બ્લેર, ટૉની (એન્થની ચાર્લ્સ લિન્ટન) : (જ. 6 મે 1953, એડિનબરો) : બ્રિટનના મજૂર પક્ષના નેતા અને 1997થી વડાપ્રધાન. 1975માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા અને બૅરિસ્ટર બન્યા. 1983માં મજૂર પક્ષના રોજફિલ્ડના સુરક્ષિત મતવિસ્તારમાંથી ચૂંટાઈને સંસદની આમસભામાં પ્રવેશ્યા. 1988માં મજૂર પક્ષના છાયા પ્રધાનમંડળમાં ઊર્જા-મંત્રી તરીકે 35 વર્ષની નાની વયે પસંદ થયા તેમજ પછીમાં 1991માં રોજગાર-મંત્રાલય અને 1992માં ગૃહમંત્રાલયના મંત્રી તરીકે પસંદ થયા. 1994માં મજૂર-પક્ષના નેતા ચૂંટાયા અને સૌથી યુવાવયના વડા બન્યા તેમજ 1997માં બ્રિટનના ઇતિહાસમાં સોથી નાની વયના વડાપ્રધાન બન્યા.
બ્રિટનના રાજકારણમાં નિર્જીવ બનતા મજૂર-પક્ષને 1992માં સતત ચોથી વાર ચૂંટણીમાં નિષ્ફળતા સાંપડી હતી તેવે વખતે આ તરવરિયા અને ખુલ્લા દિમાગના સાંસદે મજૂર-પક્ષને ‘રાજ્ય સમાજવાદ’ના પરંપરાગત વળગણમાંથી મુક્ત કરવા સક્રિય પ્રયાસ કર્યો. પક્ષના જૂથવાદને અવગણી બુદ્ધિપરાયણ અને નીતિપરાયણ સમાજવાદ વચ્ચે તફાવત પાડી પક્ષનાં વિવિધ જૂથોને સાથે રાખવામાં સફળ થયા. તેઓ માનતા કે પક્ષના બંધારણને, તેની આર્થિક અને ઔદ્યોગિક નીતિઓને અદ્યતન બનાવ્યા વિના પક્ષ નિર્જીવ જ રહેશે. આથી તેમણે 1992માં આર્થિક ક્ષેત્રે ‘ગુનેગારો સાથે સૌમ્ય પણ ગુનાઓ અને ગુનાઓનાં કારણો બાબતે ઉગ્ર ને સખ્ત વલણો અખત્યાર કરવાની તાકીદ કરી. રૂઢિચુસ્ત પક્ષની નિષ્ફળતા પર પ્રહારો કરી વધતા ગુનાઓમાં ઊંડા ઊતરવું જરૂરી છે તેમ કહી રૂઢિચુસ્ત પક્ષની નિષ્ફળતા પર ભારે પ્રહાર કર્યા.
1994માં પક્ષના નેતા જ્હૉન સ્મિથનું અવસાન થતાં તેઓ પક્ષના નેતા બન્યા. પક્ષની વાર્ષિક બેઠકમાં તેમણે ઉત્પાદન, વિતરણ અને વિનિમયનાં સાધનોની સામૂહિક ભાગીદારીની વાત પડતી મૂકી પક્ષનું બંધારણ નવેસરથી ઘડવાની ઇચ્છા વ્યક્ત કરી. 1995ના એપ્રિલમાં આ માટે ખાસ પરિષદ બોલાવવામાં આવી, જેમાં પક્ષના નવા ઉદ્દેશો અંગે તેમણે રજૂઆત કરી અને બધાંની સંમતિ અંકે કરી. આ બેઠકમાં પક્ષના અન્ય સભ્યોએ મુક્ત બજારતંત્રના લાભ ખુલ્લા મને સ્વીકાર્યા. આમ પક્ષને અદ્યતન વિચારોની સંજીવની પ્રદાન કરી આવનાર ચૂંટણી માટે સજ્જ કર્યો. વધુમાં મધ્યમવર્ગ માટે આવકવેરાના દર ઊંચા નહિ લઈ જવાની બાંયધરી આપી. અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટનની જેમ હરીફોને માત કરવા અત્યાધુનિક માહિતી અને ટેક્નૉલૉજીની પદ્ધતિઓ પ્રયોજી. તેમણે સૂચવેલા સુધારાઓ અને નવી પદ્ધતિઓથી ‘નૂતન’ મજૂર પક્ષ અસ્તિત્વમાં આવ્યો. 1997ની સામાન્ય ચૂંટણીમાં તેમનો અને પક્ષનો પ્રચંડ બહુમતીથી ઐતિહાસિક વિજય થયો. 1997ના ઉત્તરાર્ધમાં ચર્ચિલથી આરંભીને આજ સુધીના વડાપ્રધાનો અંગે એક અભિપ્રાય-મોજણી હાથ ધરવામાં આવેલી, જેમાં તે લોકપ્રિયતાના શિખરે હતા. તેમણે પોતાના પ્રવચનમાં પક્ષના સાથીઓને કહ્યું કે ‘આપણે ‘નૂતન’ મજૂર-પક્ષ સ્વરૂપે ચૂંટાયા છીએ અને ‘નૂતન’ મજૂર-પક્ષ તરીકે જ શાસન કરીશું.
રક્ષા મ. વ્યાસ