણ નાશ કરી શરીરને પૂરતું રક્ષણ આપે છે. રક્ષણકાર્ય સંપૂર્ણ થતાં ફરીથી તે રુધિરતંત્રમાં પ્રવેશ પામતા હોય છે. ઘણી વાર આ રક્ષણાત્મક પગલાં દરમિયાન પોતે મૃત્યુનો ભોગ બને છે. તેમના આ વિનાશના પરિણામે પરુ (pus) ભેગું થાય છે. રક્ષણાત્મક પગલાં દરમિયાન ઘણા ભક્ષકકોષો એકઠા થતાં ત્યાં સોજો (inflammation) જોવા મળે છે. આ કોષો મોટા કદના હોય છે અને તેમને બૃહત્કોષો (macrophages) કહે છે. તે પ્રતિદ્રવ્યનો સ્રાવ કરે છે, જે હાનિકારક સૂક્ષ્મજીવોનો નાશ કરવામાં અગત્યનાં હોય છે. આ ઉપરાંત, તટસ્થકોષો (neutrophils) નામે ઓળખાતા બહુરૂપી કોષકેન્દ્રીય (polymorph nucleus) શ્વેતકણો પણ સોજામાં મુખ્ય ભાગ ભજવે છે. બૃહત્કોષો 10થી 20 માઇક્રોમિમી. કદના હોય છે. ભક્ષકકોષોની મારણ-શક્તિ, તેમણે ઉત્પન્ન કરેલ બૅક્ટેરોફેરિન, લાઇસોઝોમ, માયલોપેરૉક્સિડેઝ જેવા ઉત્સેચકોને આભારી હોય છે. વળી તે હાનિકારક સૂક્ષ્મજીવોના સંપર્કમાં આવતાં 30થી 50 સેકન્ડની અંદર સુપર ઑક્સાઇડ, હાઇડ્રોજન પેરૉક્સાઇડ, સિંગ્લેટ ને ઑક્સિજનનાં સંયોજનો બનાવે છે અને ભક્ષકકોષોના રક્ષણકાર્યમાં મહત્વનો ભાગ ભજવે છે. આ બૃહત્કણો સ્નાયુપેશી જેવાં અંગોમાંથી પ્રવેશેલા સૂક્ષ્મજીવોનો પણ નાશ કરતા હોય છે.
હરિવદન હીરાલાલ પટેલ