બ્લૅક, (સર) જેમ્સ (જ. 1924) : ઈ. સ. 1988ના નોબેલ પુરસ્કાર-વિજેતા. દવાઓ વડે કરાતી સારવાર અંગેના સંશોધન અંગે તેમને જર્ટ્રુડ ઇલિયૉન અને જ્યૉર્જ હિચિંગ્સ સાથે તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યા માટેનો નોબેલ પુરસ્કાર એનાયત થયેલો છે. તેઓ સૌપ્રથમ એવા વૈજ્ઞાનિક બન્યા, જેમને વ્યાપારિક ધોરણે વિજ્ઞાનના ક્ષેત્રે કામ કરતા હોવા છતાં પણ આ સન્માન આપવામાં આવેલું હોય. આ એક વિશિષ્ટ બાબત કહેવાય. સર જેમ્સ બ્લૅક કિંગ્સ કૉલેજ – સ્કૂલ ઑવ્ મેડિસિન અને ડેન્ટિસ્ટ્રી સાથે સંકળાયેલા અંગ્રેજ વૈજ્ઞાનિક હતા. તેમણે બીટારોધકો (betablockers) નામે ઓળખાતાં રસાયણોના ઔષધીય ઉપયોગ માટે મહત્વનું સંશોધન કર્યું છે. સ્વાયત્ત ચેતાતંત્રના સંવેદી ચેતાતંત્ર (sympathetic nervous system) નામના વિભાગમાં એડ્રિનાલિન નામનું રસાયણ સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે. તેનો કોષોમાં પ્રવેશ બે પ્રકારના સ્વીકારકો દ્વારા નિયંત્રિત છે : તેમને અનુક્રમે આલ્ફા અને બીટા-સ્વીકારકો કહે છે. જુદા જુદા સ્વીકારક પ્રમાણે તેની જુદા જુદા કોષો પર જુદી જુદી અસરો થાય છે. બીટા-સ્વીકારકોના કાર્યને અવરોધતાં રસાયણોને બીટારોધકો કહે છે, જે હૃદયના ધબકારાના દરને અને લોહીના ઊંચા દબાણને ઘટાડે છે. આ ઉપરાંત તેમના સતત અને લાંબા ગાળાના ઉપયોગથી હૃદયરોગના હુમલાથી થતા મૃત્યુનો દર પણ ઘટે છે.

શિલીન નં. શુક્લ