બ્લૅક, ક્વેન્ટિન (જ. 1932, સેકસ્બી, લંડન) : બાળકો માટેના લેખક અને ચિત્રાંકનકાર (illustrator). પ્રારંભમાં તેમણે કેમ્બ્રિજ ખાતે અંગ્રેજીનો અભ્યાસ કર્યો. ત્યારપછી તેઓ ધંધાદારી ચિત્રાંકનકાર બન્યા. એ રીતે તે ‘પંચ’ તથા અન્ય જાણીતાં સામયિકો માટે કાર્ટૂન-ચિત્રો દોરવાનું કાર્ય સંભાળતા રહ્યા.

રસેલ હૉબર્ન, રૉલ્ડ ડેલ અને અન્ય બાલલેખકોનાં પુસ્તકોમાંનાં તેમનાં ચિત્રાંકનો ભારે પ્રશંસા પામ્યાં. ‘મિસ્ટર મૅગ્નૉલિયા’ અને ‘ધ ક્વેન્ટિન બ્લૅક બુક ઑવ્ નૉન્સેન્સ વર્સ ઍન્ડ નૉન્સેન્સ સ્ટૉરિઝ’ (બંને 1996) જેવાં પુસ્તકો તેમણે પોતે પણ લખ્યાં અને તેમાં ચિત્રાંકન કર્યું.

1978થી 1986 દરમિયાન તેઓ રૉયલ કૉલેજ ઑવ્ આર્ટમાં ચિત્રાંકન-વિભાગના વડા નિમાયા અને 1989થી ત્યાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે સેવા આપી.

મહેશ ચોકસી