બ્લેકવેલ એલિઝાબેથ (જ. 3 ફેબ્રુઆરી 1821, બ્રિસ્ટૉલ, ઇંગ્લૅન્ડ; અ. 31 મે 1910, હેસ્ટિંગ્સ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : આધુનિક શૈલીના અમેરિકાનાં/વિશ્વનાં સૌપ્રથમ મહિલા-તબીબ. તબીબી અભ્યાસશાખામાંથી સ્નાતક થનાર પ્રથમ મહિલા. મહિલાઓને તબીબી અભ્યાસ માટે ઉત્તેજન આપી તેમણે પાયાનું કાર્ય કર્યું. મહિલાઓના અધિકારો માટેની લડતનાં પણ તેઓ અગ્રણી નેતા હતાં.
તેમના પિતા સેમ્યુઅલ બ્લેકવેલ ખાંડની રિફાઇનરી ધરાવતા હતા. માતા હન્ના ઉર્ફે લેન. આ કુટુંબ ક્વેકર સંપ્રદાયનું અનુયાયી હોવાથી તેમના પિતા પુત્ર-પુત્રીઓ વચ્ચે કોઈ ભેદભાવ ન રાખતા. તેમનાં નવ સંતાનમાં એલિઝાબેથ ત્રીજું સંતાન હતાં. જોકે તેમણે ક્રમશ: છ બહેનો અને 2 ભાઈઓ ગુમાવ્યાં હતાં. તેમની 11 વર્ષની વયે એક રાત્રે આગ લગતાં પિતાનો ધંધો નાશ પામ્યો, તેથી કુટુંબ ઇંગ્લૅન્ડ છોડી અમેરિકા સ્થાયી થયું. સમાનતામાં વિશ્વાસ ધરાવતું આ ક્વેકર કુટુંબ ગુલામીનું વિરોધી હતું. તેમના પિતા તાવની માંદગીનો ભોગ બનતાં અવસાન પામ્યા.
આથી એલિઝાબેથે શિક્ષકની કારકિર્દી પસંદ કરી, જોકે આ કામ તેમને ઝાઝું પસંદ નહોતું. એક તબીબના ઘરમાં તેમણે ગૃહકાર્યની નોકરી પસંદ કરી, જેથી ફાજલ સમયમાં તબીબના પુસ્તકાલયમાંથી તબીબી ગ્રંથો વાંચી શકાય. સાથે સાથે ગુલામી-વિરોધી આંદોલનમાં તેઓ સક્રિય હતાં. તેમના બે ભાઈઓ હેનરી બ્રાઉન મહિલા-મતાધિકારવાદી લ્યુસી સ્ટોન સાથે લગ્નગ્રંથિ જોડાયેલા અને સેમ્યુઅલ ચાર્લ્સ ઍન્ટોનિયો બ્રાઉન સાથે લગ્નગ્રંથિથી જોડાયેલા હતા. આ ગાળા દરમિયાન તેમનું તબીબી ગ્રંથોનું વાચન સતત ચાલુ હતું.
ન્યૂયૉર્કની જિનીવા કૉલેજમાં તેમણે તબીબી અભ્યાસ કર્યો, જ્યાં 150 વિદ્યાર્થીઓના વર્ગમાં તેઓ એકમાત્ર મહિલા હતાં. 11 જાન્યુઆરી 1849ના રોજ તેઓ અમેરિકામાં તબીબી ડિગ્રી ધરાવતાં પ્રથમ મહિલા ઘોષિત થયાં અને 23 જાન્યુઆરી 1849ના રોજ તેમને ડિગ્રી એનાયત થઈ. સમગ્ર વર્ગમાં તેઓ પ્રથમ સ્થાને આવ્યાં હતાં. તેમને પ્રૅક્ટિસ કરવાની છૂટ ન હોવાથી ફ્રાંસ ગયાં અને પૅરિસની ‘લા મેટરનિટર’ હૉસ્પિટલમાં તાલીમ મેળવી. એક બાળકની સારવાર દરમિયાન આંખ પર ચેપ લાગવાથી તેમની એક આંખ નકામી બની જતાં ઑપરેશન દ્વારા કાચની આંખ બેસાડવામાં આવેલી. અમેરિકા આવી 1857માં તેમની બહેન એમિલી બ્લેકવેલ અને ડૉ. મેરી ઝેક્રઝેવસ્કા સાથે મળી ન્યૂયૉર્ક ઇન્ફર્મરિ નામની હૉસ્પિટલ શરૂ કરી, જેમાં મહિલાઓ અને બાળકોને તબીબી સારવાર આપવામાં આવતી. આ હૉસ્પિટલનો પૂરો કર્મચારીગણ માત્ર મહિલાઓનો જ હતો. આ જ હૉસ્પિટલમાં મહિલાઓ માટે તબીબી સેવાઓના અભ્યાસનો આરંભ કર્યો. આ પ્રકારનો આરંભ કરનારી આ પ્રથમ સંસ્થા હતી. આ સાથે તેમનું લેખનકાર્ય પણ ચાલુ જ હતું.
1869માં તેઓ ઇંગ્લૅન્ડ ગયાં. ત્યાં ‘લંડન સ્કૂલ ઑવ્ મેડિસિન ફૉર વિમેન’ની સ્થાપના કરવા ઉપરાંત ‘નૅશનલ હેલ્થ સોસાયટી ઑવ્ લંડન’ની સ્થાપના કરી. તે સાથે મહિલા-અધિકારોની લડતમાં તેઓ સક્રિય રહ્યાં. 1856માં તેમણે એક અનાથ બાળા કૅથેરાઇન બેરી-કીટીને દત્તક લીધી, જેણે જીવનભર તેમનો સાથ નિભાવ્યો. 1907માં તેઓ પડી જતાં ઘવાયાં. થોડો સમય સાજગી-માંદગીના દોરમાંથી ગુજર્યા બાદ હેસ્ટિંગ્સ ખાતેના તેમના ઘરે અવસાન પામ્યાં. જૂન 1910માં સ્કૉટલૅન્ડ ખાતેના સેંટ મન્સ ચર્ચયાર્ડમાં તેમને દફનાવવામાં આવેલાં.
પ્રથમ મહિલા-તબીબ તરીકે તેમની સ્મૃતિમાં એક ટપાલ-ટિકિટ બ્રિટિશ સરકારના ટપાલ-વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. ‘ધ ફિઝિકલ એજ્યુકેશન ઑવ્ ગર્લ્સ’ (1852); ‘મોરલ એજ્યુકેશન ઑવ્ ધ યંગ’ (1879); ‘ધ હ્યુમન એલિમેન્ટ ઇન સૅક્સ’ (1884) અને ‘પાયોનિયર વર્ક ઇન ઓપનિંગ ધ મેડિકલ પ્રૉફેશન ટુ વિમન’ (1895) તેમના ગ્રંથો છે.
રક્ષા મ. વ્યાસ