બ્વાલૉ-દેપ્રેઓ, નિકૉલા (જ. 1 નવેમ્બર 1636, પૅરિસ; અ. 13 માર્ચ 1711, પૅરિસ) : ફ્રેન્ચ વિવેચક અને કવિ. મૉલિયર, લા ફૉન્તેન અને રેસિનના મિત્ર, કાયદાનિષ્ણાત અને રાજ્યમાન્ય ઇતિહાસકાર. નવ્ય પ્રશિષ્ટતાવાદ(neo-classicism)ના પુરસ્કર્તા. પોતાની હયાતીમાં ફ્રાન્સ માટે જીવતીજાગતી દંતકથા બની ગયા હતા. પિતા સરકારમાં ઉચ્ચ પદાધિકારી. 2 વર્ષના હતા ત્યારે માતાનું અવસાન. પોતે પંદરમું સંતાન. શિક્ષણ ‘કૉલેજ દ હાર્કોત’માં. કાયદાનો અને ધર્મશાસ્ત્રનો અભ્યાસ બૉવેમાં. જ્યેષ્ઠબંધુ ગાઈલ બ્વાલૉ પાસેથી સાહિત્યસર્જન માટે પ્રેરણા. થોડો સમય વકીલાત કર્યા બાદ કાયમને માટે તે વ્યવસાયનો ત્યાગ. 1657માં માત્ર 21 વર્ષની ઉંમરે સાહિત્યને ચરણે જીવન સમર્પિત કરી દીધું. જ્યારે સાહિત્ય માત્ર સમય પસાર કરવા અને આનંદ પામવા માટેનું સાધન ગણાતું હતું ત્યારે તેમણે તેને ‘પવિત્ર વ્યવસાય’ તરીકે નવાજ્યું. હૉરેસ અને જુવેનલ જેવા સમર્થ કટાક્ષકવિઓને ધ્યાનમાં રાખીને તેમણે પદ્યમાં કટાક્ષકૃતિઓ ‘સૅટાયર્સ’ (1660–66) અને ‘એપિસ્ટલ્સ’ (1668–77)ની રચના કરી. તેમણે લખેલ ‘સેટાયર્સ’ પ્રશંસા પામ્યાં અને લેખકની રજા વગર તેની ગેરકાયદેસર આવૃત્તિઓ ફ્રાન્સ અને હોલૅન્ડમાં છપાઈ. દુરાચાર અને મૂર્ખાઈના ઉપહાસની અને વ્યક્તિઓની નિંદા કરનારી તેમની કટાક્ષકવિતામાં અનિષ્ટોને ઉઘાડા પાડવા કવિએ વક્રોક્તિનો ઉપયોગ કર્યો છે. જોકે તેમની સર્વશ્રેષ્ઠ કાવ્યકૃતિ ‘‘લા’ ર્ત પૉયતિક’’ (1674) છે. 4 સર્ગમાં લખાયેલી આ ઉદાત્ત પદ્યરચનામાં ભારોભાર બુદ્ધિચાતુર્યના ચમકારા જોવા મળે છે.
અંગ્રેજ કવિ પોપે ‘એસે ઑન ક્રિટિસિઝમ’ લખતી વખતે તેમના આ ગ્રંથને પાયાનો ગણ્યો હતો. આમાં કાવ્યરચના માટે સર્વસામાન્ય તત્વો, ગ્રીક-લૅટિન સાહિત્યમાં થયેલ વિવિધ કાવ્યપ્રકારો અને ટ્રૅજેડી અને કૉમેડી ઉપરાંત સાહિત્ય વિશે સર્વસાધારણ સ્વરૂપનો ઉપદેશ વગેરેનું સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમની વાઙ્મયી ર્દષ્ટિ નવ્ય પ્રશિષ્ટતાવાદી છે. ઉત્તમ અભિરુચિ, સ્પષ્ટ વિચાર, નિસર્ગ પર વિશ્વાસ અને સાદી પણ ભવ્યોદાત્ત શૈલી શ્રેષ્ઠ કાવ્યરચના માટે જરૂરી છે એવું તેમનું મંતવ્ય છે. તેમનું ‘વ લુત્રિન’ (ધ લેકતર્ન, 1683) મૉક-હીરોઇક (વિડંબના-મહાકાવ્ય) પ્રકારનું છે. તેમાં પાદરીનું ઠઠ્ઠાચિત્ર આલેખાયું છે. તેમણે સાહિત્યના રસાસ્વાદ માટેનાં ધોરણો અને વિવેચનના સિદ્ધાંતોની વ્યાખ્યાઓ સુસ્પષ્ટ કરી આપી. તેમણે લૉન્જાઇનસના ‘ઑન ધ સબ્લાઇમ’નો અનુવાદ કર્યો. વિધિની વિચિત્રતા તો એ થઈ કે આ ગ્રંથ જ રોમૅન્ટિસિઝમના કલાશાસ્ત્ર માટે ચાવીરૂપ થઈ પડ્યો. અગાઉના ફ્રેન્ચ વિવેચકોએ તે બધું શબ્દબદ્ધ કર્યું જ હતું; પરંતુ તેમણે એ બધું વ્યવસ્થિત અને સ્પષ્ટપણે સૂત્રના રૂપમાં રજૂ કર્યું. સાહિત્યમાં વિવેક પરત્વેના નિર્ણય માટે ડ્રાઇડન, પોપ અને એડિસન જેવા અંગ્રેજ સાહિત્યકારો તેમને લવાદ તરીકે આદર્શ ગણીને ચાલતા. ડૉ. જૉનસન પર તેમની ગાઢ અસર દેખાય છે. 1677માં ફ્રાન્સના રાજવી લુઈએ, રેસિન સાથે તેમની નિમણૂક રાજ્યના અધિકૃત ઇતિહાસકાર તરીકે કરી હતી. આ સ્થાન પર રહીને લગભગ 15 વર્ષ સુધી સાહિત્યિક મતમતાંતરોથી તેઓ અલિપ્ત રહ્યા. તેમને અકાદમી ફ્રાન્સેંઇમાં ચૂંટીને મોકલી આપવામાં આવ્યા. એ જમાનામાં સાહિત્યકારો જૂના અને નવા વાડાઓમાં વહેંચાઈ ગયા હતા. સ્ત્રીઓ આધુનિકોની તરફેણમાં હતી. તેમણે સ્ત્રીવિરોધી કટાક્ષ ‘કોંત્રે લે ફેમી’ (અગેઇન્સ્ટ વિમેન) લખ્યો. જે ‘સૅટાયર ઍક્સ’(1694)ના નામે પ્રસિદ્ધ થયો. ઉપરાંત તેમણે ‘‘સુર લા’મોર દ દ્યુ’’ (‘ઑન ધ લવ ઑવ્ ગૉડ’) લખ્યું, જે ‘ઍપિત્ર XII’ (1698)ના શીર્ષકથી પ્રસિદ્ધ થયું. 1685માં તેઓ પૅરિસ નજીક ઑતેલમાં રહેવા ગયા. તેમના જમાનાના પ્રખ્યાત મોટા માણસો અને ચર્ચના પદાધિકારીઓનું તે યાત્રાધામ બન્યું. અંગ્રેજ લેખક જૉસેફ એડિસન અહીં તેમને મળેલો. તે મુલાકાત વિશે પ્રકાશ પાડતો લેખ તેમણે લખ્યો હતો. એક યુવાન વકીલ ક્લૉદ બ્રોસ્સેત્ત વૃદ્ધ બ્વાલૉનો ‘બૉઝવેલ’ – જીવનવૃત્તાંતક બન્યો. બ્વાલૉની દંતકથા ચલાવવામાં ક્લૉદનો ફાળો નોંધપાત્ર છે. બ્વાલૉના અવશેષોનું સ્થળાંતર સેંટ ચેપલમાંથી મ્યૂઝિયમ ઑવ્ ફ્રેન્ચ મૉન્યુમેન્ટ્સમાં અને ત્યારપછી ચર્ચ ઑવ્ સેંટ જર્મેન દે પ્રેસમાં કરવામાં આવ્યું હતું.
વિ. પ્ર. ત્રિવેદી