બ્લૅક, જૉસેફ (જ. 16 એપ્રિલ 1728, બોર્ડોફ્રાન્સ; અ. 10 નવેમ્બર 1799, એડિનબરો) : બ્રિટિશ દાક્તર, રસાયણવિદ અને ભૌતિકશાસ્ત્રી. વિશિષ્ટ ઉષ્મા અને ગુપ્ત ઉષ્માના શોધક. રાસાયણિક તર્કશાસ્ત્રના પ્રણેતા. તેઓ દારૂના વેપારીના પુત્ર હતા. તેમણે તેમનું શિક્ષણ બેલફાસ્ટ, ગ્લાસગો તથા એડિનબરોમાં લીધું હતું. છેવટે તેમણે ઔષધવિદ્યા(medicine)નો અભ્યાસ કર્યો. એમ.ડી.ની ડિગ્રી માટેનું તેમનું સંશોધનકાર્ય રસાયણશાસ્ત્રમાં મહત્વનું પ્રદાન લેખાય છે. રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન વજનોમાં થતો ફેરફાર નોંધવાની ઉપયોગિતા દર્શાવવા ઉપરાંત વાયુઓનું મહત્વ તેમણે દર્શાવ્યું. તેમણે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓના ફેરફારોનો અભ્યાસ કર્યો. સૂત્રોનો વિકાસ તો પાછળથી થયો, પણ રાસાયણિક પ્રક્રિયાઓમાં સંયોજનો વચ્ચેના ચાવીરૂપ સંબંધોનું તેમને પૂર્ણ જ્ઞાન હતું; દા.ત.,
ચૂનાપથ્થર (limestone) + ઉષ્મા → કળીચૂનો (quicklime) + બદ્ધ હવા (CO2)
કળીચૂનો + પાણી → બુઝાવેલો ચૂનો (slaked lime)
બુઝાવેલો ચૂનો + CO2 → કૅલ્શિયમ કાર્બોનેટ + પાણી
બ્લૅકે દર્શાવ્યું કે બદ્ધ હવા (fixed air) જે શ્વસન તેમજ આથવણ દરમિયાન તથા કોલસો બાળવાથી ઉત્પન્ન થાય છે તે જ ચૂનાપથ્થર ગરમ કરવાથી મળે છે. આ બદ્ધ હવા ઍસિડ તરીકે વર્તે છે અને આલ્કલીને તટસ્થ કરે છે.
1763માં બ્લૅકે દર્શાવ્યું કે ઘનમાંથી પ્રવાહી તથા પ્રવાહીમાંથી બાષ્પનો ફેરફાર તાપમાનમાં ફેરફાર કર્યા સિવાય કરવો હોય તોપણ ઉષ્મા જરૂરી છે; દા.ત., 0° સે. રહેલા બરફને 0° સે. તાપમાનવાળા પાણીમાં ફેરવવા માટે ઉષ્મા જરૂરી છે. આ ઉષ્માને તેમણે ગુપ્ત ઉષ્મા નામ આપ્યું. આમ તેમણે ઉષ્મા અને તાપમાન વચ્ચેનો તફાવત સ્પષ્ટ દર્શાવ્યો. તેમણે પદાર્થોની ઉષ્માક્ષમતા(heat capacity)નો પણ અભ્યાસ કર્યો હતો. આ રીતે ભૌતિક તેમજ રસાયણશાસ્ત્રમાં તેમણે મૌલિક સંશોધન કર્યું છે. તેઓ આધુનિક રસાયણમાં તર્કના ઉપયોગના પ્રણેતા તરીકે ઓળખાય છે.
જ. પો. ત્રિવેદી