ભક્તિરસામૃતસિંધુ (1541) : ચૈતન્ય મહાપ્રભુના શિષ્ય રૂપ ગોસ્વામીનો ભક્તિરસ વિશેનો અલંકારશાસ્ત્રનો ગ્રંથ. આ ગ્રંથ 1541માં રચાયેલો છે એમ તેના અંતિમ શ્લોકમાં લેખક પોતે જ જણાવે છે.
આ ગ્રંથ ચાર વિભાગોમાં વહેંચાયેલો છે : (1) પૂર્વવિભાગ, (2) દક્ષિણવિભાગ, (3) પશ્ચિમવિભાગ અને (4) ઉત્તરવિભાગ. ભક્તિરસ એ એક જ રસ છે અને અન્ય રસો ભક્તિરસના પ્રકારો હોવાની વાત લેખકે સ્વીકારી છે. ગ્રંથના પૂર્વવિભાગમાં ચાર પેટા વિભાગો છે : એમાં સામાન્ય ભક્તિની ચર્ચા કરતી પ્રથમ લહરી, ભક્તિનાં સાધનોને ચર્ચતી બીજી લહરી, ભાવ પ્રકારની ભક્તિને ચર્ચતી ત્રીજી લહરી અને પ્રેમભક્તિની ચર્ચા કરતી ચોથી લહરીનો સમાવેશ થાય છે. એ પછી દક્ષિણભાગમાં પાંચ લહરીઓ છે જેમાં સામાન્ય ભક્તિરસના વિભાવને પ્રથમ લહરીમાં, અનુભાવને બીજી લહરીમાં, સાત્ત્વિક ભાવને ત્રીજી લહરીમાં, વ્યભિચારી ભાવને ચોથી લહરીમાં અને સ્થાયી ભાવને પાંચમી લહરીમાં વર્ણવવામાં આવ્યા છે. પશ્ચિમ વિભાગમાં પાંચ લહરીઓ છે, જેમાં અનુક્રમે (1) શાંતભક્તિરસ, (2) પ્રીતિભક્તિરસ, (3) પ્રેયોભક્તિરસ, (4) વત્સલભક્તિરસ અને (5) મધુરભક્તિરસ – એવા ભક્તિરસના પાંચ મુખ્ય પ્રકારો જુદી જુદી લહરીમાં વર્ણવવામાં આવ્યા છે. ઉત્તરવિભાગમાં નવ લહરીઓ છે, જેમાં અનુક્રમે (1) હાસ્યભક્તિરસ, (2) અદભુતભક્તિરસ, (3) વીરભક્તિરસ, (4) કરુણભક્તિરસ, (5) રૌદ્રભક્તિરસ, (6) ભયાનકભક્તિરસ, (7) બીભત્સભક્તિરસ – એ ભક્તિરસના સાત ગૌણ પ્રકારો સાત લહરીઓમાં રજૂ થયા છે. આઠમી લહરીમાં રસોની મૈત્રી અને શત્રુતા વગેરેનો અને નવમી લહરીમાં રસાભાસનો ખ્યાલ આપવામાં આવ્યો છે.
આ ગ્રંથનું બીજું નામ ‘હરિભક્તિરસામૃતસિંધુ’ એવું પણ છે. ભક્તિરસના વિભાવની વિસ્તૃત અને સોદાહરણ ચર્ચા પોતાના ‘ઉજ્જ્વલનીલમણિ’ નામના બીજા ગ્રંથમાં આ લેખકે આપી છે. ‘ભક્તિરસામૃતસિંધુ’ નામના આ ગ્રંથ પર રૂપ ગોસ્વામીના ભત્રીજા જીવ ગોસ્વામીએ એક ટીકા સંસ્કૃતમાં લખી છે. ભક્તિરસની સ્થાપનામાં સમસામયિક મધુસૂદન સરસ્વતી જેવો જ ફાળો રૂપ ગોસ્વામીએ પણ આપ્યો છે. આ બે સિવાયના અન્ય આલંકારિકો ભક્તિને રસ માનતા નથી, પરંતુ દેવવિષયક રતિભાવમાં તેને સમાવે છે.
પ્ર. ઉ. શાસ્ત્રી